12 September, 2025 07:19 AM IST | Mumbai | Darshini Vashi
હેતલ સુરતી
ફ્રાન્સમાં છેલ્લા બે-ત્રણ દિવસથી હિંસા ભડકી ઊઠી છે. દક્ષિણપંથી અને વામપંથી વિચારધારાઓને કારણે વિભાજિત રાજકારણ સામે ચાલી રહેલા વિરોધ-પ્રદર્શને હિંસક સ્વરૂપ લીધું છે જેને લીધે ફ્રાન્સનાં શહેરોમાં ભારે તંગદિલીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ફ્રાન્સનું મુખ્ય શહેર અને એની રાજધાની પૅરિસના પણ કંઈક આવા જ હાલ જોવા મળી રહ્યા છે. પૅરિસ અને અન્ય શહેરોમાં પ્રદર્શનકારીઓએ રસ્તાઓ બ્લૉક કર્યા હતા અને આગચંપી કરી હતી. સોશ્યલ મીડિયા પર ફ્રાન્સની વહેતી તસવીરો જોઈને ત્યાં રહેતા આપણા ભારતીયોના અત્યારે ત્યાં કેવા હાલ છે એ જાણવા ‘મિડ-ડે’એ પૅરિસમાં રહેતા ગુજરાતી પરિવારો સાથે વાત કરી હતી.
મૂળ મુંબઈનાં પણ વર્ષોથી પરિવાર સાથે પૅરિસમાં જ સ્થાયી થયેલાં હેતલ સુરતી કહે છે, ‘મંગળવારે અને બુધવારે પૅરિસની સ્થિતિ બહુ ખરાબ હતી. સેન્ટર પૅરિસમાં ઘણી ધમાલ હતી. ભાંગફોડ કરવાનું, ગાડી-દુકાનો બાળવાનું અને રસ્તારોકો ઠેર-ઠેર જોવા મળતું હતું. અમે સેન્ટર પૅરિસમાં નહીં પણ એનાથી માત્ર ૧૫-૨૦ મિનિટના અંતરે જ રહીએ છીએ. જોકે ભગવાનની મહેરબાનીથી અમને કોઈ હાનિ પહોંચી નથી અને અમે બધા સેફ છીએ. જોકે બે દિવસ બહુ ભારે રહ્યા હતા. એ દિવસે અમારાં બાળકો રોજની જેમ સવારે સ્કૂલમાં ગયાં હતાં, પરંતુ દિવસ આગળ વધતાં રમખાણ ખૂબ વધી ગયાં હતાં. સ્કૂલ સુધી ટીચર્સ પહોંચી શક્યા નહોતા એટલે તેમને રજા આપી દેવામાં આવી હતી. આવી સ્થિતિમાં અમે તેમને સ્કૂલમાં લેવા પહોંચ્યા હતા. જોકે સલામત રીતે અમે ઘર સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા. અહીં ગુજરાતીઓ જ નહીં, ભારતીયો પણ મોટી સંખ્યામાં છે જેઓ આવા સમયે એકબીજાની મદદ કરવા તત્પર રહે છે. ભારતની કેટલીક કંપની પણ અહીં છે. તેમણે તેમના ભારતીય કર્મચારીઓને વર્ક ફ્રૉમ કરવાની પણ સલાહ આપી હતી. નો ડાઉટ નેપાલ જેટલું હિંસક વાતાવરણ અહીં નથી. ગુરુવારે બધું રાબેતા મુજબ ચાલુ રહ્યું હતું.’
પ્રૉપર પૅરિસ સિટીમાં નહીં પણ સિટીને અડીને રહેતા અને ત્યાં જ જૉબ કરતા રાકેશ પટેલ કહે છે, ‘ટીવી પર જે બતાવવામાં આવી રહ્યું છે એ શહેરના મુખ્ય વિસ્તારોનાં દૃશ્યો છે. બાકીના વિસ્તારોમાં શાંતિ છે. અમે જે વિસ્તારમાં રહીએ છીએ એ મુખ્ય શહેરની બહાર છે એટલે અહીં એવું કંઈ જોવા મળ્યું નથી. હા, હું જ્યાં જૉબ કરું છે એ મારા ઘરથી દૂર છે એટલે મારે મેટ્રોમાં જવું પડે છે. બધી ધમાલ થઈ છે એ રસ્તા પર થઈ છે એટલે મેટ્રોને કોઈ વાંધો આવ્યો નહોતો. છતાં ટ્રાન્સપોર્ટેશન ખોરવાઈ ગયું હતું અને સમયસર પહોંચી શકાયું નહોતું. જોકે હવે બધું નૉર્મલ છે. અમે અહીં લગભગ ૨૦ વર્ષથી રહીએ છીએ, પણ આજ સુધી કોઈ પ્રૉબ્લેમ આવ્યો નથી. આવી ધમાલ અમે ભૂતકાળમાં પણ જોઈ ચૂક્યા છીએ, પણ આ વખતે એનું સ્વરૂપ વધારે રૌદ્ર હતું.’