શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાન દ્વારા કેન્યાના મોમ્બાસામાં સ્વામીનારાયણ મંદિર બનશે

17 December, 2025 10:56 AM IST  |  Kenya | Gujarati Mid-day Correspondent

મલ્ટીપર્પઝ હૉલ અને પાર્કિંગ-વ્યવસ્થા સહિતની સુવિધા હશે. આ મંદિર આવતાં બે વર્ષમાં તૈયાર થઈ જશે.

આવું બનશે મોમ્બાસામાં સ્વામીનારાયણ મંદિર.‍

ગુજરાત સહિત ભારત તેમ જ વિદેશની ધરતી પર હિન્દુ સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાની અલખ જગાવતા શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાન દ્વારા હવે કેન્યાના મોમ્બાસામાં પણ સ્વામીનારાયણ મંદિર બનશે. રવિવારે શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસ સ્વામીની અધ્યક્ષતા હેઠળ આ મંદિરનો શિલાન્યાસ થયો હતો.

નાઇરોબી, તાન્ઝાનિયા અને અરુષામાં મંદિર બન્યા બાદ હવે મોમ્બાસામાં મંદિર બની રહ્યું છે. સંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં યોજાયેલા શિલાન્યાસ-સમારોહમાં આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસ સ્વામી મહારાજે આશીર્વચન આપતાં કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિની જ્યોત ઝળહળતી રહે, નાગરિકો સુસંસ્કારી બને, નિર્વ્યસની બની રહે અને સૌ સજ્જન બને. મહંત ભગવદપ્રિયદાસ સ્વામીએ કહ્યું હતું કે ‘ન્યાલી, મોમ્બાસા ખાતે મામા નગીના રોડ ખાતે ૧ એકર જમીન પર મંદિર પરિસર ઊભો કરવામાં આવશે જેમાં મંદિર, પ્રાર્થનાહૉલ, સંતવૃંદ નિવાસસ્થાન ઉપરાંત મલ્ટીપર્પઝ હૉલ અને પાર્કિંગ-વ્યવસ્થા સહિતની સુવિધા હશે. આ મંદિર આવતાં બે વર્ષમાં તૈયાર થઈ જશે.’

international news world news kenya swaminarayan sampraday culture news religious places