ભરતસિંહ સોલંકીને દબાણ કરાશે તો કૉન્ગ્રેસમુક્ત ગુજરાતની આશંકા?

18 March, 2020 11:54 AM IST  |  | Agencies

ભરતસિંહ સોલંકીને દબાણ કરાશે તો કૉન્ગ્રેસમુક્ત ગુજરાતની આશંકા?

ભરતસિંહ સોલંકી

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસ બે બેઠકો જીતી શકે એમ નથી એમ લાગતાં કૉન્ગ્રેસની નેતાગીરીએ બે ઉમેદવારો પૈકી ભરતસિંહ સોલંકીને ઉમેદવારી પાછી ખેંચવાનો આદેશ આપે એમ જાણવા મળે છે. જોકે સોલંકીએ નારાજગી દર્શાવતાં સોલંકી અને બીજા ઉમેદવાર શક્તિસિંહ ગોહિલને હાઈ કમાન્ડ દ્વારા દિલ્હી બોલાવવામાં આવ્યા હોવાનું પણ ચર્ચાતું હતું. કાલે ૧૮મીએ ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે.

સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે વિધાનસભાના સભ્યોની સંખ્યાના ગણિત પ્રમાણે કૉન્ગ્રેસ બે બેઠકો જીતી શકે તેમ નથી. કૉન્ગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં છે. કૉન્ગ્રેસના સહયોગી એનસીપીના એકમાત્ર ધારાસભ્યે બીજેપીને વોટ આપવાની જાહેરાત કરી છે. તેથી કૉન્ગ્રેસે સોલંકીને ઉમેદવારી પરત ખેંચવાનું કહેતાં તેઓ આડા ફાટ્યા હોવાનું કહેવાય છે અને બન્નેને દિલ્હી બોલાવ્યા હોવાનું કહેવાય છે.

કાકડિયાની પત્નીએ એવો દાવો કર્યો કે તેમના પતિએ ભરતસિંહને ફોન કરીને પૂછ્યું હતું કે પક્ષમાંથી રાજીનામું અપાય કે નહીં. એના જવાબમાં ભરતસિંહે એવો જવાબ આપ્યો કે ઊગતા સૂર્યને પુજાય. અને તેમના આ ઇશારાના પગલે તેમના પતિએ કૉન્ગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. આટલો ગંભીર આરોપ છતાં ભરતસિંહ તરફથી એનો કોઈ ખુલાસો કરાયો નથી.

સૂત્રોએ કહ્યું કે વાસ્તવમાં કૉન્ગ્રેસમાંથી નરહરિ અમીન બીજેપીમાં ગયા ત્યારે કહેવાય છે કે ભરતસિંહ પણ તેમની સાથે તૈયાર થયા હતા અને અડધે સુધી અમીનની સાથે બીજેપી કાર્યાલય-ખાનપુર જવા રવાના થયા. જોકે એની જાણ અન્ય સિનિયર નેતાઓને થતાં તેમને અધવચ્ચેથી સમજાવીને પાછા લાવવામાં આવ્યા હતા. આમ બીજેપીમાં જવાની તેમની ઇચ્છા તો રહેલી જ છે અને જો તેઓ બળવો ન કરે અને નેતાઓના સમજાવવાથી ઉમેદવારી પાછી ખેંચી લે તો પણ પાર્ટીમાં સંગઠનમાં કોઈ મોટો હોદ્દો આપવાની વાત મૂકે, કેમ કે તેઓ જાણે છે કે કૉન્ગ્રેસને હાલમાં તેમના કરતાં ગોહિલની વધારે જરૂર છે.
સૂત્રોએ કહ્યું કે જોવાનું એ રહે કે માધવસિંહ સોલંકી પરિવારના ભરતસિંહ પક્ષનું નાક કેટલી હદે દબાવીને રાજકીય લાભ મેળવે છે.

gujarat Gujarat Congress