૨૦૦૧માં ગુજરાતમાં આવેલા ભૂકંપને બે દાયકા વીત્યા

26 January, 2021 12:45 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

૨૦૦૧માં ગુજરાતમાં આવેલા ભૂકંપને બે દાયકા વીત્યા

તે સમયના રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે ભુજમાં રાજેશ ભટ્ટ અને તેમની દીકરી પ્રાર્થનાને મળીને તેમની રજૂઆત સાંભળીને પ્રોત્સાહિત કર્યા હતા (ફાઇલ ફોટોગ્રાફ)

૨૦૦૧ની સાલમાં ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપમાં અનેક જિંદગીઓ તબાહ થઈ ગઈ હતી. આજે એ વાતને બે દાયકા વીતી ગયા છે, પરંતુ વિનાશ પછીનું સર્જન એ કચ્છીઓની ખાસિયત અને ખુમારી રહી છે અને કચ્છીઓ પાછા બેઠા થઈ ગયા છે ત્યારે ૨૦૦૧ના ભૂકંપમાં ભુજના રાજેશ ભટ્ટે પત્ની ગુમાવી, રોડ પર આવી ગયા, પરિવારે સંઘર્ષ કરી આગળ વધવા કોશિશ કરી તો મુશ્કેલીએ પીછો ન છોડ્યો, પરંતુ દેશના તે સમયના રાષ્ટ્રપતિ અબ્દુલ કલામની ઑફિસમાંથી આવેલા એક ફોને નાસીપાસ થઈ ગયેલા રાજેશ ભટ્ટના પરિવારમાં આશાનો સંચાર કર્યો અને ફ્લાય એક્સ ઇંટના ધંધામાં મોટું નામ મેળવ્યું છે.

વર્ષ ૨૦૦૧માં ૨૬ જાન્યુઆરીએ કચ્છમાં ભારે ભૂકંપ આવ્યો હતો ત્યારે ભુજના સોની વાડ વિસ્તારમાં બે ભાઈઓ સાથે સંયુક્ત પરિવારમાં રહેતા રાજેશ ભટ્ટના ત્રણ માળના ઘરને હતું ન હતું કરી નાખ્યું હતું અને એ ઘરમાં પોતાની પત્ની પણ દટાઈને મૃત્યુ પામી હતી. હાલ કચ્છ ચેમ્બર્સ ઑફ કૉમર્સ અૅન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ રાજેશ ભટ્ટે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘ત્યાર બાદ નોકરીની શોધમાં હું બહેરીન પણ ગયો હતો પરંતુ ત્યાંથી પાછો ફર્યો હતો. ભાઈઓ સાથે મળીને ફ્લાય એક્સની ઇંટો બનાવવાનું શરૂ કર્યું. જાતે ઇંટો બનાવતા, પરંતુ કોઈ લેનાર નહોતું. અમે નાસીપાસ થઈ ગયા હતા, શું કરવું તેની સમજ પડતી નહોતી. એવામાં ૨૦૦૪માં ખબર પડી કે તે સમયના રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ ભુજ આવવાના છે. એ.પી.જે. અબ્દુલ કલામ ઇન્ટરનૅશનલ ફ્લાય એક્સ ફોરમના ચૅરમૅન હતા અને દુનિયાને ફલાય એક્સની ફાલજી ટેક્નૉલૉજી આપી હતી. બીજા દિવસે હું અને મારી દીકરી પ્રાર્થના ભુજના સર્કિટ હાઉસમાં એ.પી.જે. અબ્દુલ કલામને મળ્યાં. તેઓએ અમારી વાત સાંભળી. મેં એમને કહ્યું કે હું જે બ્રિક્સ બનાવું છું તે માર્કેટમાં કોઈ લેતું નથી. ત્યારે તેઓએ કહ્યું હતું કે ‘તમે જે લાઈન પસંદ કરી છે તે બેસ્ટ છે. નાસીપાસ ન થતાં, બ્રાઇટ ફ્યુચર છે. તમે જે લાઈન પકડી છે તેમાં સ્કાય ઇઝ લિમિટ, ડોન્ટ ગેટ ડીમોરલાઇઝ.’ તેમને મળ્યા પછી મને એક સાથે ૨૫ લાખ ઇંટોનો ઓર્ડર મળ્યો. હું અને મારા બે ભાઈ નીલેશ અને નિકુંજ સાથે મળીને મહેનત કરી અને આજે અમે ભુજમાં સહજાનંદ ફ્લાય એક્સ બ્રિકસ પ્લાન્ટ પ્રા.લિ. ચલાવીએ છીએ અને ફ્લાય એક્સ ઇંટો, કોંક્રીટ બ્લૉક અને પેવર બ્લૉક બનાવવાનાં મશીનો બનાવીએ છીએ જે ભારત ઉપરાંત આફ્રિકા અને ગલ્ફ કન્ટ્રીઓમાં પણ જાય છે.’

gujarat earthquake shailesh nayak