એમ્સમાં ગેરકાયદે હાઇડ્રોજનનું રીફિલિંગ થતાં બ્લાસ્ટ થયો હતો

18 January, 2020 11:43 AM IST  |  Vadodara

એમ્સમાં ગેરકાયદે હાઇડ્રોજનનું રીફિલિંગ થતાં બ્લાસ્ટ થયો હતો

પ્રતીકાત્મક તસવીર

એમ્સ ઑક્સિજન કંપનીમાં થયેલા બ્લાસ્ટ અંગેની તપાસ કરી રહેલા પાદરા પોલીસ મથકના પી.આઇ. એસ. એ. કરમુરે જણાવ્યું હતું કે એમ્સ ઑક્સિજન કંપનીને માત્ર ૧૦૦ હાઇડ્રોજન સિલિન્ડર સ્ટોરેજ રાખવાની પરવાનગી છે. પરંતુ કંપની પાસે સિલિન્ડર રીફિલિંગ કરવાની કોઈ પરવાનગી નથી. આમ છતાં કંપની સત્તાવાળાઓ દ્વારા કંપનીમાં ગેરકાયદેસર રીતે હાઇડ્રોજન સિલિન્ડર રીફિલિંગ કરવામાં આવતું હતું. ૧૧ જાન્યુઆરીએ ઘટના બની ત્યારે પણ હાઇડ્રોજન સિલિન્ડર રીફિલિંગ કરવામાં આવતું હતું. એ સમયે હાઇડ્રોજન અને ઑક્સિજનનું મિશ્રણ થતાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો અને એમાં કંપનીના બે કર્મચારી સહિત છ વ્યક્તિઓનાં મોત નીપજ્યાં હતાં. કંપનીના બે કર્મચારી સહિત ચાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે.

કરમુરેએ વધુમાં જણાવ્યું હતું કે ઉત્તરાયણ હોવાથી અંકલેશ્વર તેમ જ ગાયત્રી ઇન્ડસ્ટ્રીઝ સહિત અન્ય ખાનગી વ્યક્તિઓ સિલિન્ડરમાં હાઇડ્રોજન રીફિલ કરવા માટે આવ્યા હતા. રીફિલની કામગીરી થતી હતી એ જ સમયે પ્રચંડ બ્લાસ્ટ થયો હતો.

આ પણ વાંચો : બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કેમ બંધ ન કરવો? સરકાર ખુલાસો આપેઃ સુપ્રીમ કોર્ટ

છ વ્યક્તિઓનો ભોગ લેવા માટે જવાબદાર કંપનીના માલિક પિતા-પુત્ર સિદ્ધાર્થ પટેલ અને શ્વેતાંશુ પટેલ હજી ફરાર છે. તેમના નિવાસસ્થાન અને ઑફિસો પર તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ તેઓ મળી આવ્યા નથી. પિતા-પુત્ર વિદેશ ભાગી ન જાય એ માટે તેઓ સામે લુકઆઉટ નોટિસો જાહેર કરવામાં આવી છે. કંપનીના માલિકો સામે બેદરકારી સહિતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમની ઘનિષ્ઠ શોધખોળ ચાલુ છે.

gujarat vadodara