લખપત અને અબડાસામાં તીડનાં ઝુંડ દેખાતાં ફફડાટ

19 October, 2019 09:02 AM IST  |  ભુજ | ઉત્સવ ટી. વૈદ્ય

લખપત અને અબડાસામાં તીડનાં ઝુંડ દેખાતાં ફફડાટ

તીડનાં ઝુંડ

છેલ્લા ચાર મહિનાથી પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આતંક મચાવી રહેલા તીડના આક્રમણને ખાળવા પાકિસ્તાનની સરકાર જ્યારે પ્રયાસ કરી રહી છે ત્યારે આ તીડનાં ટોળાં હવે ભારત-પાકિસ્તાન વચ્ચેની સીમાએથી પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી કચ્છના અબડાસા અને લખપત તાલુકા પર ત્રાટકતાં આ વિસ્તારના ખેડૂતોની દિવાળી બગડવાનો ભય ઊભો થયો છે. પાડોશી પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ઈરાનથી આવી ચડેલાં તીડનાં ટોળાંએ કચ્છને અડીને આવેલા પાકિસ્તાનના સિંધ પ્રાંતના ખેડૂતોનાં ખેતરોમાં કપાસના ઊભા પાકને ખેદાનમેદાન કર્યો છે અને હવે આ તીડનાં ધાડાં કચ્છના લખપત અને અબડાસા તાલુકાનાં ખેતરોમાં પહોંચ્યાં હોવાનું જાણવા મળે છે.

કચ્છમાં એક તરફ આ વર્ષે પડેલા ભારે વરસાદને લીધે લીલા દુકાળનો ભય ઊભો થયો છે ત્યારે બીજી તરફ તીડનું આક્રમણ શરૂ થતાં ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. આ વિશે આજે ભુજની સરકારી તીડ નિયંત્રણ કચેરીને જાણ કરાતાં પરિસ્થિતિની ગંભીરતાને લઈને તીડ નિયંત્રણની કામગીરી માટે ભુજથી એક ખાસ ટુકડીને લખપત-અબડાસા વિસ્તારોમા મોકલવામાં આવી છે અને યુદ્ધના ધોરણે તીડનાં ટોળાંનો ખાતમો બોલાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : મોરબી સિરૅમિક ઉદ્યોગને મંદીનો મરણતોલ ફટકો: 200થી વધુ ફૅક્ટરીઓને તાળાં

ઉલ્લેખનીય છે કે રાતા સમુદ્રના કાંઠે આવેલા સુદાનમાં આ ડેઝર્ટ લોકસ્ટ ઉત્પન્ન થાય છે અને ત્યાંથી તીડનાં ધાડાં ને ધાડાં સાઉદી અરબ અને ઈરાન પહોંચીને ત્યાંથી પાકિસ્તાનના સિંધ પ્રાંતનાં ખેતરો પર આક્રમણ કરે છે. સિંધ પ્રાંતના નારા રણ વિસ્તારમાં આવેલી ગીચ ઝાડીઓમાં તીડનાં ટોળાંનું બ્રીડિંગ થાય છે અને એની સંખ્યામાં અનેકગણો વધારો થઈ જાય છે. નારા ડેઝર્ટથી તીડનાં ધાડેધાડાં કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં પહોંચ્યાં હોવાનું જાણવા મળે છે.

bhuj pakistan gujarat