દુબઈ ફરવા ગયેલા બોરીવલીના વેપારીની શનિવારે રિટર્ન ફ્લાઇટ હતી, પણ હવે કોઈ ક્લૅરિટી નથી

02 March, 2026 11:01 AM IST  |  Dubai | Rohit Parikh

હોટેલમાં જ અટકી ગયેલા રાજેશ ગાલા કહે છે કે અમે સુરક્ષિત છીએ અને દુબઈની પરિસ્થિતિ નૉર્મલ છે

રાજેશ ગાલા અને દીપા ગાલા

મિડલ ઈસ્ટમાં શરૂ થયેલા મહાયુદ્ધની પરિસ્થિતિમાં દુબઈની ઍરસ્પેસ બંધ થવાથી મુંબઈથી દુબઈ ફરવા ગયેલા મુંબઈના રેડીમેડ ગાર્મેન્ટ્સના અગ્રણી મૅન્યુફૅક્ચરર ૫૩ વર્ષના રાજેશ ગાલા અને તેમનાં બાવન વર્ષનાં પત્ની દીપા ગાલા શનિવારે રાતના મુંબઈ પાછાં ફરવાનાં હતાં, પણ તેઓ હવે અનિશ્ચિત સમય સુધી દુબઈની એક હોટેલમાં જ અટકી ગયાં છે. જોકે તેમના કહેવા પ્રમાણે દુબઈ શહેરમાં નૉર્મલ પરિસ્થિતિ હોવાથી તેઓ કોઈ માનસિક તાણમાં નથી.

મૂળ કચ્છના વડાલા ગામના અને બોરીવલીમાં રહેતાં કચ્છી વીસા ઓસવાળ સ્થાનકવાસી જૈન રાજેશ ગાલા અને દીપા ગાલા પાંચ દિવસ માટે ૨૩ ફેબ્રુઆરીએ સવારે નીકળીને દુબઈ ફરવા ગયાં હતાં. તેમની ૨૮ ફેબ્રુઆરીની મુંબઈ પાછા ફરવાની ઍર-ટિકિટ હતી. જોકે અચાનક મિડલ ઈસ્ટમાં યુદ્ધ ફાટી નીકળતાં ઍર ઇન્ડિયાએ ફ્લાઇટ કૅન્સલ કરી હતી. આ બાબતની માહિતી આપતાં રાજેશ ગાલાની મોટી પુત્રી ડૉ. શ્રુતિ ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે બપોરે અમને ઍર ઇન્ડિયામાંથી મમ્મી-પપ્પાની ફ્લાઇટ રીશેડ્યુલ થયાની ઈ-મેઇલ આવી હતી. ત્યાર પછી થોડા જ કલાકોમાં ફ્લાઇટ કૅન્સલ થવાની ઈ-મેઇલ આવી હતી. અમે ઍરલાઇન્સની ઇન્સ્ટ્રક્શન પ્રમાણે પહેલાં બીજી માર્ચ અને પછી ત્રીજી માર્ચ માટે ઍરટિકિટ રીશેડ્યુલ કરાવી છે. તેઓ તેમની હોટેલમાં સુરક્ષિત છે, પરંતુ અત્યારની પરિસ્થિતિ જોતાં અમને ખબર નથી કે તેઓ મુંબઈ પાછાં ક્યારે ફરશે? અમે અહીં ટીવી પર ન્યુઝ જોઈને સ્ટ્રેસમાં છીએ. જોકે મમ્મી-પપ્પાએ અમને કહ્યું છે કે ટીવીના ન્યુઝ હાઇપ કરે છે, અહીં બધું જ નૉર્મલ છે, સહેજ પણ ચિંતા કરશો નહીં; ફક્ત સરકારના આદેશને લીધે અમે હોટેલની બહાર નીકળી શકતાં નથી.’

અમે દુબઈ શહેરની હોટેલમાં છીએ અને અહીં કોઈ ટેન્શન નથી એમ જણાવીને રાજેશ ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અહીં હોટેલો, ગ્રૉસરીની દુકાનો અને અન્ય દુકાનો ખુલ્લી છે. પબ્લિકની અવરજવર થઈ રહી છે. શહેરની અંદર કોઈ જ તકલીફ નથી, પરંતુ સુરક્ષા માટે ઍરપોર્ટ બંધ કરી દીધાં છે જેને કારણે જ્યાં સુધી અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ છે એનો અંત નહીં આવે ત્યાં સુધી ઍરપોર્ટ ખૂલશે કે નહીં એના પર શંકા છે. અમે અને અમારા જેવા અનેક ભારતીય પરિવારો હોટેલની અંદર જ રહે છે, બહાર જઈ શકતા નથી. અમે અહીં એકદમ સુરક્ષિત છીએ એટલે ચિંતા કરવા જેવું કંઈ છે નહીં. હોટેલવાળા સાથે પણ વાતચીત થઈ ગઈ છે અને તેઓ અમને એક્સ્ટેન્શન આપી રહ્યા છે, પણ તેમના કહેવા પ્રમાણે અમારે સરકારના આદેશનું કડક પાલન કરવું પડશે. એમાં કોઈ છૂટછાટ ચાલશે નહીં. અમારા માટે થોભો અને રાહ જુઓ સિવાય કોઈ બીજો વિકલ્પ છે જ નહીં.’

અમે ભારતીય એમ્બેસી સાથે પણ ફોન પર વાતચીત કરી લીધી છે અને તેમણે પણ અમારા ફોન-નંબર નોંધી લીધા છે એમ જણાવતાં રાજેશ ગાલાએ કહ્યું હતું કે ‘ભારતીય એમ્બેસીએ પણ અમને આશ્વાસન આપતાં કહ્યું છે કે અમે જે હોટેલમાં છીએ ત્યાં જ સુરક્ષિત છીએ. તેમની પાસે ઍરપોર્ટ શરૂ થવાની કે અન્ય કોઈ પણ માહિતી આવશે તો તેઓ અમને ફોન પર અથવા તો ઈ-મેઇલથી જણાવતા રહેશે. એ સિવાય તેમની વેબસાઇટ પર તેઓ જરૂરી ઇન્સ્ટ્રક્શન અને અપડેટ મૂકતા રહેશે. આવું જ આશ્વાસન અમને જૈન ઇન્ટરનૅશનલ ટ્રેડ ઑર્ગેનાઇઝેશનના કાર્યકરો તરફથી પણ આપવામાં આવ્યું છે. તેમણે અમને સ્પષ્ટ કહ્યું છે કે સરકારના આદેશ પ્રમાણે અમને હોટેલવાળા હોટેલમાંથી બહાર કાઢી મૂકશે નહીં અને હોટેલના ચાર્જ સિવાયનો કોઈ પણ એક્સ્ટ્રા ચાર્જ લીધા વગર અમને હોટેલમાં પરિસ્થિતિ શાંત ન થાય ત્યાં સુધી રહેવા દેશે.’

international news world news dubai gujaratis of mumbai gujarati community news kutchi community borivali israel iran united states of america