બૉર્ડર પર સ્ટૅમ્પિંગ થઈ ગયું છે

28 August, 2026 07:05 AM IST  |  Nepal | Gujarati Mid-day Correspondent

આવું વૉટ્સઍપ સ્ટેટસ અપલોડ કર્યા પછી થોડી જ મિનિટોમાં ઇમિગ્રેશન ઑફિસ તણાઈ ગઈ : મુલુંડના જૈન દંપતી સહિત ૩૦ લોકોનું ગ્રુપ એપિસેન્ટર પર હોવાની આશંકાથી પરિવારજનો ચિંતિત

ફાઇલ તસવીર

સરહદ પર પાસપોર્ટ સ્ટૅમ્પિંગ થઈ ગયું છે. બુધવારે સવારે મુંબઈના એક શ્રદ્ધાળુએ ઉત્સાહભેર મૂકેલું આ છેલ્લું વૉટ્સઍપ સ્ટેટસ અત્યારે તેમના પરિવારો માટે કાળજું કંપાવનારું સાબિત થયું છે. નેપાલ-તિબેટ સરહદે હિમાલયમાં ગ્લૅસિયર ફાટવાને કારણે આવેલા ફ્લૅશ ફ્લડની હોનારતમાં મુલુંડના જૈન દંપતી સહિત ૩૦ સભ્યોનું આખું ગ્રુપ ગુમ થઈ ગયું છે. પૂરમાં ઇમિગ્રેશન ઑફિસ તણાઈ ગઈ છે. ટાઇમિંગ કનેક્શનથી પરિવારજનોના જીવ અધ્ધર થઈ ગયા છે. આ ગ્રુપ એ સમયે એપિસેન્ટર પર હોવાની પૂરી સંભાવના છે. 

રસુવાગઢી બૉર્ડર પર ચીન તરફથી આવતી ભોટેકોશી નદીમાં બુધવારે સવારે આશરે ૮.૩૦ વાગ્યે આવેલા પૂરે ભારે તબાહી મચાવી હતી. માનસરોવરની યાત્રાએ ગયેલા હિલ્સ ઍન્ડ ટ્રેઇલ્સ (Hills and Trails) ગ્રુપના ૩૦ શ્રદ્ધાળુઓમાંથી એક મેમ્બરે થોડી મિનિટો પહેલાં પાસપોર્ટ સ્ટૅમ્પિંગ પૂરું થયાનું સ્ટેટસ અપલોડ કર્યું હતું. નેપાલ પ્રશાસનના જણાવ્યા મુજબ પૂર એટલું ભયાનક હતું કે એ આખી સરહદી સરકારી કચેરીઓ (બૉર્ડર ઑફિસ અને કસ્ટમ્સ ઑફિસ)ને પોતાની સાથે વહાવી ગયું છે. આ જાણકારી મળ્યા બાદ શ્રદ્ધાળુઓની ફૅમિલી અને ફ્રેન્ડ્સ આઘાતમાં છે. 

મુલુંડમાં રહેતા અને ગોલ્ડ કૉઇનનું કામકાજ કરતા સંજીવ જૈન અને તેમનાં પત્ની મોનિકા જૈન હિલ્સ ઍન્ડ ટ્રેઇલ્સ ગ્રુપ સાથે નેપાલ ગયાં હતાં. તેમનો કોઈ કૉન્ટૅક્ટ કનેક્ટ ન થઈ શકતાં પરિવાર અને મિત્રો-સંબંધીઓ બધા જ ચિંતામાં છે. ‘મિડ-ડે’ સાથે વાત કરતાં દંપતીના પુત્ર અમન જૈને જણાવ્યું હતું કે ‘મારાં માતા-પિતા ડૉ. મિલિંદ ચિતળેના ગ્રુપ સાથે કૈલાસ-માનસરોવરની યાત્રા માટે ગયાં છે. ભગવાન શિવનાં દર્શન માટે તેઓ ખૂબ ઉત્સાહિત હતાં. મારી તેમની સાથે છેલ્લે મંગળવારે સાંજે વાત થઈ હતી. બુધવારે સવારે ગ્રુપના એક મેમ્બરે વૉટ્સઍપ પર સ્ટેટસ મૂક્યું હતું કે બૉર્ડર પર સ્ટૅમ્પિંગ થઈ ગયું છે. એ પછી થોડી જ વારમાં આ હોનારત બની અને ત્યાં આવેલી આખી ઇમિગ્રેશન ઑફિસ પૂરમાં તણાઈ ગઈ. અમે ચિંતામાં છીએ, કારણ કે તેઓ બૉર્ડર પર હતાં. ટૂર-ઑપરેટર દંપતી તેમની સાથે ગયું હતું અને બધા જ અત્યારે લાપતા છે. કાઠમાંડુની ભારતીય એમ્બેસી સાથે અમારી વાત થઈ છે. તેમણે અમને આશ્વાસન આપ્યું છે કે નેપાલ આર્મી દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં રેસ્ક્યુ ઑપરેશન ચાલુ છે. જોકે ત્યાં નેટવર્ક સંપૂર્ણ ઠપ હોવાને કારણે હજી સુધી આખા ગ્રુપમાંથી કોઈ જ લીડ કે લોકેશન મળ્યું નથી. અમારા માટે એક-એક પળ મુશ્કેલ બની રહી છે. તમામ પરિવારો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે કદાચ સ્ટૅમ્પિંગ બાદ તેઓ થોડા આગળ નીકળી ગયા હોય અને સુર​િક્ષત સ્થાન પર હોય.’

ઑર્ગેનાઇઝર પણ લાપતા

મુંબઈની ઍડ્વેન્ચરસ ટ્રિપ પ્લાન કરતી સંસ્થા હિલ્સ ઍન્ડ ટ્રેઇલ્સના કો-ફાઉન્ડર ડૉ. મિલિંદ ચિતળેએ આ ટૂરનું આયોજન કર્યું હોવાની વિગતો બહાર આવી છે. ડૉ. મિલિંદ ચિતળે પર્વતારોહક છે અને હિમાલયના દુર્ગમ રૂટ પર ટૂરનું આયોજન કરે છે. જૈન દંપતીએ કમર્શિયલ ટૂર કંપનીને બદલે દર વર્ષે આ યાત્રા ઑર્ગેનાઇઝ કરતા ડૉ. દંપતી સાથે જવાનું પસંદ કર્યું હતું. હવે જ્યારે આયોજક પોતે જ ગુમ હોવાથી કાઠમાંડુ કે બૉર્ડર પર સ્થાનિક સ્તરેથી પરિવારોને સીધી માહિતી આપનારું કોઈ રહ્યું નથી એને કારણે મુલુંડ સહિત મુંબઈના પરિવારોની ચિંતા વધી ગઈ છે. ટ્રેકિંગ કમ્યુનિટીના એક મેમ્બરના જણાવ્યા અનુસાર ડૉ. મિલિંદ ચિતળે નેપાલમાં નવા નથી. તેઓ મુંબઈ અને પુણેના ટ્રેકર્સ ગ્રુપ સાથે ૧૮-૧૯ વખત નેપાલ જઈ આવ્યા છે. જોકે આ તબક્કે કંઈ કહેવું મુશ્કેલ છે, કારણ કે નેપાલમાં સંદેશવ્યવહાર ઠપ છે.

international news world news nepal china tibet jain community gujarati community news gujaratis of mumbai mulund