31 December, 2022 09:18 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
વડનગરની બજારોએ સ્વયંભૂ બંધ પાળીને હીરાબાને શ્રદ્ધાંજલિ અર્પી હતી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાના અવસાનની જાણ થતાં વડનગરમાં શોક છવાઈ ગયો હતો. ગઈ કાલે વડનગરમાં વેપારીઓ સ્વયંભૂ બંધ પાળીને હીરાબાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને હીરાબાના માનમાં રવિવાર સુધી ધંધા-રોજગાર બંધ રાખશે. આ ઉપરાંત ઊંઝા એપીએમસીએ બંધ પાળીને હીરાબાને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
હીરાબાના દુઃખદ અવસાનને લઈને વડનગર વેપારી અસોસિએશને ઘેરા શોક અને દુઃખની લાગણી વ્યક્ત કરી હતી અને શુક્ર, શનિ અને રવિવાર સુધી ત્રણ દિવસ સ્વયંભૂ બંધ રાખવા તમામ વેપારીઓને વિનંતી કરાઈ છે. વડનગરમાં જૂની લાઇબ્રેરી ખાતે બોર્ડ પર વેપારી અસોસિએશને હીરાબાને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા. બોર્ડમાં વડનગર વેપારી અસોસિએશને લખ્યું હતું કે વડનગરના પનોતા પુત્ર અને ભારતવર્ષના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતુશ્રી પૂજ્ય હીરાબાનું શતાયુ વર્ષમાં દુઃખદ અવસાન થયું છે. સમગ્ર નગરજનો ઘેરા શોક અને દુઃખની લાગણી અનુભવે છે. વડનગરના તમામ વેપારીઓને પોતાના ધંધા-રોજગાર શુક્ર, શનિ અને રવિવાર સુધી ૩ દિવસ બંધ રાખવા વિનંતી.
વડનગરમાં આવેલી જૂની લાઇબ્રેરી ખાતે હીરાબાને શ્રદ્ધાંજલિ અર્પતું બોર્ડ વડનગર વેપારી અસોસિએશને લગાવ્યું હતું અને વેપાર-ધંધા બંધ રાખવા અપીલ કરી હતી
હાટકેશ્વર મંદિરના રાજુભાઈ બારોટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાટકેશ્વર મહાદેવ મંદિરમાં હીરાબા માટે ગઈ કાલે સાંજે શાંતિપાઠનું આયોજન કરાયું હતું અને ત્યાર પછી ધૂન રાખી હતી. વડનગરમાં ચોકસી બજાર, કાપડ બજાર, કરિયાણા બજાર સહિતની બજારો હીરાબાના માનમાં સ્વયંભૂ બંધ રહી હતી અને હીરાબાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.’
વડનગરના મુકેશ ઠાકોરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક વીરાંગના તરીકે હીરાબાને આખું વડનગર યાદ કરી રહ્યું છે. તેમણે તડકી-છાંયડી વેઠીને બાળકોને મોટાં કર્યાં હતાં. સાહસિક, નીડર, શાંત અને પ્રેમાળ સ્વભાવ વગેરે તેમના સદ્ગુણોને વડનગરવાસીઓ યાદ કરી રહ્યા છે. કૉલેજ ત્રણ રસ્તા, ઘીકાંટા વિસ્તાર સહિતની બજારો બંધ રહી હતી અને હીરાબાને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.’