મોદી હ્યુસ્ટનમાં:એનર્જી કંપનીઓ સાથે પચાસ લાખ ટન એલએનજીના કરાર

23 September, 2019 11:19 AM IST  |  હ્યુસ્ટન

મોદી હ્યુસ્ટનમાં:એનર્જી કંપનીઓ સાથે પચાસ લાખ ટન એલએનજીના કરાર

મોદી અને ટ્રમ્પ

અમેરિકાના સાત દિવસના પ્રવાસે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે સ્થાનિક સમય મુજબ બપોરે હ્યુસ્ટન પહોંચ્યા હતા. એરપોર્ટ પર ભારતીય સમુદાયના લોકો દ્વારા એમનું રેડ કાર્પેટ બિછાવીને ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. એરપોર્ટ પર અમેરિકાના ટ્રેડ એન્ડ ઈન્ટરનૅશનલ અફેર્સ વિભાગના ડાયરેક્ટર ક્રિસ્ટોફર ઓલ્સન, અમેરિકાસ્થિત ભારતીય રાજદૂત હર્ષવર્ધન શ્રિંગલા અને ભારતસ્થિત અમેરિકી રાજદૂત કેનેથ જસ્ટર તથા અન્ય અધિકારીઓ, મહાનુભાવો મોદીના સ્વાગત માટે ઉપસ્થિત રહ્યા હતા.

ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટન શહેરને અમેરિકાના એનર્જી પાટનગર, એનર્જી સિટી તરીકે ઓળખવામાં આવે છે એટલે મોદી એનર્જી ક્ષેત્રની ટોચની કંપનીઓના અધિકારીઓને મળ્યા હતા. મોદીએ અમેરિકાના એનર્જી સિટી કહેવાતા હ્યુસ્ટનમાં ઊર્જા કંપનીઓના ૧૭ સીઈઓ સાથે બેઠક કરી હતી. ઊર્જા ક્ષેત્રમાં ભારત અને અમેરિકા વચ્ચેના સહયોગને વધારવાના ઉદ્દેશથી આ બેઠક કરાઈ છે.

ભારતીય પેટ્રોલિયમ કંપની પેટ્રોનેટે અહીં અમેરિકાની પ્રાકૃતિક ગૅસ(એલએનજી) કંપની ટેલ્યુરિન સાથે ૫૦ લાખ એલએનજી પ્રતિવર્ષ આયાત કરવાના કરાર પર હસ્તાક્ષર કર્યા. એમઓયુ પ્રમાણે પેટ્રોનેટ ડ્રિક્ટવુડ હોલ્ડિંગમાં રોકાણ કરશે, જેનાથી પેટ્રોનેટને પ્રોજેક્ટના પહેલા તબક્કા અથવા બીજા તબક્કામાંથી દર વર્ષે ૫૦ લાખ ટન એલએનજી ખરીદવાનો અધિકાર મળી જશે. ટેલ્યુરિન અને પેટ્રોનેટના કરારની લેવડદેવડ ૩૧ માર્ચ ૨૦૨૦ સુધીમાં પૂરી થઈ જશે.

આ પણ વાંચો : એક્સ-બૉયફ્રેન્ડના પત્રો બાળવા જતાં ઘર બળીને ખાખ થઈ ગયું

વડા પ્રધાન મોદી હ્યુસ્ટન શહેરમાં વસતા કાશ્મીરી પંડિત સમુદાયના લોકોને મળ્યા હતા. ભારતની પ્રગતિ માટે મોદી સરકાર જે પગલાં લઈ રહી છે એ માટે આ સમુદાયના લોકોએ એમનો સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો. હ્યુસ્ટનમાં વસતા ભારતીય દાઉદી વહોરા કોમના લોકોએ પણ વડા પ્રધાન મોદીનું શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું.

એવી જ રીતે મોદી સિખ સમુદાયના લોકોને પણ મળ્યા હતા. ભારતમાં મોદી સરકારે અનેક સિદ્ધિસમાન નિર્ણયો લીધા એ બદલ સિખ સમુદાયે મોદીને અભિનંદન આપ્યા હતા.

પીએમ સાથેની બેઠક દરમ્યાન સિખ સમુદાયના લોકોએ એક મેમોરેન્ડમ પણ આપ્યો હતો જેમાં તેમણે ૧૯૮૪નાં સિખવિરોધી રમખાણો, ભારતીય બંધારણની કલમ ૨૫ અને આનંદ મેરેજ એક્ટ, વિઝા અને પાસપોર્ટ જેવા મુદ્દા ઉઠાવ્યા છે. આ સિવાય દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથકનું નામ બદલીને ગુરુનાનક દેવ આંતરરાષ્ટ્રીય વિમાનમથક કરવાની માગ કરી છે.

narendra modi houston donald trump