Australia: કેનબેરા એરપોર્ટ પર ફાયરિંગ, અનેક ફ્લાઈટ્સ રદ, આરોપીની ધરપકડ

14 August, 2022 01:48 PM IST  |  Canberra | Gujarati Mid-day Online Correspondent

સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે

તસવીર સૌજન્ય: એએફપી

ઓસ્ટ્રેલિયાના કેનબેરા એરપોર્ટ પર ફાયરિંગની ઘટના સામે આવી છે. જોકે, આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ફાયરિંગ બાદ ટર્મિનલના કેટલાક ભાગોને બંધ કરી દેવામાં આવ્યા હતા, જ્યારે ઘટના બાદ તમામ ફ્લાઈટ બંધ કરી દેવામાં આવી હતી.

પોલીસે નિવેદનમાં કહ્યું કે “આરોપીએ એકલા હાથે આ ઘટનાને અંજામ આપ્યો છે. જો કે આ હુમલામાં કોઈ નુકસાનના અહેવાલ નથી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. હુમલાખોર પાસેથી એક બંદૂક પણ મળી આવી છે. આ સાથે ઘટનાના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. આની નજીકથી તપાસ કરવામાં આવશે.”

ACT પોલીસે જણાવ્યું હતું કે “લગભગ 1.30 વાગ્યે મુખ્ય ટર્મિનલ ધરાવતી બિલ્ડિંગમાં ગોળીબારનો અવાજ સંભળાયો હતો. ગોળીબાર બાદ ઘટનાસ્થળે દોડધામ મચી ગઈ હતી. લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડવા લાગ્યા, પરંતુ સદનસીબે આ હુમલામાં કોઈને ઈજા થઈ નથી.”

એક મહિલાએ જણાવ્યું કે “ગોળીબારનો અવાજ સાંભળતા જ અમે ડરી ગયા હતા, મેં પાછળ ફરીને જોયું તો મારી પાછળ એક વ્યક્તિ ઊભો હતો. તેના હાથમાં પિસ્તોલ હતી, આ દરમિયાન કોઈએ બૂમ પાડી, નીચે ઉતરો અને અમે ત્યાંથી ભાગ્યા.”

ઉલ્લેખનીય છે કે સાવચેતીના ભાગરૂપે ટર્મિનલ ખાલી કરાવવામાં આવ્યું છે. સ્થિતિ નિયંત્રણમાં છે અને લોકોને આ સમયે એરપોર્ટ પર ન આવવા માટે કહેવામાં આવ્યું છે.

international news australia canberra