Women’s Day: મળો રાધિકા ઐય્યર તલાટીને જેની જિંદગી બદલી છે પર્વતોએ

03 March, 2021 04:05 PM IST  |  Mumbai | Rachana Joshi

Women’s Day: મળો રાધિકા ઐય્યર તલાટીને જેની જિંદગી બદલી છે પર્વતોએ

રાધિકા ઐય્યર તલાટી

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આ વર્ષે તમારી સમક્ષ એવી મહિલાઓની વાત જણાવી રહ્યું છે, જેમણે તેમના જીવનમાં એવા કાર્યો કર્યા છે જે સામાન્ય માણસ ભાગ્યે જ કરવાનું વિચારી શકે છે. મહિલા હોવા છતા તેમણે જીવનમાં એવી સિદ્ધિઓ મેળવી છે જે આ પુરષ પ્રધાન સમાજને પણ શરમાવી શકે છે. આજે આપણે મળીશું વડોદરાના કેન્સર સર્વાઈવર, પર્વતારોહક, ઉદ્યોગપતિ અને યોગ શિક્ષિકા રાધિકા ઐય્યર તલાટીને. જેની જીંદગી પર્વતોએ બદલી છે અને આ બદલાયેલી જીંદગીમાંથી તેમણે તેમના બાળકોને જીંદગી જીવવાનો નવો માર્ગ, નવી દ્રષ્ટિ આપી અને ‘એક માતા સો શિક્ષકની ગરજ સારે છે’ એ કહેવતને ખરા અર્થમાં સાર્થક કરી છે.

રાધિકા ઐય્યર તલાટી યુવાનીના દિવસોથી જ પગભર અને સ્વનિર્ભર હતા. લગ્ન બાદ સ્ત્રીના જીવનમાં ઘના ફેરફાર આવતા હોય છે. શહેર બદલાય, રહેણી-કરણી બદલાય, જીવનશૈલી પણ બદલાય છે. પરંતુ લગ્ન પછી રાધિકા બહેનનું ફક્ત જીવન જ ન બદલાયું, શારીરિક સ્વાસ્થ્યને લઈને પણ અનેક મુશ્કેલીઓ આવી. ચામડીની એલર્જી, ચેપ અને અન્ય બીમારીઓને લીધે શારીરિક રીતે તેઓ અસ્વસ્થ રહેતા હતા. તેવમા વર્ષ 2014માં માત્ર 31 વર્ષની ઉંમરે તેમને ગર્ભાશયનું કેન્સર થયુ હોવાનું નિદાન થયું અને તાત્કાલિક સારવારની શરૂઆત કરી. ત્રણ બાળકોની માતા રાધિકાને અનેક ગર્ભપાત પણ થયા હતા. જેને લીધે તે ડોમેટ્રિઓસિસ સ્થિતિમાં પહોંચી ગઈ હતી, જે સ્ત્રીઓમાં ખૂબ સામાન્ય છે. કેન્સરના પ્રથમ સ્ટેજ પર જ્યારે પરિસ્થિતિ ખરાબ થઈ રહી હતી ત્યારે ગર્ભાશય કઢાવવાનો નિર્ણય લીધો. કેન્સરની સારવાર બાદ કેન્સર તો મટી ગયું પણ શારીરિક પીડાઓમાં દિવસેને દિવસે વધારો થતો ગયો.

આટલું પુરતું ન હતું કે, વર્ષ 2009માં રાધિકાને સ્તન કેન્સરનું નિદાન થયું. પરંતુ આ વખતે તેમણે નક્કી કર્યું કે તે રેડિયેશન ટ્રીટમેન્ટ કે એલોપેથિક દવા નહીં લે અને પ્રાકૃતિક ઉપચાર જ કરશે. 2004થી 2009ના સમયગાળા દરમિયાન રાધિકાની મુલાકાત ડૉક્ટર પંકજ ડાભી સાથે થઈ હતી અને જે એક દાયકાથી ત્વચાની એલર્જીની સારવાર કરતા હતા. રાધિકા ઘણા વર્ષોથી જે એલર્જીનો સામનો કરી રહ્યાં હતા તેની સારવાર માત્ર સાત દિવસમાં કરી આપી હતી અને માત્ર ડૉ. ડાભીને લીધે રાધિકાને પ્રાકૃતિક ઉપચાર પર વિશ્વાસ  હતો. એટલે જ તેમણે સ્તન કેન્સરની સારવાર પ્રાકૃતિક ઉપચાર દ્વારા કરવાનું નક્કી કર્યું હતું. આહાર, વ્યાયામ, ધ્યાન અને શારીરિક ઉપચાર દ્વારા કેન્સરની ગાંઠ સંકોચાવા લાગી અને ગાંઠ મટી પણ ગઈ.

કેન્સર સર્વાઈવરથી પર્વતારોહણ કઈ રીતે બન્યા એ વિશે જણાવતા રાધિકા ઐય્યર તલાટીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું હતું કે, ‘કેન્સરની આ સારવાર દરમિયાન મારું સ્વાસ્થ્ય નબળું પડી ગયું અને ડૉક્ટરે હવા ફેર માટે મને હિમાલય અથવા કેરેલા જવાની સલાહ આપી. પણ ત્યારે અજાણતા જ મેં હિમાલય જવાનો વિકલ્પ પસંદ કર્યો. હું એ પહેલા ક્યારે પર્વતોમાં ગઈ નહોતી. કે હિમાલય જવાનો વિચાર પણ નહોતો. પણ હા મેં નક્કી કરી લીધું હતું કે હું આ કપરા સમયમાંથી બહાર આવીશ. મારે એકલીએ મારી સારવાર માટે હિમાલય જવું છે તે મારા ઘરવાળાને અને મારા બાળકોને સમજાવવું બહુ અઘરું હતું. મારા ત્રણેય બાળકો એ સમયે નાના હતા. પણ મેં તેમને સમજાવ્યા કે જીવનમાં જ્યારે કઠિન પરિસ્થિતિ આવે ત્યારે પોતાના માટે પોતાનાઓથી દુર થવુ પડે છે. પછી હું નિકળી પડી હિમાલયની સફરે. જોકે, ત્યાં જતાં જ જાણે મારી જિંદગી બદલાઈ ગઈ. હું એક નવા વાતાવરણમાં આવી ગઈ હોય તેવું મને લાગ્યું. અહીં પ્રકૃતિના ખોળામાં આવ્યા બાદ મને મારી જિંદગી જાણે પાછી મળી હોય તેવું લાગ્યું અને 20 દિવસને બદલે હું હિમાલયમાં સાડા ચાર મહિના રોકાઈ. હું જ્યારે હિમાલયથી પાછી ફરી ત્યારે મારામાં નવી સ્ફુર્તતા, તાજગી અને એક જુદા પ્રકારનો જુસ્સો હતો. હું યુવાન હતી ત્યારથી જ જીમ કરતી અને ફિટનેસ પર ધ્યાન આપતી. પરંતુ મેં કયારેય યોગ તરફ ધ્યાન અપાયું નહોતું. હું યોગ પણ હિમાલય જઈને શીખી હતી. જેને મારી આખી જીંદગી બદલી નાખી. હિમાલયથી પાછા ફર્યા બાદ મને સમજાયું કે પર્વત જીવન બદલી શકે છે. ત્યારે જ મેં નક્કી કર્યું કે હું આ અનુભવ મારા બાળકોને પણ આપવા માંગુ છું. પર્વતની હારમાળાઓમાં જે શાંતિ અને સુખ મળે છે તેનો અનુભવ મારે તેમને પણ કરાવવો છે તેવું મેં નક્કી કર્યું અને પર્વતોની વાસ્તવિકતા તેમને કહેવાની શરૂઆત કરી. ત્યારબાદથી મારા ત્રણેણ બાળકોને પણ પર્વત પ્રત્યે પ્રેમ જાગ્યો અને મારી સાથે પર્વતારોહણ કરવા લાગ્યા.’

‘પર્વતોએ મારી જીંદગી બદલી છે. તેમણે મને સુખનો અનુભવ કરાવ્યો છે. એટલે હું દરેક વ્યક્તિને કહેવા માંગુ છે કે તમે પ્રકૃતિની મુલાકાત લો. ભલે પછી પર્વતો હોય, જંગલો હોય કે દરિયા કાંઠો હોય કે દરિયોનું પેટાળ ખેડવું હોય. તે ચોક્કસ તમારી જીંદગીમાં બદલાવ લાવશે. સોલો ટ્રીપ કરો. પ્રકૃતિને માણો. જીવનમાં ઘણો બદલાવ આવશે.’, એમ રાધિકા ઐય્યર તલાટીએ જણાવ્યું હતું. એટલું જ નહીં હવે તે દર વર્ષે એકવાર હિમાલયની મુલાકાત અવશ્ય લે છે.

એક સફળ ઉદ્યોગસાહિક મહિલાને પર્વતો પ્રત્યે લગાવ થતા તે પર્વતારોહક બન્યા સાથે જ યોગની માહિતી મળતા અને તેનું મહત્વ સમજાતા તેઓને યોગા પ્રત્યે લગાવ થયો તેથી તે યોગ શિક્ષક પણ બન્યા. ખરેખર રાધિકા ઐય્યર તલાટીના જીવનની સફર અનેક મહિલાઓને પ્રેરણા આપે તેવી છે.

gujarat vadodara