દલિત યુવાનો પર અત્યાચાર કરનારા પાંચ જણને પાંચ વર્ષની સજા

18 March, 2026 09:39 AM IST  |  Saurashtra | Gujarati Mid-day Correspondent

સૌરાષ્ટ્રમાં ઉના પાસે આવેલા મોટા સમઢિયાળા ગામના બહુચર્ચિત કેસમાં આખરે ચુકાદો આવ્યો

પ્રતીકાત્મક તસવીર

કુલ ૪૧ આરોપીઓમાંથી ૩૫ જણનો નિર્દોષ છુટકારો, એક પોલીસ-ઇન્સ્પેક્ટરનું ટ્રાયલ દરમ્યાન થયું હતું અવસાન

સૌરાષ્ટ્રમાં આવેલા ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સમઢિયાળા ગામે ૨૦૧૬માં દલિત સમાજના ૪ યુવાનો સહિત ૬ જણને માર મારીને અત્યાચાર ગુજારવાની બહુચર્ચિત ઘટનામાં ગઈ કાલે આરોપીઓને કોર્ટે સજા ફરમાવી હતી. ગીર સોમનાથ જિલ્લાના સ્પેશ્યલ જજ (ઍટ્રોસિટી) અને ઍડિશનલ સેશન્સ જજ જે. જે. પંડ્યાએ આ ઘટનામાં પાંચ આરોપીઓને તકસીરવાર ઠેરવીને ઍટ્રોસિટી ઍક્ટ હેઠળ પાંચ વર્ષની સજા ફરમાવી છે જ્યારે ૩૫ આરોપીઓનો નિર્દોષ છુટકારો થયો છે. 

ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય સરકારી વકીલ કેતનસિંહ વાળાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૧૬ની ૧૧ જુલાઈએ સમઢિયાળા ગામે મરેલા ઢોરની ખાલ ઉતારતા પરિવારને લોકોએ માર માર્યો હતો અને ૪ જણને ગાડીની પાછળ બાંધીને જાહેરમાં મારતાં-મારતાં લઈ જવાના કેસમાં ઉના પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં ૪૧ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ થઈ હતી. કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો એ દરમ્યાન એક પોલીસ-ઇન્સ્પેક્ટરનું અવસાન થયું હતું એટલે ૪૦ આરોપીઓ સામે કેસ ચાલ્યો હતો. આ કેસમાં ટ્રાયલ દરમ્યાન અમે ૨૪૦ જેટલા સાક્ષીઓને તપાસ્યા હતા અને લેખિત તેમ જ મૌખિક દલીલો કરીને આરોપીઓને કાયદામાં રહેલી મહત્તમ સજા કરવા રજૂઆત કરી હતી. આ કેસમાં જજ જે. જે. પંડ્યાએ ઍટ્રોસિટી ઍક્ટની વિવિધ કલમો હેઠળ આરોપી રમેશ જાદવ, રાકેશ જોશી, નાગજી વાણિયા, પ્રમોદગીરી ગૌસ્વામી અને બળવંતગીરી ગૌસ્વામીને પાંચ વર્ષની સજા અને પાંચ હજાર રૂપિયાનો દંડ કર્યો હતો.’ 

શું ઘટના બની હતી?  

ઘટનામાં ભોગ બનનાર વશરામ સરવૈયાએ ૨૦૧૬ની ૧૧ જુલાઈએ ઉના પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યા મુજબ વશરામ સરવૈયા, તેનો ભાઈ રમેશ, કાકાનો દીકરો અશોક તથા કુટુંબીભાઈ બેચરભાઈ સરવૈયા એમ ૪ જણ છકડો લઈને બેડિયા ગામે ગયા હતા. ત્યાંથી તેઓ મરેલી ગાયને લઈને પોતાના ગામની સીમમાં આવ્યા હતા અને ગાયનું ચામડું ઉતારતા હતા એ દરમ્યાન એક કારમાંથી આરોપીઓ આવ્યા હતા. અમે ગૌરક્ષક છીએ અને તમે ગાયને કેમ કાપો છો એમ કહીને તેઓ ગાળો બોલવા લાગ્યા હતા. પ્રમોદગીરી, બળવંત, રમેશ, રાકેશ અને નાગજી નામના આરોપીઓએ લોખંડની પાઇપ, લાકડી, લોખંડની પટ્ટી, ધોકા વડે તેમને માર માર માર્યો હતો. આ દરમ્યાન ફરિયાદીના પિતા બાલુભાઈ તથા માતા કુંવરબહેન તેમને છોડાવવા વચ્ચે પડતાં પિતાને પણ માર્યા હતા અને કારમાં બેસાડીને રામેશ્વર ગામના પાટિયે કાર ઊભી રાખીને ત્યાં પણ માર માર્યો હતો. ત્યાંથી ઉના બસ-સ્ટેશન પાસે લાવીને તેમને કારમાંથી ઉતારીને એક દોરડાથી ગાડી પાછળ બાંધીને જાહેરમાં લાકડી તથા પાઇપ વડે મારતાં-મારતાં પોલીસ-સ્ટેશન નજીક લાવ્યા હતા. આ દરમ્યાન ઘણા લોકો ભેગા થઈ ગયા હતા. પોલીસ આવતાં પાંચેય આરોપીઓ કાર લઈને ભાગી ગયા હતા.  

saurashtra gujarat news gujarat Crime News Gujarat Crime