ગુજરાતમાં ઉચ્ચ પ્રાથમિક સ્કૂલો ૧૮મીથી ફરી શરૂ

14 February, 2021 02:19 PM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

ગુજરાતમાં ઉચ્ચ પ્રાથમિક સ્કૂલો ૧૮મીથી ફરી શરૂ

ફાઈલ તસવીર

રાજ્યમાં આગામી ગુરુવાર, ૨૦૨૧ની ૧૮ ફેબ્રુઆરીથી ધોરણ ૬થી ૮ના વર્ગખંડોમાં પુનઃ શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવશે. શિક્ષણ વિભાગે આ વિશે બહાર પાડેલા ઠરાવમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં આવેલી તમામ બોર્ડની ઉચ્ચ પ્રાથમિક સ્કૂલોના ધોરણ ૬થી ૮ માટે વર્ગખંડ શિક્ષણ પુનઃ શરૂ કરવાનું રહેશે, જેમાં કોરોનાની ગાઇડલાઇન્સનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. આ ઑફલાઇન પ્રત્યક્ષ શિક્ષણકાર્યમાં હાજરી સ્વૈચ્છિક રહેશે તેમ જ વિદ્યાર્થીઓના વાલી પાસેથી શિક્ષણ સંસ્થાએ નિયત સંમતિપત્ર મેળવવાનો રહેશે. શિક્ષણ સચિવ વિનોદ રાવે આ ઠરાવના સંદર્ભમાં વધુ વિગતો આપતાં જણાવ્યું કે રાજ્યમાં આવેલી તમામ બોર્ડની પ્રાથમિક સ્કૂલો એટલે કે ધોરણ ૬થી ૮ના વર્ગોમાં ભૌતિક શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવશે સાથે આવી સ્કૂલોએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ભારત સરકારની ગાઇડલાઇન્સ તેમ જ રાજ્યના શિક્ષણ વિભાગની ૨૦૨૧ની ૮ જાન્યુઆરીએ જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું છે. આ હેતુસર તમામ જિલ્લાના શિક્ષણાધિકારીઓ તેમ જ પ્રાથમિક શિક્ષણાધિકારીઓને સ્કૂલો એસઓપીનું પાલન અવશ્ય કરે એ સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી દેવામાં આવી છે, એમ પણ શિક્ષણ સચિવે જણાવ્યું હતું.

gujarat gandhinagar