રામ મોરીની યશકલગીમાં વધુ એક મોરપીંછ : ‘યુવા ગૌરવ પુરસ્કાર’નું મળશે સન્માન

14 December, 2022 05:00 PM IST  |  Ahmedabad | Rachana Joshi

લેખક રામ મોરી કહે છે ‘ગુજરાતી સાહિત્ય મારો શ્વાસ છે અને દરેક એવૉર્ડ મારિ જવાબદારીમાં વધારો કરે છે’ : ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આપવામાં આવશે પુરસ્કાર

રામ મોરી

ગુજરાતી સાહિત્યના પ્રાણ ગણાતી ગુજરાત સાહિત્ય અકાદમી (Gujarat Sahitya Academy) સાહિત્યની સર્વોચ્ચ સંસ્થાઓમાં કેન્દ્રિય સ્થાને છે. ગુજરાતી સાહિત્યમાં મહાનુભવોએ કરેલા કાર્યને બિરદાવવા માટે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર હંમેશા પ્રયાસ કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતી સાહિત્યમાં યોગદાન આપનારાઓ માટે એવૉર્ડની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ‘યુવા ગૌરવ પુરસ્કાર’ (Yuva Gaurav Puraskar) લેખક રામ મોરી (Raam Mori)ને અને ‘સાહિત્ય ગૌરવ પુરસ્કાર’ (Sahitya Gaurav Puraskar) પ્રસિદ્ધ વાર્તાકાર મોહન પરમાર (Mohan Parmaar)ને એનાયત કરવામાં આવશે.

‘યુવા ગૌરવ પુસ્કાર’ માટે રામ મોરીનું નામ જાહેર થતા ગુજરાતી મિડ-ડે ડટ કૉમે તેમની સાથે ખાસ વાતચીત કરી હતી. લેખક કહે છે કે, ‘દરેક એવૉર્ડને હું સેલિબ્રેશન કરતા જવાબદારી તરીકે વધારે જોવું છું. ગુજરાતી સાહિત્યમાં ભાષા અને સાહિત્ય સાથે જોડાયેલા લોકો તમને જવાબદારી સાથે જુવે છે. મને મળેલું સન્માન એ તેમની શ્રદ્ધા છે. મારા થકી ભાષાનું સંવર્ધન થશે, નવું અને સારું સાહિત્ય મળશે એવી તેમની આશા હોય છે એટલે મારી જવાબદારી વધી જાય છે. લેખક જીવનને હજી સમજી રહ્યાં હોય છે. એટલે લેખક પાસે એવી અપેક્ષા હોય છે કે સમજની એવી કથાઓ, બાબતો, ઈમોશન લઈને તે આવે જે દેખિતી રીતે દેખાય છે પણ આંખ સામે નથી અને આપણે તેણે અવગ્યું છે. આ નવી પેઢી સાહિત્ય સાથે જોડાઈ રહે એ જ મારા પ્રયત્નો છે.’

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ‘આ એવર્ડ સાથે મારી જવાબદારી વધી ગઈ છે. એક વ્યક્તિ એક પુસ્ત હાથમાં લે એટલે તે પાંચ પુસ્તકનો બ્રિજ બનાવીને બીજા વાચક કે વયક્તિ સુધી પહોંચાડે છે. હવે મારે ધ્યાન રાખવાનું છે કે, એ પહેલું પુસ્તક જ યોગ્ય હોય. મારા તરફથી દરેક પુસ્તકની ગુણવત્તા સાહિત્યમાં કંઈક યોગદાન આપે તેવું લેખન હું કરીશ. ભલે ફિલ્મો અને નાટલો લખતો હોવ પણ સાહિત્ય માટે લખવું એ મારું મનપસંદ કામ છે. સાહિત્ય મારું પર્સનલ ફૅવરિટ કોર્નર છે. મારો અંગત ખુણો છે. સાહિત્ય માટે લખાણ મારી બ્રિથિંગ સ્પેસ છે, મારો શ્વાસ છે.’

આ પણ વાંચો - ‘કચ્છ એક્સપ્રેસ’નું ટીઝર થયું રિલીઝ, જીવનમાં આનંદનો રંગ પૂરવા આવી રહી છે મોંઘી

એવૉર્ડની જાહેરાત વિશે રામ મોરીએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને સહુનો આભાર પણ માન્યો છે. તેમણે કૅપ્શનમાં લખ્યું છે કે, ‘નાગરવેલને દાદા ટેકો વડની વડવાઈ, અંકાશે બંધાશે લીલો માંડવો સૈયર, મીઠા ગોળ સરીખો સૂરજ ઊગ્યો રે. ગુજરાત સાહિત્ય અકાદમી, અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જ્હા, મહામાત્ર શ્રી ડક્ટર જયેન્દ્રસિંહ જાદવ તેમજ નિર્ણાયક કમીટીનો આભારી છું. મારા વડીલ સર્જક અને જાણીતા વાર્તાકાર નવલકથાકાર આદરણીય મોહન પરમારને વંદન સહ અભિનંદન. ગુજરાતી ભાષા અને ઘર આંગણે મળી રહેલું આ માન સન્માન મારી કંકાવટીમાં ચંદન ઘોળશે એવી શ્રધ્ધા. કાગળમાં સૂરજ અખંડ તપો !કથા સદૈવ મંગલમ.એ સર્વે સ્વજનો, મિત્રો, સર્જકો અને વાચકોને નતમસ્તક યાદ કરું છું જેમણે મારા ઘુંટાતા શબ્દને સીંચ્યો છે. ઋણી છું!’

નેશનલ એવૉર્ડ વિનર યુવા લેખક રામ મોરીના આ વર્ષે લગભગ ત્રણ પુસ્તકો બહાર પડશે. બે નવલકથા અને એક વાર્તા સંગ્રહ. તેમનું દરેક પુસ્તક ખરેખર તેમનીની યશકલગીમાં વધુ એક મોરપીંછ છે. 

gujarat gujarat news ahmedabad gandhinagar Raam Mori rachana joshi