વિશ્વના જાણીતા એસ્ટ્રોલોજર બેજાન દારૂવાલા કોરોના પૉઝિટીવ

23 May, 2020 08:18 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

વિશ્વના જાણીતા એસ્ટ્રોલોજર બેજાન દારૂવાલા કોરોના પૉઝિટીવ

બેજાન દારૂવાલા

દેશમાં કોરોના પોતાનો કહેર વરસાવી રહ્યો છે લૉકડાઉન છતાં દેશમાં સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં સૌથી વધારે કોરોનાના કેસ મહારાષ્ટ્રમાં છે અને બીજા ક્રમાંકે ગુજરાતમાં કેસ વધારે છે. 

અમદાવાદના પ્રખ્યાત જ્યોતિષવિદ અને એસ્ટ્રોલોજર બેજાન દારૂવાલાને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. અમદાવાદની એપોલો હૉસ્પિટલમાં તેઓ ચાર દિવસથી સારવાર લઈ રહ્યા છે.

બેજાન દારૂવાલાનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવતાં તેમના પરિવારને પણ તેમના શાહીબાગ સ્થિત નિવાસસ્થાને જ ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. એક ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે બેજાન દારૂવાલાનો કોરોના પૉઝિટીવ આવ્યા બાદ તેમની સ્થિતિ ખૂબ જ ગંભીર છે.

ઉલ્લેખનીય છે કે બેજાન દારૂવાલાના આખા પરિવારને અમદાવાદની એક હોટેલમાં ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે. બેજાન દારૂવાલાને ફેફસાંમાં ઇન્ફેક્શન હોવાનું પ્રાથમિક તારણ આ્યું છે. એપોલો હૉસ્પિટલમાં તેમને આઇસીયુમાં લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં તેમના પુત્ર નસ્તૂર દારૂવાલાએ જણાવ્યું કે અમે આખું પરિવાર ગણેશજીને પિતાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છીએ. અમને પણ ક્વૉરન્ટીન થવાની ફરજ પડી છે. વધુમાં તેમણે ઉમેર્યું કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી તેમને શ્વાસની તકલીફ હતી અને કોરોનાના પ્રાથમિક લક્ષણો જણાતાં તરત જ તેમને અપોલો હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સ્વાસ્થ્ય સતત ખરાબ થઈ રહ્યું છે. તબીબો સતત તેમના તમામ પ્રયત્નો કરે છે અને અમને પણ તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા થાય છે.

નોંધનીય છે કે બેજાન દારૂવાલા અનેક અંગ્રેજી અને ગુજરાતી સહિતના અખબારોમાં નિયમિત રીતે જયોતિષ-ભવિષ્ય અંગેની કલમ લખતા રહ્યા છે અને તેઓ થોડા દિવસ પહેલા જ સક્રીય હતા. પોતાના હસમુખા સ્વભાવ અને રંગીન કપડા પહેરવાથી પણ તેઓ જાણીતા બન્યા છે. અમદાવાદના શાહીબાગમાં તેઓ તેમના પુત્ર સાથે રહે છે.

coronavirus covid19 national news ahmedabad