CM રૂપાણીની કારના મેમો મહિનાઓ બાદ પણ ભરવાના બાકી

19 September, 2019 03:47 PM IST  |  ગાંધીનગર

CM રૂપાણીની કારના મેમો મહિનાઓ બાદ પણ ભરવાના બાકી

રાજ્ય સરકારે ટ્રાફિકના નવા નિયમોના અમલમાં એક મહિનાની રાહત આપી છે. સાથે જ રાજ્ય સરકારે દંડમાં પણ ઘટાડો કર્યો છે. તેમ છતાંય નવા ટ્રાફિકના નિયમોનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હવે નવી વાત સામે આવી છે. છેલ્લા 24 કલાકથી રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી જે કાર વાપરી રહ્યા છે, તેના 2 મેમો બની ચૂક્યા છે, પરંતુ તેનો દંડ ભરવાનો બાકી છે. GSTVના રિપોર્ટ પ્રમાણે સીએમ રૂપાણીની કારના 2 ઈ મેમો અને અમદાવાદના મેયર બીજલ પટેલની કારના 4 ઈ મેમો બની ચૂક્યા છે. અને 9 મહિના વીતવા છતાંય હજી તેનો દંડ ભરાયો નથી.

ઉલ્લેખનીય છે કે બે દિવસથી સીએમ રુપાણીની કારના પીયુસી સહિતની બાબતો અંગે સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ થઈ હતી. જે બાદ વાહન વ્યવહાર પ્રધાન આર. સી. ફળદુએ આ અંગે ખુલાસો પણ કર્યો હતો. જો કે હવે આ જ કારને લઈ ખુલાસો થયો છે કે સીએમ રૂપાણી જે સ્કોર્પિયો કારનો ઉપયોગ કરે છ તેનો નંબર GJ 18 G 9085 છે. આ કારના 2 ઈ મેમો બની ચૂક્યા છે. જેનો દંડ હજી ચૂકવવામાં નથી આવ્યો.

વિજય રૂપાણીની કાર માટે 17 અને 21 ડિસેમ્બર એમ બે ઈ મેમો બન્યા છે. નિયમ પ્રમાણે પહેલો મેમો 100 અને બીજો મેમો 300 રૂપિયાનો છે. 17 ડિસેમ્બરનો મેમો ઈન્દિરા બ્રિજ પર રેડ લાઈટ તોડવા બદલનો બન્યો છે. જેનો નોટીસ નંબર IND115_2018121714575_F27EF છે. જ્યારે 21 ડિસેમ્બર 2018નો મેમો શાસ્ત્રીનગર ચાર રસ્તા પર સિગ્નલ તોડવા માટેનો છે. જેની દંડની રકમ 300 રૂપિયા છે. જેનો નોટીસ નંબર SAS115_2018122114109_9D938 છે.

આ પણ વાંચોઃ બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનને હાઈકોર્ટની મંજૂરી, ખેડૂતોની માગ ફગાવાઈ

GSTVના જ રિપોર્ટ પ્રમાણે અમદાવાદના મેયર બીજલ પટેલની કારના પણ નિયમભંગ બદલ ચાર ઈ મેમો બની ચૂક્યા છે. બીજલ પટેલની કારનો નંબર GJ 01 GA 9933 છે, તેના 4 મેમો જનરેટ થયા છે. બીજલ પટેલની સરકારી કારના એલજી હોસ્પિટલ, સરદાર પટેલ સ્ટેચ્યુ, ખમાસા અને પાલડી રેડ લાઈટ વયોલેશન બદલ મેમો બની ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે આ બંને નેતાઓ પોતે વાહન ચલાવતા નથી, એટલે સીધી રીતે તેઓ આ માટે જવાબદાર નથી. તેમના વાહનોની જવાબદારી તંત્રની હોય છે.

Vijay Rupani gujarat ahmedabad