06 July, 2024 07:14 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ગુજરાતના રમણીય વિસ્તાર ડાંગમાં વરસાદના પગલે ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી હતી.
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં મેઘમહેર થઈ રહી છે ત્યારે ગઈ કાલે દક્ષિણ ગુજરાત પર મેઘો મહેરબાન થયો હતો. સુરતના ઉમરપાડા અને નવસારીના વાંસદામાં ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ગોળધા ડૅમ ઓવરફ્લો થતાં હેઠવાસનાં ગામોને તંત્ર દ્વારા અલર્ટ કરવામાં આવ્યાં હતાં.
ગઈ કાલે દક્ષિણ ગુજરાતના વલસાડના કપરાડા અને નવસારીના ખેરગામમાં સાડાત્રણ ઇંચથી વધુ, તાપીના ડોલવણ, નર્મદાના તિલકવાડા અને દેડિયાપાડા અને સુરતના કામરેજમાં સવાત્રણ ઇંચથી વધુ, સુરતના બારડોલીમાં અઢી ઇંચથી વધુ, તાપીના વાલોડ અને વ્યારા, સુરતના મહુવા, ડાંગના વઘઈમાં સવાબે ઇંચ, ભરૂચના નેત્રંગ, નવસારીના ચીખલી, સુરતના માંગરોળમાં અને સુરત શહેર તેમ જ નવસારી શહેરમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગરના વલભીપુરમાં અઢી ઇંચ અને ઉમરાળામાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે સુરતના માંડવી તાલુકામાં આવેલા દેવગઢ પાસે વારેહ નદીનાં પાણી લો લેવલ બ્રિજ પર ફરી વળતાં વાહનચાલકોની સલામતી માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો. એવી જ રીતે વલસાડના કપરાડામાં કોલક નદીમાં પાણી આવતાં જીરવલ અને બુરલા ગામને જોડતા લો લેવલ બ્રિજ નદીના પાણીમાં ગરક થઈ જતાં આ બ્રિજ વાહનચાલકોની સલામતીનાં કારણોથી બંધ કરવામાં આવ્યો હતો.
ગુજરાતમાં ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં સુરેન્દ્રનગર, નર્મદા, ખેડા, વડોદરા, છોટાઉદેપુર સહિતના અન્ય જિલ્લાઓના ૧૧૯ તાલુકાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો, જેમાં ૪૧ તાલુકાઓમાં એકથી ચાર ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો.