ગુજરાત વરસાદ: છલકાયો નર્મદા ડૅંમ, જળસપાટી પહોંચી 137 મીટર

13 September, 2019 08:08 AM IST  |  વડોદરા

ગુજરાત વરસાદ: છલકાયો નર્મદા ડૅંમ, જળસપાટી પહોંચી 137 મીટર

ગુજરાત વરસાદ

આ વર્ષે સમગ્ર ગુજરાત વરસાદથી પાણી-પાણી થઈ રહ્યું છે ત્યારે સરદાર સરોવર ડેમની સપાટી 137.31 મીટર પર પહોંચી છે. ડેમની સર્વોચ્ચ સપાટી 138.68થી હવે માત્ર 1.37 મીટરનું જ અંતર બાકી રહ્યું છે. હાલમાં ડેમમાંથી 7,39,830 પ્રતિ સેકન્ડ ક્યુબિક પાણી છોડાઈ રહ્યું છે. પરિણામે ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાની સપાટી 31 ફૂટ પર પહોંચી છે. જ્યારે તેની ભયજનક સપાટી 24ની છે. સાવચેતીના કારણોસર નર્મદાના કાંઠાના વિસ્તારમાંથી 3900 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ડેમ હાલમાં 92.9 ટકા જેટલો ભરાઈ ગયો છે.

20 ગામોને 3 દિવસ માટે એલર્ટ કરાયાં

નર્મદા જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલે જણાવ્યું હતું કે, સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવાને કારણે જિલ્લાના 20 જેટલા ગામોને 3 દિવસથી એલર્ટ કરાયાં છે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. આગામી સમયમાં વધુ પાણી છોડવામાં આવે તો સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા તકેદારીના તમામ પગલાંઓ સાથે પૂર્વ તૈયારી કરી લીધી છે.

આ પણ વાંચો : ઉમરપાડામાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો, રસ્તાઓ ધોવાયા

આગામી સમયમાં સરદાર સરોવર ડેમ 138.68 મીટર સુધી પહોંચશે અને ત્યાં સુધી પહોંચવામાં દોઢેક મીટર બાકી છે. નર્મદા ડેમમાં નિયમો પ્રમાણે પાણીની આવક ચાલુ છે. દરરોજ નિયત ધારા ધોરણ મુજબ ડેમની જળ સપાટી વધારવાની હોય છે અને તેને ધ્યાનમાં રાખીને ડેમમાં પાણી ભરાઇ રહ્યું છે.

gujarat Gujarat Rains vadodara