ક્રિકેટનો કૉસ્ચ્યુમ પહેરીને જ્યારે આ વડીલો પહોંચ્યા થિયેટરમાં

07 January, 2022 09:01 AM IST  |  Mumbai | Ruchita Shah

મુંબઈના જુદા-જુદા વિસ્તારોમાં રહેતા કચ્છી વીસા ઓસવાળ સમાજના ૫૦ પ્લસ ક્રિકેટપ્રેમીઓએ ડોમ્બિવલીમાં ‘83’ ફિલ્મ જોઈ. મજાની વાત એ હતી કે ક્રિકેટ રમતા આ સિનિયર સિટિઝનો પોતાના ડ્રેસકોડ ઉપરાંત ટુર્નામેન્ટની ટ્રોફી પણ સિનેમાઘરમાં લઈ ગયા હતા

ક્રિકેટનો કૉસ્ચ્યુમ પહેરીને જ્યારે આ વડીલો પહોંચ્યા થિયેટરમાં

મુંબઈઃ હમ જીતને કે લિયે આયે હૈ - કોવિડની ત્રીજી વેવને કારણે વધી રહેલા ટેન્શન વચ્ચે ‘83’ ફિલ્મના આ ડાયલૉગે કચ્છી વીસા ઓસવાળના વડીલોમાં જોમ ભરવાનું કામ કર્યું છે. સાઉથ મુંબઈ, માટુંગા, દાદર, સાંતાક્રુઝ, ઘાટકોપર અને મુલુંડથી ક્રિકેટ માટે કંઈ પણ કરી છૂટનારા ૫૦ પ્લસની ઉંમરના વડીલોનું એક ગ્રુપ ગઈ કાલે તેમના જીવનની યાદગાર ક્રિકેટ-ક્ષણોને મોટી સ્ક્રીન પર જોવા માટે સવારે દસ વાગ્યે ખાસ ડોમ્બિવલી પહોંચ્યું હતું. કચ્છી વીસા ઓસવાળ જ્ઞાતિ દ્વારા છેલ્લાં નવ વર્ષથી ૫૦ પ્લસના ક્રિકેટપ્રેમીઓ માટે ટુર્નામેન્ટનું આયોજન થાય છે. પહેલી વાર તેમણે આ રીતે ક્રિકેટ પર બનેલી ફિલ્મને સામૂહિક જોવાનો પ્રસંગ યોજ્યો હતો. એ સંદર્ભે વડીલોની ક્રિકેટ ટુર્નામેન્ટના કર્તાહર્તા મુકેશ ગડા કહે છે, ‘છેલ્લા ઘણા સમયથી અમે રોમાંચક ઐતિહાસિક ક્ષણને તરોતાજા કરતી ફિલ્મ ‘83’ જોવાનો પ્લાન બનાવી રહ્યા હતા, કારણ કે ક્રિકેટનો અમને ગાંડો શોખ છે અને ૧૯૮૩ની આ મૅચ અમારામાંના લગભગ દરેક જણે ટીવી પર લાઇવ જોઈ હતી. અમને આજે પણ ચાલીસ વર્ષ પહેલાનાં એ દૃશ્યો બરાબર યાદ છે. કોવિડને કારણે હવે ફરી બધું બંધ થવાની કગાર પર છે ત્યારે અમુક વડીલોની અનુકૂળતા નહોતી છતાં અમે આ પ્લાન બનાવી લીધો. મુંબઈના જુદા-જુદા વિસ્તારોમાંથી લગભગ ૨૮ સભ્યો ફિલ્મ જોવા આવ્યા હતા. બધાએ ક્રિકેટ ગ્રાઉન્ડ પર પહેરવાનો વાઇટ ઍન્ડ વાઇટ ડ્રેસ પહેર્યો હતો. અમારા એક સભ્ય પ્રફુલભાઈ કપિલ દેવ બન્યા હતા અને તેમણે બ્લૅક બ્લેઝર પહેર્યું હતું. ‘83’ ટીમની જેમ ટ્રોફી સાથે ગ્રુપ ફોટો પણ પડાવ્યો. બહુ જ ઉત્સાહથી તેમણે આ ફિલ્મ જોઈ હતી. થિયેટરમાં કોવિડના બધા જ નિયમોનું પાલન કરીને તેમણે ફિલ્મની મજા માણી હતી.’
આ ક્રિકેટમંડળીમાં કૅપ્ટનની ભૂમિકામાં રહેલા ૬૫ વર્ષના પ્રફુલ સાલિયા કહે છે, ‘જ્યારે અમારી ક્રિકેટ ટુર્નામેન્ટ હોય ત્યારે લગભગ ૨૦થી ૨૫ જણ તો મુંબઈની બહારથી આવતા હોય છે. એક ભાઈ તો ખાસ અમેરિકાથી આવે છે. જોકે આ વખતે કોવિડને કારણે જેમની હેલ્થ સારી હોય એવા જ લોકોને અમે બહાર નીકળવાનું કહ્યું હતું. આ ફિલ્મ જોઈ ત્યારે જાણે અમારા માટે આખો એ સમય રિવાઇન્ડ થઈ ગયો જે અમે ત્યારે લાઇવ જોયો હતો. અમારી ટિકિટથી લઈને લંચ અને હાઈ ટી પણ ડોમ્બિવલી કવીઓ દ્વારા સ્પૉન્સર કરવામાં આવ્યાં હતાં. માત્ર ત્રણ કલાકની ફિલ્મમાં અમે એટલું એન્જૉય કર્યું છે કે જાણે અમારું જીવન બે વર્ષ વધી ગયું હોય એવું લાગે છે. ક્રિકેટની જેમ જ લગોરીનું પણ અમારું બહુ જ મોટું ગ્રુપ છે.’

mumbai mumbai news 83 movie dombivli