Mumbai: પરમબીર સિંહ સહિત 5 પોલીસકર્મી વિરુદ્ધ 15 કરોડ લાંચ મામલે FIR નોંધાઈ

22 July, 2021 01:50 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ અને અન્ય પાંચ પોલીસકર્મીઓ વિરુદ્ધ લાંચ મામલે એફઆઈઆર નોંધાઈ છે. આ એફઆઈએર મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં એક બિલ્ડરે નોંધાવી છે.

પરમબીર સિંહ

મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ સામે એક એફઆઈઆર નોંધવામાં આવી છે. પરમબીર સિવાય મુંબઈ પોલીસના અન્ય પોલીસ કર્મચારીઓના નામ પણ એફઆઈઆરમાં છે. આ FIR એક બિલ્ડરની ફરિયાદ હેઠળ નોંધવામાં આવી છે, જેમણે 15 કરોડની લાંચનો આક્ષેપ કર્યો છે. 

પરમબીર સિંહ અને અન્ય પોલીસ કર્મચારીઓ સામે મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. ફરિયાદી બિલ્ડરનો આક્ષેપ છે કે તેમની વિરુદ્ધ નોંધાયેલા કેટલાક કેસ અને ફરિયાદોનો નિકાલ કરવા એવજમાં તેમની પાસે 15 કરોડની લાંચ માગવામાં આવી હતી. 

આ FIR માં મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર ઉપરાંત  અન્ય પાંચ પોલીસ અધિકારીઓના નામ પણ સામેલ છે. આ સિવાય આ ફરિયાદમાં બે સામાન્ય નાગરીકોના નામ પણ છે. આમ, 8 લોકો સામે એફઆઈઆર નોંધાવવામાં આવી છે. જે પોલીસ કર્મચારીઓના નામ એફઆઈઆરમાં છે તેમાંથી એક મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ યુનિટના ડીસીપી છે. જ્યારે બીજા અન્ય પોલીસ કર્મીએ ક્રાઈમ બ્રાન્ચના અલગ અલગ યુનિટમાં ઈન્સ્પેક્ટર રેંક પર તહેનાત છે.

આ મામલે જે સામાન્ય નાગરિકોના નામ છે તે બંનેની ધરપકડ થઈ ચુકી છે.  પરંતુ કોઈ પોલીસ અધિકારીની હજી સુધી ધરપકડ કરવામાં આવી નથી. મુંબઈ પોલીસે તમામ સામે આઈપીસી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. 

ઉલ્લેખનીય છે કે પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે ખુદ પોતે અનિલ દેશમુખ પર 100 કરોડ રૂપિયા વસુલ કરવાનો આક્ષેપ કર્યો હતો.  જે બાદ મહારાષ્ટ્ર રાજકારણમાં હલચલ મચી ગઈ હતી, અને સ્થિતિ ત્યાં સુધી પહોંચી હતી કે અનિલ દેશમુખે રાજ્યના ગૃહપ્રધાન પગ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. જોકે આ સમગ્ર વિવાદમાં પરમબીર સિંહે પણ પોતાની ખુરશી ગુમાવવી પડી હતી. હવે પરમબીર સિંહ વિરુદ્ધ બિલ્ડર દ્વારા આવો આક્ષેપ કરતાં મામલો વધારે ગંભીર બન્યો છે. 

નોંધનીય છે કે પરમબીર સિંહે અનિલ દેશમુખ પર લગાવેલા આક્ષેપ પર ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ ઈડીએ અનિલ દેશમુખની કરોડોની સંપત્તિ જપ્ત કરી હતી. 

 

mumbai mumbai news mumbai crime news mumbai crime branch mumbai police marine drive