09 September, 2025 08:14 PM IST | Washington | Gujarati Mid-day Online Correspondent
ડોનાલ્ડ ટ્રમ્પ ફાઇલ તસવીર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બદલાતા વલણ વચ્ચે, ફરી એકવાર પીટર નવારોએ ભારતને ધમકી આપી છે. વ્હાઇટ હાઉસના વેપાર સલાહકાર પીટર નવારોએ કહ્યું છે કે ભારતે કોઈક સમયે અમેરિકા સાથે સંમત થવું પડશે. તેમણે ચેતવણી પણ આપી હતી કે જો આવું નહીં થાય, તો તે ભારત માટે સારું નહીં રહે. તાજેતરમાં, ટ્રમ્પે ભારત સાથે સારા સંબંધો રાખવાની વાત કરી હતી. નવારોએ સોમવારે રીઅલ અમેરિકાના વોઇસ કાર્યક્રમમાં વાતચીત દરમિયાન કહ્યું હતું કે ભારતને કોઈક સમયે અમેરિકા સાથે વેપાર વાટાઘાટો પર `સહમત` થવું પડશે. જો આવું નહીં થાય, તો નવી દિલ્હી રશિયા અને ચીન સાથે ઉભું જોવા મળશે અને આ ભારત માટે `સારું` નહીં હોય. તેમણે કહ્યું કે ભારત સરકારને એ વાતથી દુઃખ થયું છે કે તેમણે ભારતને `ટૅરિફનો મહારાજા` કહ્યો.
બ્રિક્સ દેશો પર આકરા પ્રહાર કરતા નવારોએ કહ્યું, `હકીકત એ છે કે આ જૂથનો કોઈ પણ દેશ જ્યાં સુધી અમેરિકાને પોતાનો માલ વેચે નહીં ત્યાં સુધી ટકી શકે નહીં. અને જ્યારે તેઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં નિકાસ કરે છે, ત્યારે તેઓ તેમની અન્યાયી વેપાર નીતિઓથી પિશાચની જેમ આપણી નસોમાંથી લોહી ચૂસી લે છે.` રશિયાથી ભારતની તેલ આયાત અને ઊંચા ટૅરિફ પર ટીકા કરતા નાવારોએ કહ્યું કે ભારત દાયકાઓથી ચીન સાથે યુદ્ધમાં છે. "અને મને હમણાં જ યાદ આવ્યું, હા, ચીને પાકિસ્તાનને પરમાણુ બૉમ્બ આપ્યો હતો. હવે તમારી પાસે હિન્દ મહાસાગર પર ચીની ધ્વજ સાથે ઉડતા વિમાનો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, જુઓ કે તમે તેને કેવી રીતે હૅન્ડલ કરો છો," તેમણે કટાક્ષ કર્યો.
"પરંતુ તે બિલકુલ સાચું છે. ભારતે વિશ્વના કોઈપણ મોટા દેશ કરતાં યુનાઇટેડ સ્ટેટ્સ સામે સૌથી વધુ ટૅરિફ લગાવ્યા છે. આપણે તેનો સામનો કરવો પડશે," નાવારોએ કહ્યું. તેમણે દાવો કર્યો કે રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું તે પહેલાં, ખૂબ ઓછી માત્રામાં સિવાય ભારતે ક્યારેય મોસ્કો પાસેથી તેલ ખરીદ્યું ન હતું. તે પછી, ભારતે નફાખોરીનો અભિગમ અપનાવ્યો, જ્યાં રશિયન રિફાઇનર્સ ભારતીય ભૂમિ પર આવી રહ્યા છે અને નફો કરી રહ્યા છે, અને અમેરિકન કરદાતાઓએ સંઘર્ષને ભંડોળ પૂરું પાડવા માટે વધુ પૈસા મોકલવા પડે છે. અગાઉ, નાવારોએ X પરની એક પોસ્ટમાં કહ્યું હતું કે ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અને "ઓપિનિયન પોલને હેરાફેરી કરવા માટે X પર ફક્ત થોડા લાખ ખોટી માહિતી પ્રચારકોને જ સમાવી શકાય છે. શું મજાક છે. અમેરિકા: જુઓ કે વિદેશી હિતો તેમના અજન્ડાને આગળ ધપાવવા માટે આપણા સોશિયલ મીડિયાનો કેવી રીતે ઉપયોગ કરે છે.