'વાયુ' પોરબંદરથી 200 કિમી દૂર દરિયામાં સ્થિત, રાજ્યમાં વરસાદી માહોલ

15 June, 2019 03:14 PM IST  |  અમદાવાદ

'વાયુ' પોરબંદરથી 200 કિમી દૂર દરિયામાં સ્થિત, રાજ્યમાં વરસાદી માહોલ

જાણો વાયુ સાથે જોડાયેલી અપડેટ્સ

રાજ્ય પરથી વાયુનો ખતરો ટળી ગયો હોવાના અહેવાલો વચ્ચે ફરી એકવાર વાયુ ગુજરાતના કિનારા તરફ આગળ વધી રહ્યું હોવાના અહેવાલો છે. વાવાઝોડું 17 કે 18 જૂન આસપાસ ગુજરાત પહોંચી શકે છે. વાયુ 12 અથવા 13 જૂને ગુજરાત પહોંચવાનું હતું. જો કે તે બાદમાં ઓમાન તરફ ફંટાઈ ગયું હતું અને ગુજરાત પરથી ખતરો ઓછો થયો હતો.

આવી છે આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 48 કલાક જેટલો સમય દરિયામાં ઘૂમરાયા બાદ વાયુ વાડીનાર અને કચ્છ તરફ ધીમી ગતિએ આગળ વધશે અને 17 જૂનની રાત્રિ બાદ જમીન પર આવશે. જ્યારે વાયુ જમીન પર આવશે ત્યારે 50 થી 70 કિમીની ઝડપે પવન ફુંકાવાની અને અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. વાયુની અસર સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોને પણ થશે. આગામી ચાર દિવસ સુધી અહીં સતત વરસાદ પડતો રહેશે.

રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ
વાયુના કારણે સૌરાષ્ટ્રમાં તો વરસાદી માહોલ છે જ. સાથે સાથે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતના સાબરાંઠા સહિતના વિસ્તારોમાં તો મધ્ય ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદમાં વરસાદ છે.

'વાયુ'ના કારણે ચોમાસું મોડું
વાયુ વાવાઝોડાના કારણે ચોમાસુ મોડું છે. ત્રણ દિવસ પહેલા 12મી જૂને જ્યારે વાયુ અત્યંત શક્તિશાળી બન્યુ ત્યારે તેણે ભેજ શોષી લીધો હતો. જેના કારણે ચોમાસું મોડું થયું છે. 17 જૂન સુધીમાં વાયુ જામનગર અને કચ્છના દરિયાના વિસ્તારોમાં ત્રાટકીને વિખેરાઈ જવાનું છે. જે બાદ નવી સિસ્ટમ સક્રિય થશે અને ચોમોસું આગળ વધશે.

આ પણ વાંચોઃ વાયુ વાવાઝોડાનો યુ-ટર્ન, પ્રતિ કલાક 3 કિલોમીટર આગળ વધી રહ્યું છે

ઉલ્લેખનીય છે કે, પહેલા વાયુ વાવાઝોડુ વેરાવળના દરિયા કિનારે ત્રાટકવાનું હતું જેના કારણે પ્રસાશન દ્વારા સાવચેતીના પગલા લેતા લોકોનું સ્થળાંતર કરાયું હતું અને NDRFની ટીમો પણ સ્ટેન્ડબાય મુકવામાં આવ્યા હતા. વેરાવળના દરિયા કિનારાથી 280 કિલોમીટર દૂર વાયુ વાવાઝોડાએ દિશા બદલતા ગુજરાત પરથી વાયુ વાવાઝોડાનું સંકળ ટળ્યું હતું. જો કે ફરી એકવાર ગુજરાત માટે વાયુ વાવાઝોડુ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

gujarat