Mumbai Rains: ભારે વરસાદની આગાહીને પગલે શહેરમાં NDRFની ટીમો તહેનાત

10 June, 2021 12:39 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારે વરસાદની આગાહીને પગલે મુંબઈ સહિત રાજ્યમાં એનડીઆરએફની 15 જેટલી ટીમો અલગ અલગ સ્થળો પર તહેનાત કરવામાં આવી છે.

તસવીરઃ દાદરની ( સૌ. બિપીન કોકટે)

મુંબઈમાં ચોમાસા પહેલા જ ચોમાસાની અસર જોવા મળી રહી છે. છેલ્લા બે-ત્રણ દિવસથી શહેરસમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા હજી પણ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યના વિવિધ ભાગોમાં 15 રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની ટીમો ગોઠવવામાં આવી છે.  જે અંગે ખુદ એનડીઆરએફના વડાએ માહિતી આપી છે. 

એનડીઆરએફના ડિરેકટર  જનરલ એસ.એન પ્રધાને ટ્વિટ કરી જણાવ્યું કે ચાર ટીમ રત્નાગીરિમાં, બે ટીમ મુંબઈ, પાલઘર, સિંધુદર્ગ, રાયગ અને થાણેમાં જ્યારે એક ટીમ કુર્લા (ઈસ્ટ મુબંઈ સબર્બ) માં ગોઠવવામાં આવી છે. 

તેમણે વધુમાં જણાવ્યું કે હવામાન વિભાગે કરેલી આગાહીને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા ટીમ તહેનાત કરવાની અપીલ કરવામાં આવી હતી. જેને પગલે રાજ્યના ઉપર મુજબના સ્થળો પર સાવચેતીના ભાગરૂપે એનડીઆરએફની ટીમો તહેનાત કરવામાં આવી છે. એક ટીમમાં 47 કર્મચારીઓ છે, જે તેઓ તમામ સાધનો જેવા કે નૌકા, લાકડા અને પોલ કટર્સ સાથે સજ્જ છે. 

બુધવારે મુંબઈમાં મુશળધાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ટ્રાફિકની સમસ્યા ઉભી થઈ રહી છે. ભારે વરસાદને કારણે આજે મલાડમાં 4 માળની ઈમારત પણ ધરાશાયી થઈ હતી, જેમાં 11 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 

mumbai rains mumbai weather mumbai monsoon mumbai news palghar raigad