પુતિને મિત્રની વાત ન સાંભળી

22 September, 2022 08:37 AM IST  |  Moscow | Gujarati Mid-day Correspondent

પીએમ મોદીએ યુદ્ધનો અંત લાવવા સલાહ આપી હતી, પરંતુ રશિયાના પ્રેસિડન્ટે પરમાણુ હથિયારોની ધમકી આપી ત્રણ લાખ રિઝર્વ સૈનિકોને તહેનાત કરવાનો આદેશ આપ્યો

ફાઇલ તસવીર

રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને ગઈ કાલે યુક્રેનને સાથ આપનારા અમેરિકા અને યુરોપિયન દેશો પર પરમાણુ હથિયારોથી હુમલો કરવાની વધુ એક વખત ધમકી આપી હતી. દુનિયાના દેશોના નેતાઓને ચેતવતાં તેમણે કહ્યું હતું કે ‘હું પોકળ ધમકી આપતો નથી.’ નોંધપાત્ર છે કે, તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુતિનને કહ્યું હતું કે આ સમય યુદ્ધ માટેનો નથી.

જોકે, દેશને સંબોધતી વખતે પુતિને ત્રણ લાખ રિઝર્વ સૈનિકોને તહેનાત કરવાની જાહેરાત કરી હતી. બીજા વિશ્વ યુદ્ધ પછી પહેલી વખત રશિયા આટલી મોટી સંખ્યામાં રિઝર્વ સૈનિકોને તહેનાત કરશે. પુતિને કહ્યું હતું કે ‘જો અમારા દેશની પ્રાદેશિક અખંડિતતાને જોખમ ઊભું થશે તો અમે રશિયા અને અમારા લોકોની સુરક્ષા માટે કોઈ શંકા વિના ઉપલબ્ધ તમામ સંશાધનોનો ઉપયોગ કરીશું. આ પોકળ ધમકી નથી.’ પશ્ચિમી દેશો પર રશિયાના ભાગલા પાડીને નાશ કરવાની કોશિશનો આરોપ મૂકીને તેમણે કહ્યું હતું કે ‘જે લોકો પરમાણુ હથિયારોથી અમને બ્લૅકમેઇલ કરવાની કોશિશ કરી રહ્યા છે તેમને ખબર હોવી જોઈએ કે સ્થિતિ બદલાઈને તેમની વિરુદ્ધ જઈ શકે છે.’

પુતિને એવા સમયે આ ધમકી આપી છે કે જ્યારે યુક્રેને ગયા અઠવાડિયે અનેક જગ્યાએ રશિયન આર્મીને હરાવી છે. 

ફ્રાન્સ-અમેરિકાએ યુદ્ધ વિશેના મોદીના નિવેદનની પ્રશંસા કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં રશિયન પ્રેસિડન્ટ પુતિનને કહેલા એક નિવેદનનો પડઘો પડી રહ્યો છે. ન્યુ યૉર્કમાં સંયુક્ત રાષ્ટ્રની મહાસભાના સત્રમાં ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમૅન્યુઅલ મેંક્રોએ કહ્યું હતું કે ‘ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાચા હતા કે જ્યારે તેમણે કહ્યું હતું કે આ સમય યુદ્ધ માટેનો નથી. આ સમય આપણા સમાન સાર્વભૌમત્વ દેશોએ સાથે મળીને પડકારોનો સામનો કરવાનો છે.’ બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને કહ્યું હતું કે ‘હું માનું છું કે વડા પ્રધાન મોદી પોતે જે સાચું માને છે એ રજૂ કરતાં તેમના સૈદ્ધાંતિક નિવેદનને અમેરિકા દ્વારા ખૂબ જ આવકારવામાં આવ્યું છે.’

international news russia ukraine france united states of america india vladimir putin