ગુજરાતની નવમા ધોરણની પરીક્ષામાં સવાલ-ગાંધીજીએ આપઘાત કરવા માટે શું કર્યુ

14 October, 2019 11:27 AM IST  |  અમદાવાદ

ગુજરાતની નવમા ધોરણની પરીક્ષામાં સવાલ-ગાંધીજીએ આપઘાત કરવા માટે શું કર્યુ

પરીક્ષામાં પુછાયો આવો સવાલ

ગુજરાતમાં સુફલામ શાળા વિકાસ સંકુલના નેજા હેઠળ ચાલતી શાળાઓમાં આંતરિક મૂલ્યાંકન પરીક્ષામાં નવમા ધોરણના વિદ્યાર્થીઓને ‘મહાત્મા ગાંધીએ આપઘાત કરવા માટે શું કર્યું હતું?’ એવો પ્રશ્ન પુછાતાં રાજ્યના શિક્ષણ ખાતાએ તપાસ હાથ ધરવાનો આદેશ આપ્યો છે. આ પરીક્ષાના પ્રશ્નપત્રમાં અગાઉ દારૂબંધી ધરાવતા ગુજરાત રાજ્યમાં દારૂના ધંધા અને દારૂડિયાઓના ત્રાસ સંબંધી સવાલને કારણે શિક્ષણ ખાતાના અધિકારીઓ રોષે ભરાયા હતા.
ગાંધીનગરમાં સરકારી સહાય મેળવતી શૈક્ષણિક સંસ્થાઓ અને સ્વભંડોળે ચાલતી શાળાઓનું સંગઠન સુફલામ શાળા વિકાસ સંકુલ છે. આ પરીક્ષામાં બારમા ધોરણના વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રમાં અરજી લખવા માટે આપવામાં આવેલો વિષય હતો.‘તમારા વિસ્તારમાં દારૂ વેચનાર અને દારૂડિયાઓનો ત્રાસ વધી ગયો છે એની ફરિયાદ કરતો પત્ર જિલ્લા પોલીસ વડાને લખો.’ ગાંધીનગર જિલ્લાના શિક્ષણ અધિકારી ભરત વાઢેરે તપાસ હાથ ધરવાનો આદેશ બહાર પાડતાં જણાવ્યું હતું કે ‘સ્વભંડોળે ચાલતી શાળાઓના જૂથ અને સરકારી ગ્રાન્ટ્સ મેળવતી શાળાઓની શનિવારે યોજાયેલી પરીક્ષાના પ્રશ્નપત્રના બે સવાલ બાબતે તપાસ હાથ ધરવામાં આવશે. એ બે સવાલો ખૂબ વાંધાજનક હોવાથી એ બાબતે અમે તપાસ શરૂ કરી છે. તપાસનો અહેવાલ મળ્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સુફલામ શાળા વિકાસ સંકુલના નેજા હેઠળ ચાલતી સંબંધિત શાળાઓ પ્રશ્નપત્રો તૈયાર કરે છે. રાજ્ય સરકારના શિક્ષણ ખાતાને પ્રશ્નપત્ર તૈયાર કરવાની પ્રક્રિયા સાથે કોઈ સંબંધ નથી.’

gujarat gandhinagar