ગુજરાતમાં ભારે વરસાદની બે દિવસની આગાહી હવે શુક્રવાર સુધી લંબાવાઈ

26 July, 2021 08:59 AM IST  |  Rajkot | Rashmin Shah

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે મૉન્સૂન સિસ્ટમ ઍક્ટિવ થતાં પવન ફૂંકાવાની સાથે વીજળી પડે એવી સંભાવના પણ છે : ૨૦૪ તાલુકામાં ગઈ કાલે એકથી સાત ઇંચ વરસાદ પડ્યો

ગિરનારમાં પગથિયાં પર ધસમસતું પાણી આવવાને કારણે બિહામણું દૃશ્ય સર્જાયું હતું

શનિવારે ગુજરાત હવામાન વિભાગે કરેલી ભારે વરસાદની આગાહી વચ્ચે ગઈ કાલે ગુજરાતના ૨૦૪ તાલુકામાં એકથી સાત ઇંચ વરસાદ પડ્યો હતો. આવતા ૪૮ કલાકની વરસાદની જે આગાહી હતી એ ગુજરાત હવામાન વિભાગે હવે શુક્રવાર સુધીની કરી છે. શુક્રવાર સુધીમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

ગઈ કાલે હાઈએસ્ટ વરસાદ છોટાઉદેપુર અને રાજકોટના લોધિકામાં પડ્યો હતો. માત્ર છ કલાકમાં આ બન્ને શહેરમાં સાત ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે કપરાડામાં પાંચ ઇંચ, જામનગર જિલ્લામાં બેથી ચાર ઇંચ, બનાસકાંઠામાં બેથી ચાર ઇંચ, મહેસાણા જિલ્લામાં ત્રણથી પાંચ ઇંચ, રાજકોટ જિલ્લામાં ત્રણથી સાત ઇંચ વરસાદ પડ્યો હતો. એકધારા વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં તો નવાં નીરના કારણે નદીઓના વહેણ આવતાં રાજ્યના ૧૪ હાઇવે પર પાણી ફરી વળ્યાં હતાં.

જૂનાગઢ જિલ્લામાં પડેલા બેથી ચાર ઇંચ વરસાદના કારણે આખો જિલ્લો તરબોળ થઈ ગયો હતો. ગિરનારમાં ઉપરવાસમાં વરસાદ પડતાં બધું પાણી ગિરનાર પરથી નીચેની તરફ આવતાં પગથિયાં પરથી જાણે કે ઝરણું વહેતું હોય એવું દૃશ્ય સર્જાયું હતું. જોકે ગિરનાર પર દર્શન કરવા ગયેલા શ્રદ્ધાળુઓને ઉપરથી નીચે આવવામાં બહુ તકલીફ પડી હતી. ઉપર કોઈ પ્રકારનો અકસ્માત સર્જાય નહીં એની સાવધાની માટે ગિરનારની તળેટીમાં રહેલા આશ્રમોમાંથી ભાવિકો પ્રવાસીઓને લેવા માટે સામે ગયા હતા અને તેમને સાવધાની સાથે નીચે લઈને આવ્યા હતા.

ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સીધી અસરને લીધે મૉન્સૂન સિસ્ટમ ઍક્ટિવ થતાં શુક્રવાર સુધીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સાથે ભારે પવન પણ ફૂંકાશે અને વીજળી પડવાની શક્યતા પણ રહેશે.

આજે દેશના વિવિધ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

હિમાચલ પ્રદેશ, ગુજરાત, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં આજે ભારેથી અતિભારે વરસાદની શક્યતા ભારતીય હવામાન વિભાગે જાહેર કરી છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર, પેટા હિમાલય પશ્ચિમ બંગાળ, સિક્કિમ, નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા,  કર્ણાટક દરિયાકાંઠાનો વિસ્તાર, કેરલામાં આજે છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

gujarat Gujarat Rains Rashmin Shah