વાહ! આ ગુજરાતી મહિલા ન્યૂઝીલેન્ડમાં લડ્યાં સિટી કાઉન્સિલની પેટાચૂંટણી, જાણો રસપ્રદ કિસ્સો

14 September, 2021 03:17 PM IST  |  Mumbai | Karan Negandhi

રોશની હેમિલટોન સિટી કાઉન્સિલના ઈસ્ટ વોર્ડના આ બાય-ઇલેક્શનમાં અપક્ષ ઉમેદવાર તરીકે બીજા 23 અપક્ષ અને મોટી પાર્ટીઓના ઉમેદવાર સામે લડ્યા હતા.

રોશની દેસાઈ

સ્થાનિક સમસ્યાઓને માત્ર ચર્ચા સુધી સીમિત ન રાખતા મૂળ ગુજરાતનાં એક મહિલા ન્યૂઝીલેન્ડના હેમિલટોન સિટી કાઉન્સિલની પેટાચૂંટણીમાં ઊભા રહ્યાં હતાં. ડાકોર પાસે આવેલા વણાકબોરીના રોશની દેસાઈ જૂન મહિનામાં યોજાયેલી આ પેટાચૂંટણી લડ્યાં હતાં અને ત્યાં પણ ગુજરાતીઓનો ડંકો વગાડ્યો હતો. સ્થાનિક સમસ્યાઓનો ઉકેલ લાવવા તેમણે જાતે જ આ પેટાચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો.

રોશની હેમિલટોન સિટી કાઉન્સિલના ઈસ્ટ વોર્ડના આ બાય-ઇલેક્શનમાં અપક્ષ ઉમેદવાર તરીકે બીજા 23 અપક્ષ અને મોટી પાર્ટીઓના ઉમેદવાર સામે લડ્યા હતા. જોકે, 1700 થી વધુ મત સાથે બીજો ઉમેદવાર આ બાજી મારી ગયો હતો. દરમિયાન રોશનીએ પોતાના આ પ્રથમ જ પ્રયાસમાં 209 મત મેળવ્યા હતા. હાલ રોશની સેલ્સ પર્સન તરીકે એક શૉરૂમમાં કામ કરે છે.

રોશની દેસાઈના પતિ આદીપ દેસાઈએ આ વિશે વાતચીત કરતા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું હતું કે “અહીંના સંદર્ભમાં વાત કરીએ તો ટેક્સ અને ડેવલપમેન્ટના મુદ્દા સિવાય સિટી બાઉન્ડ્રી પણ ખૂબ જ મહત્ત્વનો મુદ્દો અમારા માટે રહ્યો હતો. રોશનીએ પોતાનો બિઝનેસ પણ કર્યો હોવાથી તેને આ તમામ મુદ્દાની સારી સમજ હતી, જેથી તેણે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો.” આદીપે ઉમેર્યું હતું કે “એક પતિ તરીકે હું રોશની માટે ખૂબ જ પ્રાઉડ ફીલ કરું છું કે તેણે આ રીતે આગળ આવવાનું નક્કી કર્યું છે. આ અનુભવથી અમે ઘણું શીખ્યા છીએ.”

આ સંદર્ભે વાત કરતાં રોશની દેસાઈએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને કહ્યું કે “આ નવો અનુભવ સુખદ રહ્યો હતો. મારા માટે પબ્લિક સ્પીક અને ડિબેટ તદ્દન નવા વિષય હતા, પરંતુ તેનો પણ પ્રયાસ મેં કર્યો હતો. હવે વર્ષ 2022માં આગામી ચૂંટણી સિટી કાઉન્સિલની ચૂંટણી થશે તેમાં પણ હું ઊભી રહીશ.” તેમણે ચૂંટણી વિશે વાત કરતાં કહ્યું હતું કે “વોટ ફોર ચેન્જના સૂત્ર સાથે હું આ ચૂંટણી લડી હતી. અમે પ્રચાર દરમિયાન અહીં ઘણા ભારતીયો પરિવારોની પણ મુલાકાત લીધી હતી.”

ઉલ્લેખનીય છે કે રોશનીએ પોતાનો 12મા ધોરણ સુધીનો અભ્યાસ ગુજરાતી શાળામાં જ કર્યો હતો અને ગ્રેજ્યુએશન બાદ વર્ષ 2001માં તેઓ ભારતથી ન્યૂઝીલેન્ડ સ્થળાંતરિત થયા હતા.

international news gujarat news gujarati mid-day dakor new zealand