૧૦૦૦૦ લોકોએ એકસાથે બિગ બી પરિવાર વહેલો સાજો થાય એ માટે કર્યો જાપ

13 July, 2020 10:24 AM IST  |  Mumbai | Shirish Vaktania

૧૦૦૦૦ લોકોએ એકસાથે બિગ બી પરિવાર વહેલો સાજો થાય એ માટે કર્યો જાપ

કાંદિવલી-વેસ્ટના ગણેશનગરમાં આવેલા મિથિલા હનુમાન મંદિરમાં થતા હવન-પૂજા

૩૮ વર્ષ પહેલાં ફિલ્મ ‘કૂલી’ના શૂટિંગમાં અમિતાભ બચ્ચન ઘાયલ થયા પછી વિશ્વભરના લાખો ચાહકો અને પ્રશંસકોએ તેમને માટે પૂજા, પ્રાર્થના, હવન, ઇબાદત, બંદગી કર્યાં હતાં. ત્યાર પછી હવે બચ્ચન-ફૅમિલીના ચાર સભ્યોના કોરોના ટેસ્ટ રિપોર્ટ પૉઝિટિવ આવ્યા પછી તેઓ ઝડપથી સ્વસ્થ થઈ જાય એવી પ્રાર્થના સમગ્ર વિશ્વમાં તેમના ચાહકો અને પ્રશંસકો કરી રહ્યા છે. કાંદિવલી-વેસ્ટના ગણેશનગરના પાંચ યુવાનોએ ગઈ કાલે મહામૃત્યુંજય જાપ અને હવનનું આયોજન કર્યું હતું, જેમાં ૧૦,૦૦૦ લોકોએ સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૧૨.૩૦ વાગ્યા સુધી એકસાથે બચ્ચનપરિવારની સુખાકારી માટે મહામૃત્યુંજય જાપ કર્યો હતો.
ગણેશનગરના રહેવાસી ગોપાલ ઝા, મુકેશ ચૌધરી, દિનેશ સિંહ, દીપક પાંડે અને વિનોદ ગુપ્તાએ સ્થાનિક નગરસેવક કમલેશ યાદવની મદદથી મંત્રજાપ અને હવનનું આયોજન કર્યું હતું. ગોપાલ ઝાએ જણાવ્યું હતું કે ‘અમિતાભ બચ્ચન મહાન અભિનેતા છે. અમે તેમની એક પણ ફિલ્મ જોવાનું ચૂકતા નથી. તેમની પ્રતિભા અને અભિનય કૌશલથી પ્રભાવિત છીએ. તેમના પરિવારના ચાર સભ્યોનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવ્યા પછી અમે બધા ચિંતિત છીએ એથી તેઓ વહેલા સાજા થઈ જાય એવી પ્રાર્થના કરવા માટે મહામૃત્યુંજય જાપ અને હવન-પૂજાનું આયોજન કર્યું. અમે સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે ગણેશનગરમાં અમારા વિસ્તારના લગભગ દરેક ઘરે જઈને તેમને સવારે ૧૦થી બપોરે ૧૨.૩૦ વાગ્યા સુધી હવન-પૂજાના સમયે ઘરમાં બેઠાં-બેઠાં મહામૃત્યુંજય મંત્રનો પાઠ કરવાનો અનુરોધ કર્યો હતો. તમામ લોકો અમારી અપીલને પૂર્ણ પ્રતિસાદ આપીને સામેલ થયા હતા.’
સમગ્ર વિશ્વમાં ફેલાયેલા અમિતાભ બચ્ચન એક્સટર્નલ ફૅમિલી (ABEF) નામના ઑનલાઇન ગ્રુપના સભ્યોએ ગઈ કાલે સાંજે ૬ વાગ્યે પોતપોતાના ઘરે એકસાથે બિગ બી પરિવારને કોરોનાની આફતમાંથી બહાર લાવવાની પ્રાર્થના કરી હોવાનું એ ગ્રુપના સુરેશ જુમાનીએ જણાવ્યું હતું. ઇન્દોર રહેતા અને પગ વડે પેઇન્ટિંગ કરતા શારીરિક અક્ષમ ૨૨ વર્ષના યુવાન આયુષ કુંડલે ગયા વર્ષે અમિતાભ બચ્ચનને તેમના ટીવી-શો ‘કૌન બનેગા કરોડપતિ’ના પ્રસંગ પર આધારિત ચિત્રો ભેટ આપ્યાં હતાં. આયુષની મમ્મી સરોજબહેને જણાવ્યું હતું કે શનિવારે અમિતાભના પરિવારને કોરોના-ઇન્ફેક્શન થયાની માહિતી મળ્યા પછી રાતે આયુષ ખૂબ રડવા માંડ્યો હતો. ગઈ કાલે સવારે તે મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા માંડ્યો હતો.’

mumbai mumbai news amitabh bachchan abhishek bachchan