17 June, 2025 06:49 AM IST | Nicosia | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય : એક્સ
ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ગઈકાલે સાયપ્રસ (Cyprus)ની બે દિવસની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન સાયપ્રસમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તે જ સમયે, સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડેસ (Nikos Christodoulides)એ પીએમ મોદીને સાયપ્રસના સર્વોચ્ચ સન્માન `ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકરિયોસ III` (Grand Cross of the Order of Makarios III)થી નવાજ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ સન્માન પર ખુશી વ્યક્ત કરી છે.
સાયપ્રસના સર્વોચ્ચ સન્માન `ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકરિયોસ III` દ્વારા ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન (PM Narendra Modi honored with Cyprus’ highest civilian award) કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ પણ આ સન્માન પર ખુશી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ સોશ્યલ મીડિયા (Social Media) પર એક પોસ્ટ શેર કરીને સાયપ્રસનો આભાર માન્યો છે. પીએમ મોદીએ મીડિયા અને સાયપ્રસના લોકોને પણ સંબોધિત કર્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, ‘ગઈકાલથી, જ્યારે મેં સાયપ્રસની ધરતી પર પગ મૂક્યો, ત્યારે રાષ્ટ્રપતિ અને અહીંના લોકો દ્વારા દર્શાવવામાં આવેલ સ્નેહ અને પ્રેમ મારા હૃદયને સ્પર્શી ગયો. થોડા સમય પહેલા, મને સાયપ્રસના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યો હતો. આ સન્માન ૧૪૦ કરોડ દેશવાસીઓને સમર્પિત છે. આ સાયપ્રસ અને ભારત વચ્ચે મિત્રતાની મહોર છે.’
મોદીએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું, ‘સાયપ્રસના સર્વોચ્ચ સન્માન `ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકરિયોસ III` થી સન્માનિત થવાથી હું ખૂબ જ ખુશ છું. હું આ બંને દેશોની મિત્રતાને સમર્પિત કરું છું.’ આ સાથે પીએમ મોદીએ આ ઐતિહાસિક ક્ષણનો વીડિયો પણ શેર કર્યો છે. તેમણે લખ્યું છે કે, ‘આ સન્માન માટે હું સાયપ્રસ સરકાર અને તેના લોકોને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. આ સન્માન ફક્ત મારું જ નહીં પરંતુ ૧૪૦ કરોડ ભારતીયો માટે સન્માન છે. આ આપણા દેશના સાંસ્કૃતિક ભાઈચારો અને "વસુધૈવ કુટુંબકમ" ની વિચારધારા માટેનું સન્માન છે. હું આ પુરસ્કાર ભારત અને સાયપ્રસ વચ્ચેના મહત્વપૂર્ણ સંબંધો, આપણા સહિયારા મૂલ્યો અને આપણી પરસ્પર સમજણને સમર્પિત કરું છું.’
તેમણે આગળ કહ્યું કે, ‘બધા ભારતીયો વતી, હું આ સન્માનને અત્યંત નમ્રતા અને કૃતજ્ઞતા સાથે સ્વીકારું છું. મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં આપણી ગતિશીલ ભાગીદારી વધુ ઊંચાઈઓને સ્પર્શશે. સાથે મળીને, આપણે ફક્ત આપણા દેશોના વિકાસને મજબૂત બનાવીશું નહીં પરંતુ શાંતિપૂર્ણ અને સુરક્ષિત વૈશ્વિક વાતાવરણના નિર્માણમાં પણ યોગદાન આપીશું.’
તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૫ જૂને સાયપ્રસ પહોંચ્યા હતા. આ દરમિયાન નિકોસિયાના રાષ્ટ્રપતિ મહેલમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો પણ થઈ હતી. આ પહેલી વાર છે જ્યારે કોઈ ભારતીય વડાપ્રધાન સાયપ્રસની મુલાકાતે આવ્યા છે. પીએમ મોદીનો સાયપ્રસ પ્રવાસ આજે સમાપ્ત થશે. ૧૫ જૂનથી ૧૯ જૂન સુધીના તેમના વિદેશ પ્રવાસમાં, પીએમ મોદી આજે કેનેડા (Canada) જવા રવાના થશે. જ્યાં તેઓ G-7 સમિટ (G-7 summit)માં ભાગ લેશે. આ પછી, પીએમ મોદી ક્રોએશિયા (Croatia)ની મુલાકાત લેશે.