27 May, 2025 09:16 AM IST | Bhuj | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદીનાં ઓવારણાં લઈને તેમને સિંદૂરનો છોડ ભેટમાં આપી રહેલી માધાપરની વીરાંગનાઓ.
૧૯૭૧માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં પોતાના જીવની ચિંતા કર્યા વગર વાયુસેનાનાં વિમાનો ઉડાન ભરી શકે એ માટે રાતોરાત વન-વે બનાવી આપનાર કચ્છના માધાપરની વીરાંગનાઓએ ગઈ કાલે ભુજ આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં ઓવારણાં લીધાં હતાં અને તેમને સિંદૂરનો છોડ આપ્યો હતો.
પાકિસ્તાન સામે છેડેલા ઑપરેશન સિંદૂર બાદ પહેલી વાર કચ્છની ધરતી પર આવેલા નરેન્દ્ર મોદીને સન્માનવા માટે આખું કચ્છ ઊમટ્યું હોય એવો નઝારો સર્જાયો હતો, જેમાં માધાપરની વીરાંગનાઓ પણ આવી હતી. સ્ટેજ પર જઈને આ વીરાંગનાઓએ નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપીને ઓવારણાં લીધાં હતાં. વડા પ્રધાને પણ આ માતાઓ સાથે વાત કરી હતી અને તેમને ખાતરી આપી હતી કે તેમણે જે સિંદૂરનો છોડ ભેટમાં આપ્યો છે એને પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસ (PMO)માં લગાવીને ઉછેર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સિંદૂરના વૃક્ષમાંથી મહિલાઓ માટે માથામાં નાખવાનું સિંદૂર બને છે. ભારતે ઑપરેશન સિંદૂર છેડીને, પાકિસ્તાનને હચમચાવી મૂકીને એની બોલતી બંધ કરી દીધી છે. આ સફળતા બાદ ભુજ આવેલા નરેન્દ્ર મોદીને માધાપરની મહિલાઓએ સાંકેતિક રીતે સિંદૂરનો છોડ ભેટમાં આપ્યો હતો.