ડ્રૅગન એના પોતાના દેવાની જાળમાં ફસાયું

30 March, 2023 01:14 PM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

જાહેર સેવાઓમાં જ નહીં પરંતુ કર્મચારીઓના વેતનમાં પણ કાપ મૂકવો પડ્યો છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

ચીનમાં અનેક લોકલ ગવર્નમેન્ટ્સ દેવાના ડુંગર તળે દબાયેલી છે, જેને કારણે તેમણે જાહેર સેવાઓમાં જ નહીં પરંતુ કર્મચારીઓના વેતનમાં પણ કાપ મૂકવો પડ્યો છે, વળી બીજી બાજુ ચીને જે દેશોને પોતાની દેવાની જાળમાં ફસાવ્યા, હવે એમને જ ઉગારવા માટે પણ ડ્રૅગન દેશે આર્થિક મદદ કરવી પડે છે

દેવાની જાળમાં દેશોને ફસાવીને તેમને ગરીબીમાં હોમી દેતું ચીન હવે એની જ ચાલમાં ફસાયું છે. ચીનમાં સ્થાનિક સરકારો દેવાના ડુંગર તળે દબાયેલી છે. શાસક કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા આ વર્ષે આર્થિક વૃદ્ધિ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે ત્યારે સ્થાનિક સરકારો ઑલરેડી જબરદસ્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે લેવામાં આવેલા દેવા હેઠળ દબાયેલી છે. આવી સ્થિતિમાં પણ તેઓ વધારે દેવું કરવા માટે મજબૂર છે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ કરવામાં આવેલા ખર્ચની સામે સ્થાનિક સરકારોને મળી રહેલી રેવન્યુમાં સતત ઘટાડો થઈ રહ્યો હોવા છતાં તેઓ વધુ રસ્તાઓ, રેલવે અને ઇન્ડસ્ટ્રિયલ પાર્ક તૈયાર કરી રહ્યા છે. જોકે હવે નવા પ્રોજેક્ટ્સ માટે ફન્ડ મેળવવામાં અને જૂની લોન પર ઇન્ટરેસ્ટનું પેમેન્ટ કરવામાં સમસ્યાને કારણે સિટીઝે હવે જાહેર સેવાઓ અને લોકોને આપવામાં આવતા લાભો પર કાપ મૂક્યો છે.

ચીનમાં શાંગકિયુ સહિત ૨૦થી વધારે સિટીઝ અને ટાઉન્સમાં બસ-સર્વિસને બંધ કરી દેવામાં આવી છે કે પછી સર્વિસમાં રહેલી બસોની સંખ્યા સાવ ઘટાડી દેવામાં આવી છે, કેમ કે આ બસોને ચલાવવાનો ખર્ચ જ આ શહેરોને પરવડતો નથી. વુહાન અને અન્ય કેટલીક સિટીઝે હેલ્થ ઇન્શ્યૉરન્સમાં કાપ મૂક્યો છે. અનેક શહેરોએ સરકારી વર્કર્સના વેતનમાં કાપ મૂક્યો છે. બીજિંગને અડીને આવેલા હેબેઇ પ્રાંતમાં અનેક લોકલ ગવર્નમેન્ટ્સ શિયાળા દરમ્યાન નૅચરલ ગૅસ માટેની હીટિંગ સબસિડી ચૂકવી શકી નથી, જેને કારણે રેકૉર્ડ ઠંડીમાં લોકો ઠૂઠવાઈ રહ્યા છે.

લગભગ ત્રણ દશક સુધી ચીનની લોકલ સરકારોની દુનિયાના અન્ય તમામ દેશોને ઈર્ષ્યા થતી હતી, કેમ કે આ સ્થાનિક સરકારોને ઍરપોર્ટ, ઇન્ડસ્ટ્રિયલ પાર્ક સહિતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે અનલિમિટેડ રિસોર્સિસનો લાભ મળતો હતો. સ્થાનિક સરકારોને મુખ્ય કમાણી જમીન વેચીને થતી હતી. જોકે કોરોનાની મહામારીને કારણે સ્ટ્રિક્ટ ટેસ્ટિંગ, ક્વૉરન્ટીન અને લૉકડાઉનના નિયમોને કારણે ઉદ્યોગો ટૅ​ક્સિસ ચૂકવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. વળી સરકારની કાર્યવાહીને કારણે પ્રૉપર્ટી ડેવલપર્સ જમીન ખરીદવામાં ખચકાટ અનુભવી રહ્યા છે. ઑફિશ્યલ ડેટા અનુસાર ચીનના ૩૧ પ્રાન્તની સરકારોનું ૫.૧ ટ્રિલ્યન ડૉલર (૪૧૯.૮૪ ટ્રિલ્યન રૂપિયા)નું દેવું છે. દરમ્યાન છેલ્લા એક દશકથી ચીને સમગ્ર એશિયા, આફ્રિકા અને યુરોપમાં અનેક દેશોની સરકારોને મસમોટું ધિરાણ કર્યું છે. આ દેશોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેગાપ્રોજેક્ટ્સ દ્વારા ચીને એનો વૈશ્વિક પ્રભાવ વધારી રહ્યો છે.

જોકે હવે એક નવા સ્ટડી અનુસાર ચીન એની આ વ્યૂહરચનામાં ફસાયું છે, કેમ કે ચીને જે દેશોને લોન આપી છે એમાંથી મોટા ભાગના અત્યારે આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે. તેઓ દેવું ચૂકવી શકે એમ નથી. જેને લીધે હવે ચીને એ લોકોને આ કટોકટીમાંથી બહાર લાવવા માટે પણ મદદ કરવી પડે છે.

ચીનના બેલ્ટ અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની સાથે જોડાયેલા ૨૨ દેશોને કટોકટીમાંથી બહાર આવવા માટે ચીને મદદ કરવી પડી હતી. વર્લ્ડ બૅન્ક, હાર્વર્ડ કૅનેડી સ્કૂલ, કિઅલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ વર્લ્ડ ઇકૉનોમી અને અમેરિકા સ્થિત રિસર્ચ લૅબ એઇડડેટા દ્વારા મંગળવારે પબ્લિશ કરવામાં આવેલા સ્ટડી અનુસાર ચીને ૨૦૦૮થી ૨૦૨૧ દરમ્યાન ૨૨ દેશોને આર્થિક કટોકટીમાંથી બહાર લાવવા માટે ૨૪૦ અબજ ડૉલર (૧૯,૭૫૫.૩૧ અબજ રૂપિયા)નો ખર્ચ કરવો પડ્યો હતો.

international news china xi jinping beijing