મધ્ય પ્રદેશના યાત્રાળુઓની બસ સાપુતારા ઘાટમાં ૨૦૦ ફુટ ઊંડી ખીણમાં ખાબકીઃ ૭નાં મોત, ૧૫ ઘાયલ

03 February, 2025 11:29 AM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

યાત્રાળુઓની ગુજરાત જઈ રહેલી બસ ગઈ કાલે પરોઢિયે સાપુતારા ઘાટમાં ૨૦૦ ફીટ ઊંડી ખીણમાં ખાબકતાં ૭ યાત્રાળુઓનાં મોત થયાં હતાં

સાપુતારાના ઘાટમાં યાત્રાળુઓની બસ પટકાવાના કારણે બસના બે ટુકડા થઈ ગયા હતા.

મધ્ય પ્રદેશના ગુ​ના, શિવપુરી અને અશોકનગર જિલ્લાના યાત્રાળુઓની ગુજરાત જઈ રહેલી બસ ગઈ કાલે પરોઢિયે સાપુતારા ઘાટમાં ૨૦૦ ફીટ ઊંડી ખીણમાં ખાબકતાં ૭ યાત્રાળુઓનાં મોત થયાં હતાં, જ્યારે ૧૫ યાત્રાળુઓ ઘાયલ થયા હતા. ઘાયલ યાત્રાળુઓને હૉસ્પિટલમાં દાખલ કરી સારવાર આપવામાં આવી હતી.

મધ્ય પ્રદેશના આ યાત્રાળુઓ ૨૩ ડિસેમ્બરે મધ્ય પ્રદેશથી યાત્રા માટે નીકળ્યા હતા. તેમની કુલ ચાર બસ હતી. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતનાં તીર્થધામોની તેઓ યાત્રા કરી રહ્યા હતા. તેઓ મહારાષ્ટ્રમાં શિર્ડી અને ત્યાર બાદ નાશિક-યમ્બકેશ્વરનાં દર્શન કરી ગુજરાતનાં યાત્રાધામોની જાત્રા કરવા ગુજરાત જવા નીકળ્યા હતા. ચારમાંથી એક બસ સાપુતારાના ઘાટમાં ગઈ કાલે પરોઢિયે ૪.૧૫ ખાબકી હતી. સાઇડ પરનાં બૅરિકેડ્સ તોડી એ બસ નીચે પટકાઈ હતી. બસમાં કુલ ૪૮ યાત્રાળુઓ હતા.

બસ ખાબકતાં એના બે ટુકડા થઈ ગયા હતા. પોલીસ પ્રશાસન, ફાયરબ્રિગેડ અને અન્ય એજન્સીઓના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રેસ્ક્યુ ઑપરેશન ચાલુ કર્યું હતું. ઘાયલોને હૉસ્પિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.  

gujarat madhya pradesh road accident national news news gujarat news