ગ્રીન કાર્ડ માટે ૧૯૫ વર્ષના વેઇટિંગ પિરિયડ વચ્ચે છટણીની સીઝનમાં ભારતીયો મુશ્કેલીમાં

23 November, 2022 10:39 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અમેરિકામાં ટેમ્પરરી વિઝા પર રહેતા સેંકડો વર્કર્સ મુશ્કેલીમાં, બીજી જૉબ શોધવા માટે ઓછો સમય છે અને બીજી જૉબ નહીં મળે તો તેમણે અમેરિકા છોડી દેવું પડશે

‘રોજગાર મેલા’ હેઠળ નવી ભરતી કરવામાં આવેલા લોકોને લગભગ ૭૧,૦૦૦ અપૉઇન્ટમેન્ટ લેટર્સ પૂરા પાડવાના કાર્યક્રમને નવી દિલ્હીમાં ગઈ કાલે વિડિયો કૉન્ફરન્સિંગથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધ્યો હતો.

વૉશિંગ્ટન : ગ્લોબલ ટેક કંપનીઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી મોટા પાયે છટણી કરવામાં આવી રહી છે, જેના લીધે અમેરિકામાં ટેમ્પરરી વિઝા પર રહેતા સેંકડો વર્કર્સ મુશ્કેલીમાં મુકાયા છે. તેમની પાસે બીજી જૉબ શોધવા માટે ઓછો સમય છે અને બીજી જૉબ નહીં મળે તો તેમણે અમેરિકા છોડી દેવું પડશે. વળી, તેમને સ્પૉન્સર કરનારી કંપનીઓ તરફથી તેમને પૂરતું ગાઇડન્સ પણ આપવામાં આવતું નથી. 

ટેક ઇન્ડસ્ટ્રી કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ જેવા સ્પેશ્યલાઇઝ્ડ ફીલ્ડ્ઝમાં વર્કર્સની જરૂરિયાતને પહોંચી વળવા માટે એચ-વનબી વિઝા પ્રોગ્રામ પર દારોમદાર રાખે છે. ઍમેઝૉન, લિફ્ટ, મેટા, સેલ્સફૉર્સ, સ્ટ્રાઇપ અને ટ્વિટરે છેલ્લાં ત્રણ વર્ષમાં ઓછામાં ઓછા ૪૫,૦૦૦ એચ-વનબી વિઝા વર્કર્સને સ્પૉન્સર કર્યા હતા. 

મેટા અને ટ‍્વિટર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી છટણીના કારણે ઓછામાં ઓછા ૩૫૦ ઇમિગ્રન્ટ્સે નોકરી ગુમાવી છે. એચ-વનબી વિઝાધારકો નોકરી ગુમાવ્યા બાદ અમેરિકામાં લીગલી માત્ર ૬૦ દિવસ જ રહી શકે છે. 

અમેરિકામાં અનેક એચ-વનબી વિઝાધારકો પર્મનન્ટ સિટિઝનશિપની રાહમાં વર્ષોથી અમેરિકામાં રહે છે. હવે આમાંથી નોકરી ગુમાવનારા અનેક લોકો ગભરાટના માર્યા નવી નોકરીની શોધમાં છે, જેમાંથી અનેકે જુદા-જુદા હેતુ માટે લોન લીધી છે. વળી, અત્યારના છટણીના માહોલમાં નવી નોકરી મેળવવી પણ મુશ્કેલ છે.

ટેક કંપનીઓ દ્વારા છટણીની બીજા દેશોના ઇમિગ્રન્ટ્સ કરતાં ભારતીયોને વધુ અસર થઈ છે. વાસ્તવમાં ભારતીયો માટે વર્ષે લગભગ ૧૦,૦૦૦ ગ્રીન કાર્ડ્સ જ અવેલેબલ છે, પરંતુ એની સામે લગભગ પાંચ લાખ ભારતીયો કતારમાં છે. એક અમેરિકન સંસદસભ્યના અંદાજ અનુસાર ૨૦૨૦માં ફાઇલ કરનારા ભારતીયોએ ગ્રીન કાર્ડ માટે ૧૯૫ વર્ષ સુધી રાહ જોવી પડશે, જેની સામે ચાઇનીઝ વર્કર્સે ૧૮ વર્ષ રાહ જોવી પડશે. જોકે, બીજા અનેક દેશો માટે આ વેઇટિંગ પિરિયડ એક વર્ષ કરતાં પણ ઓછો છે. 

international news united states of america narendra modi india