‘ટેરિફ લાદ્યાને હજી તો ૮ કલાક થયા છે’: ટ્રમ્પનો ભારતને સંકેત, ટેરિફ કા પિક્ચર અભી બાકી હૈ!

08 August, 2025 06:59 AM IST  |  Washington | Gujarati Mid-day Online Correspondent

Trump Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ૫૦ ટકા ટેરિફ બાદ વધુ ગૌણ પ્રતિબંધો લાદવાનો સંકેત આપ્યો છે; ટ્રમ્પે કહ્યું કે…હજી ફક્ત ૮ કલાક થયા છે, આગળ ઘણું જોવાનું બાકી છે

ડોનાલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર

ભારત (India) પર ૫૦ ટકા સુધીનો બેઝલાઇન ટેરિફ (Trump Tariff) લાદ્યા પછી, અમેરિકા (America)ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ સંકેત આપ્યો છે કે, ગૌણ પ્રતિબંધોનો આગામી રાઉન્ડ પણ ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. માત્ર ૮ કલાક પહેલા, ભારત પર વધારાના ૨૫ ટકા ટેરિફની જાહેરાત કર્યા પછી, ટ્રમ્પે એક પત્રકારના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે…‘ફક્ત ૮ કલાક થયા છે. શું થાય છે તે જોતા રહો. તમને ઘણા ગૌણ પ્રતિબંધો જોવા મળશે.’

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ૫૦ ટકા સુધીનો બેઝલાઇન ટેરિફ લાદ્યા બાદ પણ ટેરિફ વધારવાના સંકેત આપ્યા છે. એક પત્રકારના સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કે, ‘ફક્ત ૮ કલાક થયા છે. શું થાય છે તે જોતા રહો. તમને ઘણા ગૌણ પ્રતિબંધો જોવા મળશે.’ આ નિવેદન ભારત દ્વારા રશિયા (Russia) પાસેથી તેલ ખરીદવાના સંદર્ભમાં આવ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્રે તેને યુક્રેન (Ukraine) યુદ્ધના ભંડોળ સાથે સીધું જોડ્યું છે અને તેને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે.

જ્યારે એક પત્રકારે ટ્રમ્પને પૂછ્યું કે, ચીન (China) પણ રશિયન તેલ ખરીદે છે, તો પછી ફક્ત ભારતને જ કેમ નિશાન બનાવવામાં આવ્યું? ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટપણે સંકેત આપ્યો કે, ‘અમે ભારત પર ગૌણ પ્રતિબંધો લાગુ કરવાનું વિચારી રહ્યા છીએ. આ ઘણા અન્ય દેશો પર પણ લાગુ થઈ શકે છે, જેમાંથી એક ચીન હોઈ શકે છે.’

ટ્રમ્પને જ્યારે પૂછવામાં આવ્યું કે, ‘ભારતીય દંડ અંગે, શું તમારી પાસે ચીન પર વધુ ટેરિફ લાદવાની કોઈ યોજના છે?’ ત્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘કદાચ. તે આપણે તે કેવી રીતે કરીએ છીએ તેના પર નિર્ભર છે. કદાચ થઈ શકે છે.’

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેમણે ભારત પર વધારાના ૨૫ ટકા ટેરિફની જાહેરાત કરી છે, જે ૨૭ ઓગસ્ટથી અમલમાં આવશે. અગાઉ, ૩૦ જુલાઈએ ૨૫ ટકા ટેરિફની જાહેરાત કરવામાં આવી હતી, જે ૭ ઓગસ્ટથી અમલમાં આવી છે. આ સ્પષ્ટ સંકેત છે કે, અમેરિકા હવે માત્ર વેપાર યુદ્ધ જ નહીં, પરંતુ એક પ્રકારની ભૂ-રાજકીય દબાણ નીતિ અપનાવી રહ્યું છે, જેમાં ગૌણ પ્રતિબંધો એક મહત્વપૂર્ણ હથિયાર બની શકે છે.

આ બાબતે, વિદેશ મંત્રાલય (Ministry of External Affairs)એ પણ સ્પષ્ટતા કરી કે ક્રૂડ ઓઇલની આયાત બજાર આધારિત નિર્ણય છે, જેનો હેતુ ૧૪૦ કરોડ નાગરિકોની ઉર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવાનો છે. ભારતે આ પગલાને અનુચિત, અન્યાયી અને પાયાવિહોણું ગણાવ્યું અને કહ્યું કે વિશ્વના ઘણા અન્ય દેશો પણ તેમના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યા છે, તો પછી ફક્ત ભારતને જ કેમ નિશાન બનાવવામાં આવી રહ્યું છે? આ નિવેદન દર્શાવે છે કે ભારત ફક્ત તેના નિર્ણયો પર અડગ નથી, પરંતુ દબાણમાં આવવા માટે પણ તૈયાર નથી.

નોંધનીય છે કે, ગૌણ પ્રતિબંધો એ એવા પ્રતિબંધો છે જે અમેરિકા એવા દેશો, કંપનીઓ અથવા સંસ્થાઓ પર લાદે છે જે પહેલાથી જ પ્રતિબંધિત દેશ (જેમ કે રશિયા, ઈરાન, વગેરે) સાથે વેપાર અથવા નાણાકીય વ્યવહારો કરે છે. તેમનો હેતુ મુખ્ય લક્ષ્ય દેશને તૃતીય પક્ષોને ડરાવીને આર્થિક રીતે અલગ પાડવાનો છે. હેતુ રાજદ્વારી દબાણ બનાવવાનો અને વૈશ્વિક વેપારમાં યુએસ શક્તિને ફરીથી સ્થાપિત કરવાનો છે. જો ટ્રમ્પ ભારત પર ગૌણ પ્રતિબંધો લાદે છે, તો તે ભારતની તેલ કંપનીઓ, બેંકો અને શિપિંગ ઉદ્યોગને પણ અસર કરી શકે છે.

Tarrif donald trump united states of america india china russia indian government ministry of external affairs national news news