સૅપ્ટિક ટૅન્કની સફાઈમાં ત્રણ કામદારોનાં મૃત્યુના કેસમાં ચાર જણની ધરપકડ

12 May, 2019 01:11 PM IST  |  મુંબઈ | અનામિકા ઘરત

સૅપ્ટિક ટૅન્કની સફાઈમાં ત્રણ કામદારોનાં મૃત્યુના કેસમાં ચાર જણની ધરપકડ

સૅપ્ટિક ટૅન્કની સફાઈમાં ત્રણ કામદારોનાં મૃત્યુ

શુક્રવારે સવારે થાણેના ધોકળી ખાતે હાઉસિંગ સોસાયટીના સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સૅપ્ટિક ટૅન્કને સાફ કરવા ગયેલા ત્રણ સફાઈ કર્મચારીઓનાં મૃત્યુની ઘટના માટે કાપુરબાવડી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ચાર જણની ધરપકડ કરી છે. ઉપરોક્ત ઘટના માટે કારણભૂત બેદરકારી બદલ પ્રાઇડ પ્રેસિડન્સી હાઉસિંગ સોસાયટીના ત્રણ હોદ્દેદારો સહિત ચાર જણની ધરપકડ કરી હોવાનું થાણે પોલીસના નાયબ પોલીસ કમિશનર અવિનાશ અંબુરેએ જણાવ્યું હતું.

ગયા શુક્રવારની દુર્ઘટના માટે કારણભૂત બેદકારી બદલ કાપુરબાવડી પોલીસ સ્ટેશને કૉન્ટ્રૅક્ટર દિલીપ પાટીલ, સોસાયટીના ચૅરમૅન સુમન નરસાણા (૪૪), સેક્રેટરી હરભજનસિંહ ભાટિયા (૬૯) અને ખજાનચી સુનીલ કૈચે (૪૩) સામે શનિવારે સવારે બેદરકારીનો કેસ નોંધીને પોલીસે એમની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે ‘સોસાયટીના હોદ્દેદારો જાણતા હતા કે એ કામ રાતે કરવાના છે. રાતે આવાં કામ જોખમી હોય છે. હોદ્દેદારો એ પણ જાણતા હતા કે દિલીપ પાટીલે આ પ્રકારના કૉન્ટ્રૅક્ટ્સ અગાઉ પાર પાડ્યા નહીં હોવાથી એને એવો કોઈ અનુભવ નથી. તેમ છતાં દિલીપ પાટીલને કામ સોંપ્યું હતું. એથી સોસાયટીના હોદ્દેદારોની પણ ધરપકડ કરી છે.’ પોલીસે મેલું ઉપાડવા પર પ્રતિબંધના તેમ જ બેદરકારીને લીધે મૃત્યુ નીપજવાના કાયદા હેઠળ ચાર જણની ધરપકડ કરી છે.

૨૦ થી ૨૩ વર્ષની વચ્ચેની ઉંમરના ત્રણ સફાઈ કામગારોનાં મૃત્યુ પછી એમના કુટુંબીજનો અને સગાંસંબંધીઓ મળીને લગભગ ૨૦૦ જણે કાપુરબાવડી પોલીસ સ્ટેશનની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. દેખાવકારોએ ત્રણ યુવાનોના અકાળે મૃત્યુ માટે જવાબદાર વ્યક્તિઓની ધરપકડની માગણી કરી હતી. કૉન્ટ્રૅક્ટરે રાતના સમયે સૅપ્ટિક ટૅન્ક કે સ્યુએજ પ્લાન્ટની સફાઈ માટેનાં સુરક્ષા ઉપકરણો કામગારોને આપ્યાં નહીં હોવાનું દેખાવકારોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : મુંબઈ: મધર્સ ડેની પૂર્વસંધ્યાએ વિરારમાં માતા-પુત્રે ઝેર પીને જીવન ટૂંકાવ્યું

શુક્રવારની ઘટનામાં મૃત્યુ પામેલા એક યુવાન અમનની માતા મૌસમ દાદલે જણાવ્યું હતું કે ‘અમન અમારા ઘરમાં એકલો કમાતો હતો. એને પાંચ મહિનાનું બાળક છે. એની બીમાર પત્ની હૉસ્પિટલમાં છે. અમન ખૂબ મહેનતુ હતો. એના વગર અમારે કેમ જીવવું? અમે ગરીબ માણસો કેવી રીતે ગુજરાન ચલાવીએ? આ રીતે બેદરકારીને લીધે મૃત્યુ માટે જવાબદાર વ્યક્તિઓ સામે કડક પગલાં લેવાં જોઇએ.’

thane mumbai mumbai news