ન્યુ ઝીલૅન્ડમાં રહેતા ૧૦ વર્ષીય ગુજરાતી યુગ દેસાઈને મળ્યો કૉઈન ટૉસનો ચાન્સ

19 April, 2021 04:38 PM IST  |  Auckland | Rachana Joshi

ગત મહિનના અંતમાં ન્યુ ઝીલૅન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે યોજાયેલી T20 મેચમાં કૉઈન ટૉસ કરનાર બાળકનો અનુભવ જાણીએ તેના જ શબ્દોમાં

યુગ દેસાઈ કૉઈન ટૉસ દરમિયાન બન્ને ટીમના કૅપ્ટન સાથે

ક્રિકેટ એક એવી રમત છે કે લગભગ દરેક બાળકોની પ્રિય હોય છે. નાનપણમાં દરેક બાળક ગલીઓમાંને શેરીઓમાં ક્રિકેટ રમે છે અને સાથે જ ક્રિકેટર બનવાના સપના પણ સેવતા હોય છે. તેમાંથી કેટલાક બાળકો આ રમતને રમત તરીકે જોતા હોય છે અને રમતા હોય છે. જ્યારે કેટલાક બાળકો આ રમતને કારિર્કિદી બનાવવાનું મનોમન નક્કી કરી લેતા હોય છે અને નાનપણથી જ તે દિશમાં મહેનત કરવાનું પણ શરુ કરી દે છે. અન્ય બાળકોની જેમ નાનપણથી જ ક્રિકેટમાં કારકિર્દી બનાવવાનું સપનું જોનાર મૂળ ભારતીય અને ન્યુ ઝીલૅન્ડના રહેવાસી ૧૦ વર્ષીય યુગ દેસાઈને ક્રિકેટ અને ક્રિકેટરો સાથે જોડાવવાનો એક સુંદર લ્હાવો મળ્યો હતો. આ લ્હાવો શું હતો અને યુગ દેસાઈનો અનુભવ કેવો હતો તે જાણીએ.

ઑકલૅન્ડના રહેવાસી ૧૦ વર્ષીય યુગ પટેલના પિતા અને પરિવાર મૂળ ભારતીય છે પરંતુ તેઓ છેલ્લા દસ-બાર વર્ષથી ન્યુ ઝીલૅન્ડમાં સ્થાયી થયા છે. વાઇકાટો વેલ્ડોર્ફ પ્રાથમિક શાળામાં ભણતા યુગને ક્રિકેટ અને સ્પોર્ટસનો બહુ જ શોખ છે. તે પાંચ વર્ષનો હતો ત્યારથી જ ક્રિકેટ રમે છે. જુનિયર હૅમિલ્ટન ઓલ્ડ બોયઝ ક્રિકેટ ક્લબની ટીમ સ્ટિંગરેયઝ તરફથી રમતા યુગને ૩૦ માર્ચે નેપીઅરના મેક્લીન પાર્કમાં બાંગ્લાદેશ અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે યોજાયેલી બીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં કૉઈન ટૉસ કરવાનો મોકો મળ્યો હતો. યુગને ન્યુ ઝીલૅન્ડના કૅપ્ટન ટીમ પેઇન અને બાંગ્લાદેશના કૅપ્ટન મહેમૂદુલ્લાહ રિયાદની સાથે ઉભા રહીને સિક્કો ઉછાળવાનો હતો એ નક્કી કરવા માટે કઈ ટીમ બોલિંગ કરશે અને કઈ ટીમ બેટિંગ કરશે. બે દેશના કૅપ્ટન સાથે ઉભા રહેવું એ દસ વર્ષના બાળક માટે બહુ મોટી વાત છે. યોગાનુયોગ ટૉસ ન્યુ ઝીલૅન્ડના કૅપ્ટને જીત્યું હતું, જે યુગ માટે બહુ ગર્વની વાત હતી. આ મેચના કૉઈન ટૉસનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું, જે ભારતમાં બેઠેલા યુગના સગા-સંબંધીઓએ પણ જોયું હતું. આ વાતથી અજાણ યુગને કૉઈન ટૉસ પછી અભિનંદન અને શુભેચ્છા પાઠવતા મેસેજોનો આવવા લાગ્યા હતા.

કૉઈન ટૉસના અનુભવ વિશે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાતચીત કરતા યુગ દેસાઈએ કહ્યું હતું કે, ‘જ્યારે મને મેદાન પર એસ્કૉર્ટ કરીને લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે મને એકદમ સેલેબ્રિટી જેવું લાગી રહ્યું હતું. મારી આસપાસ આંતરાષ્ટ્રીય ખેલાડીઓ અને અમ્પાયર હતા. સામે કૅમેરા મેન હતા અને સ્ટેડિયમમાં કેટલાય લોકો મને જોઈ રહ્યાં હતા. મેં પહેલીવાર કૅમેરા સામે જોયું ત્યારે હું નર્વસ થઈ ગયો હતો. પણ કૉઈન ટૉસનો અનુભવ સાવ જુદો જ હતો. મને ત્યારે એમ થયું કે એક દિવસ હું પણ મારા દેશ માટે ક્રિકેટ રમીશ અને બસ આ જ રીતે મેદાનમાં મક્કમ અભિગમ સાથે ઉભો હોઈશ’.

યુગ દેસાઈને સ્પોર્ટસ અને સ્પોર્ટસ એક્ટિવિટિઝમાં બહુ રસ છે. ક્રિકેટ કોચિંગમાં તો તે જાય જ છે. પણ તેના સિવાય ઈનલાઈન હૉકી, જિમનાસ્ટીક અને સ્વિમિંગમાં પણ તે રસ ધરાવે છે.

international news new zealand auckland gujarat bangladesh t20 international