હિતેશ મહેતાએ કોરોનાકાળથી ઓળખીતા લોકોમાં લહાણી શરૂ કરી હોવાનો આરોપ

17 February, 2025 07:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કના ૧૨૨ કરોડ રૂપિયાના કૌભાંડમાં બૅન્કના જનરલ મૅનેજર અને અકાઉન્ટ‍્સ હેડની ધરપકડ

હિતેશ મહેતા

ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કના આર્થિક ગોટાળામાં દાદર પોલીસે ગઈ કાલે દહિસરમાં રહેતા બૅન્કના જનરલ મૅનેજર હિતેશ મહેતાની ૧૨૨ કરોડ રૂપિયાનો ગોટાળો કરવાના આરોપસર ધરપકડ કરી હતી.  

ઇકૉનૉમિક ઑફેન્સિસ વિન્ગ (EOW)ના અસિસ્ટન્ટ કમિશનર મંગેશ શિંદેએ આ સંદર્ભે માહિતી આપતાં કહ્યું હતું કે ‘હિતેશ મહેતા બૅન્કના જનરલ મૅનેજરની સાથે અકાઉન્ટ હેડ પણ છે. આની સાથે ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) તેમ જ ટૅક્સ ડીડક્ટેડ ઍટ સોર્સ (TDS)ના રીટર્ન પણ તે જ ફાઇલ કરતો હતો. તેણે બૅન્કની પ્રભાદેવી બ્રાન્ચમાંથી ૧૧૨ કરોડ અને ગોરેગામ બ્રાન્ચમાંથી ૧૦ કરોડ મળીને કુલ મળી ૧૨૨ કરોડ રૂપિયા કઈ રીતે સગેવગે કર્યા એની વિગતવાર તપાસ અમે શરૂ કરી છે. તેની સાથે અન્ય અમુક આરોપી સંકળાયેલા હોવાની શક્યતા છે.’

બૅન્ક સંદર્ભે ચોંકાવનારી વિગત એ બહાર આવી છે કે છેલ્લાં બે વર્ષથી બૅન્કમાં ગોટાળો ચાલી રહ્યો હતો, જે બૅન્ક દ્વારા રજૂ કરાયેલા બે વર્ષના ઍન્યુઅલ રિપોર્ટમાં પણ જણાઈ આવ્યું હતું. બૅન્કની વેબસાઇટ પર અપલોડ કરાયેલા એ ઍન્યુઅલ રિપોર્ટ પ્રમાણે ૨૦૨૩માં બૅન્કના ચૅરમૅનપદે સતિશ ચંદેર હતા અને ગૌરી ભાનુ વાઇસ ચૅરપર્સન હતાં, જ્યારે કે ૨૦૨૪ના ઍન્યુઅલ રિપોર્ટ પ્રમાણે ચૅરમૅનપદ જ ખાલી હતું અને એનો ચાર્જ વાઇસ ચૅરપર્સન ગૌરી ભાનુ જ સંભાળી રહ્યાં હતાં. એ સિવાય ફેડરિક ડિસોઝા, કુરુષ પાઘડીવાલા, મિલન કોઠારે, શિવા કથુરિયા અને વિરેન બારોટ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. એથી છેલ્લા દોઢ- બે વર્ષથી ચૅરમૅનપદ કેમ ખાલી હતું એવા પણ સવાલો હવે થઈ રહ્યા છે.  

આ ગોટળા સંદર્ભે બૅ​ન્કિંગ એક્સપર્ટ્સનું કહેવું છે કે ‘સરકાર કો-ઑપરેટિવ બૅન્કો પર ખાસ ધ્યાન નથી આપી રહી. બૅન્કો દ્વારા તેમની ડિપોઝિટ્સ સામે અપાતી લોન પર જે વ્યાજ લેવાય છે એ જ એની આવકનો મુખ્ય સ્રોત્ર હોય છે, પણ આ બૅન્કમાં બૅડ ડેબ્ટ્સ વધી ગયા હતા. સંચાલક મંડળ ભ્રષ્ટાચારી બની ગયું લાગે છે. સામાન્ય પણે બૅડ ડેબ્ટ્સ પાંચ ટકા કરતાં વધી જાય તો એ બૅન્ક જોખમી બની જાય એમ RBI માને છે. જ્યારે કે આ બૅન્કનું બૅડ ડેબ્ટ્સ ૧૫ ટકા કરતાં વધી ગયાની શક્યતા વર્તાવવામાં આવી રહી છે. એથી એ માટે આખા સંચાલક મંડળને જ જવાબદાર ગણવું જોઈએ.’

mumbai news mumbai dadar dahisar mumbai police Crime News mumbai crime branch reserve bank of india