અમેરિકામાં હાઉડી મોદી બાદ અમદાવાદમાં યોજાશે હાઉડી ટ્રમ્પ

19 January, 2020 09:27 AM IST  |  Mumbai Desk

અમેરિકામાં હાઉડી મોદી બાદ અમદાવાદમાં યોજાશે હાઉડી ટ્રમ્પ

યુએસમાં આવી રહેલી આગામી ચૂંટણીમાં ટ્રમ્પની નજર એનઆરજી મતદારો પર

અમેરિકામાં આયોજિત હાઉડી મોદી કાર્યક્રમમાં પીએમ મોદીનો ડંકો સમગ્ર દુનિયામાં વાગ્યો હતો. તેવામાં ચર્ચા છે કે આ કાર્યક્રમની અપ્રતિમ સફળતાને જોઈને ડોનલ્ડ ટ્રમ્પ પણ અમદાવાદ આવીને આવો જ કોઈ કાર્યક્રમ કરી શકે છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ આગામી મહિને ભારત પ્રવાસે આવી શકે છે. રાષ્ટ્રપતિના નજીકનાં સૂત્રોએ નામ ન આપવાની શરતે આ માહિતી આપી હતી.

ડોનલ્ડ ટ્રમ્પનો ભારત પ્રવાસ ફેબ્રુઆરી મહિનામાં થશે અને આ કાર્યક્રમ લગભગ નક્કી છે. હાલ તેની તારીખોને લઈ કામ ચાલી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે આ કાર્યક્રમ ત્રણ દિવસનો હશે. જેમાં ટ્રમ્પ દિલ્હી ઉપરાંત ભારતનાં કોઈ પણ એક શહેરની મુલાકાત લેશે. અને આ શહેરમાં હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમ જેવી એક ઇવેન્ટ પણ થશે અને આ નજીકનાં સૂત્રે જણાવ્યું કે અમદાવાદ જ તે શહેર હોઈ શકે છે. આ કાર્યક્રમમાં પીએમ મોદી પણ ભાગ લેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દરમ્યાન એવી માહિતી મળી રહી છે કે અમદાવાદમાં ગુજરાત ક્રિકેટ અસોસિએશન દ્વારા વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ લગભગ બનીને તૈયાર થઈ ગયું છે. વડા પ્રધાન મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સંભવિત કાર્યક્રમ હાઉડી ટ્રમ્પ આ જ સ્ટેડિયમમાં યોજવાની હિલચાલ એટલા માટે પણ જોવા મળી રહી છે કે વૈશ્વિક સ્તરના કાર્યક્રમના પગલે મોટેરા સ્ટેડિયમને પણ વિશ્વવ્યાપી પ્રસિદ્ધિ મળી જાય અને આ બન્ને મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન પણ થઈ જાય.

આ અગાઉ ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ પણ અમદાવાદના મોંઘેરા મહેમાન બની ચૂક્યા છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીનગર આશ્રમમાં તેમનું યથાયોગ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિ પણ અમદાવાદની મુલાકાત વખતે ગાંધી આશ્રમની મુલાકાત લે તેવી પણ પૂરેપૂરી શક્યતા છે કેમ કે એવી એક પરંપરા રહી છે કે જ્યારે આ પ્રકારના કોઈ રાજકીય મહાનુભાવ ગુજરાતની મુલાકાત લે ત્યારે રાષ્ટ્રપિતા ગાંધીજી દ્વારા સ્થાપિત આશ્રમની મુલાકાત લઈને તેમને શ્રદ્ધાંજલિ આપતા હોય છે.

ગુજરાતી મૂળના અમેરિકીઓ હાઉડી ટ્રમ્પ શોમાં સામેલ થવાની સંભાવના છે. સૂત્રએ એમ પણ જણાવ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિના હેન્ડલર્સ દ્વારા આ વર્ષે અમેરિકામાં થનાર ચૂંટણીને લઈ એક સારી ઇવેન્ટ માની રહ્યા છે અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓની સંખ્યાને જોતા. અમેરિકામાં ભારતીય લોકો એક મહત્ત્વપૂર્ણ વોટ બૅન્ક છે. ખાસ કરીને અમેરિકામાં અને બ્રિટનમાં.

narendra modi donald trump united states of america ahmedabad gujarat international news national news