✕

આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં તબાહી વેર્યા પછી અર્નબ નબળું પડ્યું

30 October, 2026 12:14 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

કુલ ૬ જણનાં મોત, વાવાઝોડાની અસરથી ૧૫ રાજ્યોમાં કમોસમી વરસાદ

ઓડિશાના ભંજનગરમાં અર્નબને લીધે આવેલા પૂરમાં ગરકાવ ટૂ-વ્હીલર્સ.

બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલું અર્નબ વાવાઝોડું ભલે નબળું પડી ગયું હોય પરંતુ દેશભરમાં એની વ્યાપક અસર હજુ પણ ચાલુ છે. આ ચક્રવાતે સૌથી વધુ તબાહી ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં મચાવી છે, જ્યાં ઓછામાં ઓછા છ લોકોનાં મોત થયાં છે. વાવાઝોડાની અસરથી મધ્ય પ્રદેશ, રાજસ્થાન, બિહાર અને ઉત્તર પ્રદેશ સહિત ૧૫ રાજ્યોમાં બુધવાર રાતથી જ કમોસમી વરસાદ 
વરસી રહ્યો છે. ભારે વરસાદની આશંકાને પગલે છત્તીસગઢના ૧૨ અને ઓડિશાના ૧૬ જિલ્લાઓમાં સ્કૂલ બંધ રાખવામાં આવી હતી.

ઇન્ડિયા મી​ટિયરોલૉજિકલ ડિપાર્ટમેન્ટ (IMD)ના જણાવ્યા અનુસાર મંગળવારે મોડી રાત્રે ૧૨૫થી ૧૩૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવન સાથે વાવાઝોડું આંધ્ર પ્રદેશના કાંઠે ટકરાયા બાદ નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું હતું.

ઓડિશાના ગંજમ જિલ્લામાં સતત ૪ દિવસથી ભારે વરસાદના કારણે ૩૦૦ ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્ય સરકારે ફસાયેલા લોકોને હેલિકૉપ્ટર મારફત બહાર કાઢવાની તૈયારી શરૂ કરી છે અને અત્યાર સુધીમાં ૩૦ હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા.

આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં રેલવેપુલ પાણીમાં ગરકાવ થઈ જતાં બન્ને તરફથી ટ્રેનોની અવરજવર રોકી દેવામાં આવી હતી અને પ્રશાસન મુસાફરોને સડક માર્ગે બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યું હતું.

વાવાઝોડા અર્નબની સાઇડ-ઇફેક્ટ્સ

મધ્ય પ્રદેશમાં ભોપાલ અને ગ્વાલિયર સહિત ૧૨ જિલ્લાઓમાં ભારે વરસાદની અલર્ટ જાહેર કરવામાં આવી હતી.
રાજસ્થાનના ૨૭ જિલ્લાઓમાં વરસાદની અલર્ટ અપાઈ છે. સીકર તથા ફતેહપુરમાં રાતનું તાપમાન ગગડીને ૧૦ ડિગ્રી સુધી પહોંચી જતાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.
ઉત્તરાખંડમાં કેદારનાથ ખાતે બરફવર્ષા અને ખરાબ હવામાનને કારણે હેલિકૉપ્ટર સેવા સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી. દેહરાદૂન હવામાન વિજ્ઞાન કેન્દ્રએ રાજ્યના ૧૦ જિલ્લાઓમાં યલો અલર્ટ આપી હતી.
હરિયાણાના ૧૫ જિલ્લાઓમાં વરસાદ અને તોફાની પવનને કારણે ઑરેન્જ અલર્ટ જાહેર કરાઈ હતી. પંજાબ અને ચંડીગઢમાં આગામી બે દિવસ સુધી વીજળી અને કરા પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
બિહારના પટના અને સમસ્તીપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, જ્યારે રાજ્યના ૨૬ જિલ્લાઓમાં ૪૦થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદની અલર્ટ આપવામાં આવી હતી.

બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડાની સિસ્ટમ સક્રિય: અર્નબ નબળું પડ્યા બાદ દક્ષિણ આંદામાન સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું

વાવાઝોડું અર્નબ જમીન પર આગળ વધતાં નબળું પડી રહ્યું છે ત્યારે બંગાળની ખાડીમાં વધુ એક વેધર-સિસ્ટમ સક્રિય થઈ છે. દક્ષિણ આંદામાન સમુદ્રમાં સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુરુવારે વહેલી સવારે લો પ્રેશર એરિયામાં ફેરવાયું હોવાનું ઇન્ડિયા મીટિયરોલૉજિકલ ડિપાર્ટમેન્ટ (IMD)ના અધિકારીઓએ જણાવ્યું હતું. આ સિસ્ટમ આગામી ૭૨ કલાકમાં 
પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધીને આંદામાન સમુદ્ર અને

આંદામાન-નિકોબાર ટાપુઓ નજીક વધુ મજબૂત થઈને વેલ-માર્ક્ડ લો પ્રેશર એરિયામાં ફેરવાય એવી શક્યતા છે. જોકે આ સિસ્ટમ આગળ જતાં વાવાઝોડામાં ફેરવાશે કે નહીં અને એની દિશા શું હશે એ​ વિશે IMDએ હજુ કોઈ આગાહી કરી નથી. સિસ્ટમને લઈને કોઈ સાયક્લોન વૉર્નિંગ પણ જાહેર કરી નથી. 

વાવાઝોડામાં સલ્ફર ભરેલું જહાજ ફસાયું: આંધ્ર પ્રદેશના અંતરવેદી પાસે એન્જિન ખોટવાયું એટલે જહાજ માર્ગ ભટક્યું

આંધ્ર પ્રદેશના કાંઠે બુધવારે ત્રાટકેલા અત્યંત ગંભીર ચક્રવાત અર્નબના વિનાશક પ્રકોપ વચ્ચે અંતરવેદી નજીક દરિયામાં સલ્ફર ભરેલું એક વિશાળ કાર્ગો જહાજ ફસાઈ ગયું છે. મર્ચન્ટ મરીન ડિપાર્ટમેન્ટ (MMD)ના સર્વેયર ધર્મશાસ્ત્રાના જણાવ્યા અનુસાર જહાજ વિશાખાપટનમથી રવાના થયું હતું, પરંતુ મધદરિયે અચાનક એન્જિન ખોટવાઈ જતાં અને વાવાઝોડાના ભારે પવનને કારણે એ નિર્ધારિત માર્ગથી ભટકી ગયું હતું. હાલમાં પોર્ટના સત્તાવાળાઓ જહાજની સ્થિતિનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી રહ્યા છે અને સઘન તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
બીજી તરફ ઇન્ડિયા મીટિયરોલૉજિકલ ડિપાર્ટમેન્ટ (IMD)ના સત્તાવાર અહેવાલ મુજબ અર્નબ વાવાઝોડાએ ૨૮ ઑક્ટોબરે સવારે ૮ વાગ્યા સુધીમાં બાપટલા અને વિશાખાપટનમ વચ્ચે લૅન્ડફૉલની પ્રક્રિયા પૂરી કરી લીધી હતી. જમીન પર ટકરાતી વખતે વાવાઝોડાના પવનની ઝડપ ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી હતી. તોફાનની સૌથી ગંભીર અસર કાકીનાડા નજીક જોવા મળી હતી, જ્યાં દરિયાનાં પ્રચંડ મોજાંએ ઉપ્પાડા કોસ્ટલ રોડને મોટું નુકસાન પહોંચાડ્યું હતું.

india Weather Update indian meteorological department bay of bengal uttar pradesh bihar cyclone andhra pradesh odisha