09 August, 2025 06:37 AM IST | Washington | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (United States of America)ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) દ્વારા ભારત (India) પર ૫૦ ટકા ટેરિફ (Trump Tariffs) લાદવામાં આવ્યા બાદ વોલમાર્ટ (Walmart), એમેઝોન (Amazon), ટાર્ગેટ (Target) અને ગેપ (GAP) સહિત મુખ્ય અમેરિકન રિટેલર્સે હવે ભારતમાંથી તેમના ઓર્ડર હોલ્ડ પર રાખ્યા છે. આ બધી અસર ટ્રમ્પ ટેરિફ (Trump Tariffs Effect)ની છે.
ભારતીય નિકાસકારો પહેલાથી જ ચિંતિત હતા કે ટેરિફમાં વધારાથી તેમના ઓર્ડર પ્રભાવિત થઈ શકે છે. અને થયું પણ એવું જ છે. અમેરિકાએ ૫૦ ટકા ટેરિફ લગાડ્યા બાદ વોલમાર્ટ, વોલમાર્ટ, ટાર્ગેટ, ગેપ સહિતના અમેરિકન રિટેલર્સે ભારતમાંથી ઓર્ડર હોલ્ડ પર મુક્યા છે. એક પોર્ટલે સૂત્રોના હવાલેથી દાવો કર્યો છે કે, ભારતીય નિકાસકારોને અમેરિકન ખરીદદારો તરફથી પત્રો અને ઇમેઇલ મળ્યા છે જેમાં તેમને આગામી સૂચના સુધી કપડાંનું શિપમેન્ટ બંધ કરવાનું કહેવામાં આવ્યું છે.
હકીકતમાં, અમેરિકન કંપનીઓ ઇચ્છે છે કે ભારતીય નિકાસકારો ટેરિફને કારણે વધેલા ખર્ચનો બોજ ઉઠાવે. ટેરિફને કારણે અમેરિકામાં વેચાતા માલની કિંમત ૩૦ થી ૩૫ ટકા વધવાની શક્યતા છે. ભારતના મુખ્ય નિકાસકારો જેમ કે વેલસ્પન લિવિંગ (Welspun Living), ગોકલદાસ એક્સપોર્ટ્સ (Gokaldas Exports), ઇન્ડો કાઉન્ટ (Indo Count) અને ટ્રાઇડેન્ટ (Trident) અમેરિકામાં તેમનો ૪૦ થી ૭૦ ટકા માલ વેચે છે.
માર્ચ ૨૦૨૫માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં, યુનાઇટેડ સ્ટેટ્સ કાપડ અને વસ્ત્રોની નિકાસ માટે ભારતનું સૌથી મોટું બજાર રહ્યું છે, જે કુલ ૩૬.૬૧ બિલિયન ડોલરના આઉટબાઉન્ડ શિપમેન્ટના ૨૮ ટકા હિસ્સો ધરાવે છે. વિશ્વમાં કાપડ અને વસ્ત્રોનો છઠ્ઠો સૌથી મોટો નિકાસકાર દેશ ભારત હવે બાંગ્લાદેશ અને વિયેતનામ સામે ઓર્ડર ગુમાવવાનો ડર રાખે છે, જેઓ ૨૦ ટકા ટેરિફનો સામનો કરી રહ્યા છે.
એવું માનવામાં આવે છે કે, હવે અમેરિકા જતા ઓર્ડરને રોકી દેવાને કારણે વેપારમાં ૪૦ થી ૫૦ ટકાનો ઘટાડો થઈ શકે છે. વાસ્તવમાં, ભારતમાંથી સૌથી વધુ કપડાં અમેરિકામાં નિકાસ થાય છે. પરંતુ ટેરિફને કારણે, ભારતના ઓર્ડર બાંગ્લાદેશ (Bangladesh) અને વિયેતનામ (Vietnam) જઈ શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ૫૦ ટકા ટેરિફ લાદ્યો છે, જ્યારે બાંગ્લાદેશ અને વિયેતનામ પર તે ફક્ત ૨૦ ટકા છે.
ભારતે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો અને તેને અતાર્કિક ગણાવ્યો હતો, જ્યારે ટ્રમ્પ તેના પર અડગ છે. હાલમાં, વેપાર સોદો ન થાય ત્યાં સુધી આ સમસ્યા ઉકેલાય તેવી કોઈ શક્યતા નથી. તમને જણાવી દઈએ કે, અમેરિકા દ્વારા ભારત પર ગુરુવારથી પ્રારંભિક ૨૫ ટકા ટેરિફ અમલમાં આવ્યો હતો અને ૨૮ ઓગસ્ટથી વધારાના ૨૫ ટકા ટેરિફ લાગુ કરવામાં આવશે.