દુનિયામાં સૌથી મોટું દુઃખ : દેશભરમાંથી દિગ્ગજોએ પીએમનાં માતાને આપી અંજલિ

31 December, 2022 09:22 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતાના નિધન પર દુનિયાભરમાંથી શોકની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી

ફાઇલ તસવીર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતાના નિધન પર દુનિયાભરમાંથી શોકની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. 

૧. શાનદાર શતાબ્દીનું ઈશ્વરનાં ચરણોમાં વિરામ, માતામાં મેં હંમેશાં એ ત્રિમૂર્તિની અનુભૂતિ કરી છે જેમાં એક તપસ્વીની યાત્રા, નિ:સ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે કટિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.

- નરેન્દ્ર મોદી, વડા પ્રધાન

૨. વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીનાં પૂજ્ય માતાજી હીરાબાના સ્વર્ગવાસની સૂચના અત્યંત દુખદ છે. મા એક વ્યક્તિના જીવનની પહેલી મિત્ર અને ગુરુ હોય છે જેને ગુમાવવાનું દુઃખ ચોક્કસ જ સંસારનું સૌથી મોટું દુઃખ હોય છે. હીરાબાએ જે સંઘર્ષોનો સામનો કરીને પરિવારનું ભરણપોષણ કર્યું છે એ તમામ માટે આદર્શ છે. તેમનું ત્યાગપૂર્ણ તપસ્વી જીવન હંમેશાં આપણી સ્મૃતિમાં રહેશે. સમગ્ર દેશ દુઃખની આ ક્ષણે વડા પ્રધાન અને તેમના પરિવારના પડખે છે. કરોડો લોકોની પ્રાર્થના તેમની સાથે છે. ઓમ શાંતિ.

- અમિત શાહ, ગૃહપ્રધાન

૩. વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીનાં માતાજી, શ્રીમતી હીરાબાના નિધનના સમાચાર અત્યંત દુખદ છે. આ મુશ્કેલ સમયમાં હું તેમને અને તેમના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના અને પ્રેમ વ્યક્ત કરું છું.

- રાહુલ ગાંધી, કૉન્ગ્રેસના નેતા

૪. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાનું ૧૦૦ વર્ષનું સંઘર્ષપૂર્ણ જીવન ભારતીય આદર્શોનું પ્રતીક છે. નરેન્દ્ર મોદીએ માતૃદેવોભવની ભાવના અને હીરાબાનાં મૂલ્યોને પોતાના જીવનમાં આત્મસાત કર્યાં છે. હું પુણ્યાત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ.

- દ્રૌપદી મુર્મુ, રાષ્ટ્રપતિ

૫. હીરાબહેન મોદીનું નિધન થયું હોવાનું જાણીને અત્યંત દુઃખ થયું. દુઃખની આ ક્ષણે અમારા વિચારો અને પ્રાર્થના સમગ્ર પરિવારની સાથે છે.

- મલ્લિકાર્જુન ખડગે, કૉન્ગ્રેસના અધ્યક્ષ

૬. વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીનાં પૂજ્ય માતા હીરાબાના નિધનથી એક તપસ્વીના જીવનનો અંત થઈ ગયો. આરએસએસનો દરેક સ્વયંસેવક સ્વર્ગસ્થ આત્માને શ્રદ્ધાંજલિ આપે છે. હીરાબહેન મૂલ્યો પ્રત્યે કટિબદ્ધ રહ્યાં અને પોતાના જીવનમાં અત્યંત મુશ્કેલીનો સામનો કરવા છતાં ભગવાનમાં તેમનો અતૂટ વિશ્વાસ હતો.

- મોહન ભાગવત, આરએસએસના વડા

૭. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાના નિધન વિશે જાણીને મને દુઃખ થયું. તેમનું જીવન ખૂબ ઇન્સ્પાયરિંગ હતું. આ મુશ્કેલ સમયમાં વડા પ્રધાન અને તેમના સમગ્ર પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના.

- એસ. જયશંકર, વિદેશપ્રધાન

૮. વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીનાં સન્માનનીય માતાના નિધન પર હું ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. હીરાબાના સંઘર્ષો અને સદ્ગુણોથી ભરેલું જીવન હંમેશાં ઇન્સ્પિરેશન રહ્યું છે. માતાનું નિધન એ કદી ન ભરપાઈ થઈ શકે એવી ખોટ છે. આ ખાલીપો ભરવો અશક્ય છે.

- જે. પી. નડ્ડા, બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ

૯. પીએમ મોદી, તમારાં પ્રેમાળ માતાના નિધન પર હું ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.

- ફુમિયો કિશિદા, જપાનના વડા પ્રધાન

૧૦. પોતાની માતાને ગુમાવવાથી બીજી મોટી ખોટ કોઈ નથી હોતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતાના નિધન પર હું તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.

- શાહબાઝ શરીફ, પાકિસ્તાનના વડા પ્રધાન

૧૧. ભારતના વડા પ્રધાનનાં પ્રેમાળ માતા હીરાબહેન મોદીનું નિધન થયું હોવાનું જાણીને મને અત્યંત દુઃખ થયું. હું પીએમ મોદીજી અને તેમના પરિવારજનો પ્રત્યે હૃદયથી સંવેદના વ્યક્ત કરું છું.

- પુષ્પકમલ દહાલ ‘પ્રચંડ’, નેપાલના વડા પ્રધાન

૧૨. સૌથી મોટી ખોટ બદલ મારી સંવેદનાઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીની સાથે છે. તમારા આ દુઃખમાં હું તમારી સાથે છું. ઓમ શાંતિ.

- ડેનિસ અલિપોવ, ભારતમાં રશિયન ઍમ્બેસેડર

૧૩. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે ઊંડી અને ખરી સંવેદના. દુઃખની આ ક્ષણે અમે તેમના અને તેમના પરિવારની સાથે છીએ. 

- ફિલિપ એકરમૅન, ભારતમાં જર્મન ઍમ્બૅસૅડર

૧૪. હીરાબહેન મોદીના નિધનના સમાચાર મળવાથી અત્યંત વ્યથિત છું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે મારી સંવેદના.

- મહિન્દા રાજપક્સે, શ્રીલંકાના ભૂતપૂર્વ વડા પ્રધાન

સંતો અને નેતાઓએ આપી હીરાબાને શ્રદ્ધાંજલિ

નરેન્દ્ર મોદીનાં માતુશ્રી પૂજ્ય હીરાબાના દેવલાકગમનથી ઊંડા દુઃખની લાગણી અનુભવું છું. પૂજ્ય હીરાબા વાત્સલ્ય, સાદગી, પરિશ્રમ અને ઉચ્ચ જીવનમૂલ્યોનાં પ્રતિમૂર્તિ હતાં. ભગવાન તેમના આત્માને પરમ શાંતિ અર્પે એવી પ્રાર્થના કરું છું.

- ભૂપેન્દ્ર પટેલ, મુખ્ય પ્રધાન, ગુજરાત

હીરાબાના આત્માને મોક્ષ મળે એવી પ્રભુને પ્રાર્થના. જ્યારે અમે હીરાબાને મળતા ત્યારે પહેલાં તેઓ ખાવાનું પૂછતાં. ખાવાનું ખાધું, દેશસેવા કરો, સમાજસેવા કરો, બધા સાથે રહો એવું તેઓ કહેતાં.

- શંકરસિંહ વાઘેલા, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન, ગુજરાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વનેતા બન્યા એમાં પૂજ્ય હીરાબાનું પણ વ્યક્તિઘડતર માટે યોગદાન રહ્યું છે. રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રભાવના, ઈમાનદારીથી કામ કરવું એવી બધી વાતો વારંવાર વડા પ્રધાનને તેમની માતાએ કહી હતી અને એ અમને બતાવી છે. આવી એક મોટી હસ્તી આપણી વચ્ચેથી ગઈ છે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તેમને મોક્ષગતિ પ્રદાન કરે અને વડા પ્રધાનના પરિવાર પર જે દુખદ આપત્તિ આવી છે એમાં શક્તિ પ્રદાન કરે. આજના યુગમાં માતા-પિતા પ્રત્યે પોતાની ભક્તિ, ભાવના, કર્તવ્ય જે વડા પ્રધાને અંત સુધી બતાવ્યું છે એ બધા માટે પ્રેરણાસ્રોત છે.

- વિજય રૂપાણી, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન, ગુજરાત

નરેન્દ્રભાઈ મોદી, જય સિયારામ. હીરાબાના નિર્વાણના સમાચાર મળ્યા. આપના જેવા સપૂતને રાષ્ટ્ર અને દુનિયાની સેવા કરવા સમર્પિત કરનાર માતાની વિદાયથી કોને પીડા ન થાય. પૂજ્ય માના નિર્વાણને મારા પ્રણામ. એક સાધુ તરીકે હૃદયના ભીના ભાવ સાથે શ્રદ્ધાંજલિ અર્પું છું. આપ સૌને અને પૂરા પરિવારને મારી દિલસોજી પાઠવું છું.

- મોરારિબાપુ, કથાકાર

હીરાબા ૧૦૦ વર્ષ આદર્શપૂર્વક જીવ્યાં એ ભારતની એકેએક સન્નારીએ તેમની પાસેથી બોધપાઠ લેવા જેવો કહી શકાય. તેમણે નરેન્દ્રભાઈને એવા સંસ્કાર આપ્યા કે નરેન્દ્રભાઈ આજે માત્ર ભારત જ નહીં, આખી દુનિયા પર છવાઈ ગયા છે અને ભારતનું રક્ષણ કરી રહ્યા છે એમાં નરેન્દ્રભાઈની સાથોસાથ હીરાબાનો પણ મોટો ફાળો કહી શકાય.

- સ્વામી સચ્ચિદાનંદ

હું જ્યારે હીરાબાને પ્રણામ કરવા ગયો ત્યારે એક તપસ્વીનીની જેમ તેમનામાં એ તપ, એ સાદગી, એક ગરિમા બધાનાં દર્શન મેં હીરાબામાં કર્યાં.

- રમેશ ઓઝા, કથાકાર

હીરાબા દેવ થયાના સમાચાર સાંભળીને ખૂબ દુઃખની લાગણી અનુભવું છું. તેઓ ૧૦૦મા વર્ષે પ્રભુના ધામ ગયાં છે. વાત્સલ્યમૂર્તિ હીરાબાનાં સંસ્કારમૂલ્યોને વંદન કરું છું. પરિવાર પર આવેલી દુઃખની ઘડીમાં ઈશ્વર તેમને હિંમત આપે અને દિવંગત આત્માને ઈશ્વર તેમની સેવામાં લે એવી પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

- સી. આર. પાટીલ, પ્રદેશ અધ્યક્ષ, ગુજરાત બીજેપી.

સંઘર્ષ કરીને હીરાબાએ પોતાનું સમગ્ર જીવન પરિવારને સમર્પિત કર્યું હતું. પરિવારનાં મોભી હતાં. વડા પ્રધાન પણ વારંવાર માતુશ્રીના પ્રેમને કારણે તેમને મળવા જતા હતા. વડા પ્રધાનના પુરા પરિવાર પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. પરમાત્મા પૂજ્ય હીરાબાને પરમ શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું.

- અર્જુન મોઢવાડિયા, કૉન્ગ્રેસના વિધાનસભ્ય.

નરેન્દ્રભાઈ મોદીનાં માતુશ્રીનું અવસાન થયું. હું નરેન્દ્રભાઈ અને તેમના પરિવારના સભ્યો પર જે દુઃખ આવી પડ્યું છે એમાં મારા વતી અને મારા પક્ષ વતી સામેલ થાઉં છું. ઈશ્વર સ્વર્ગસ્થ હીરાબાના આત્માને ચિર શાંતિ અર્પે એવી પ્રાર્થના કરું છું અને પરિવાર પર જે દુઃખ આવી પડ્યું છે એને સહન કરવાની ઈશ્વર શક્તિ આપે.

- શક્તિસિંહ ગોહિલ, રાજ્યસભાના સંસદસભ્ય, કૉન્ગ્રેસ

 

gujarat gujarat news narendra modi