18 July, 2025 08:29 AM IST | Vadodara | Gujarati Mid-day Correspondent
સ્ટુડન્ટ કશિશ પંચાલ, દરદીઓ માટે ડિઝાઇન કરેલાં વસ્ત્રો.
વડોદરામાં આવેલી જગવિખ્યાત મહારાજા સયાજીરાવ (MS) યુનિવર્સિટીના ટેક્સટાઇલ અને અપૅરલ ડિઝાઇનની અનુસ્નાતકની સ્ટુડન્ટ કશિશ પંચાલે મેડિકલ ટેક્સટાઇલના નવા ફીલ્ડ પર ફોકસ કરીને હૉસ્પિટલમાં પથારીવશ દરદીઓને મળીને તેમને અનુકૂળ થાય એ રીતે વસ્ત્રોની ડિઝાઇન કરીને એક નવું કાર્ય કર્યું છે.
મેડિકલ ટેક્સટાઇલમાં જવાનો આઇડિયા ક્યાંથી આવ્યો એ વિશે વાત કરતાં કશિશ પંચાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજ સુધી આર્ટ ઍન્ડ ક્રાફ્ટ તેમ જ ફૅશન-રિલેટેડ રિસર્ચ થયું છે, પણ મેડિકલ ટેક્સટાઇલ એ નવું ફીલ્ડ છે. એમાં રિયલ પેશન્ટ ઇન્વૉલ્વ્ડ છે એટલે મને થયું કે મેડિકલ ટેક્સટાઇલમાં જવા જેવું છે અને આ કામ મેં હાથમાં લીધુ. હું ફાઇનલ યરની સ્ટુન્ટ છું અને ‘પથારીવશ દરદીઓ માટે અનુકૂલનશીલ વસ્ત્રોની વપરાશકર્તા કેન્દ્રીય ડિઝાઇન’ ટાઇટલ હેઠળ મારું માસ્ટર રિસર્ચ કાર્ય શરૂ કર્યું જેમાં વડોદરાની સર સયાજીરાવ જનરલ (SSG) હૉસ્પિટલ અને ગુજરાત મેડિકલ એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ સોસાયટી (GMERS) હૉસ્પિટલની મુલાકાત લીધી. ત્યાં પરમિશન લઈને ડેટા-કલેક્શન કર્યું તેમ જ દરદીઓને મળી. આ કામ માટે ખાસ ઑર્થોપેડિક અને સર્જરીના પેશન્ટ્સને મેં લીધા હતા. આ બન્ને ડિપાર્ટમેન્ટના ૪૦ પેશન્ટ્સને હું મળી હતી અને તેમની શું જરૂરિયાત છે, તેઓ કેવી ડિઝાઇન પ્રિફર કરે છે; નેકલાઇન, લેન્થ, સ્લીવ એ બધું તેમની પાસેથી જાણીને કન્સીડર કર્યું અને તેમની જરૂરિયાત મુજબ રિસર્ચ કરીને ઑર્થોપેડિકના ત્રણ અને સર્જરીના ત્રણ મળીને ૬ દરદીઓ માટે કૉટન-બ્લેન્ડ કપડાં પર કુલ છ ડિઝાઇન તૈયાર કરી હતી. દરદીઓ માટે વનપીસ વસ્ત્ર તૈયાર કર્યું છે જેથી તેમને એ અનુકૂળ રહે. ડિઝાઇન તૈયાર કર્યા પછી દરદીઓ પર એની ટ્રાયલ લીધી હતી. આ રિસર્ચ કરતાં મને આઠેક મહિનાનો સમય લાગ્યો છે.’