આજે મોદી અને કેજરીવાલની ‘પતંગના પેચ’ જામશે

14 January, 2023 08:16 AM IST  |  Mumbai | Shailesh Nayak

અમદાવાદના આકાશમાં કોરોના, માસ્ક, રક્તદાન, બેટી બચાવો, વ્યસનમુક્તિના સંદેશા સાથે નેતાઓની પતંગો આકાશમાં છવાશે

અમદાવાદના પતંગ બજારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના ફોટો સાથેની પતંગો. જનક પટેલ.


અમદાવાદ ઃ તાજેતરમાં ગુજરાતના ઇલેક્શનમાં અરવિંદ કેજરીવાલની ગુજરાતમાં ચડતી  રાજકીય પતંગ નરેન્દ્ર મોદીએ ભારદોરી સાથે કાપી નાખ્યા બાદ હવે આજે મકરસંક્રાન્તિએ મોદી– કેજરીવાલના ફોટો સાથેની પતંગના પેચ અમદાવાદમાં જામશે. અમદાવાદના પતંગ બજારમાં નરેન્દ્ર મોદી, અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓના ફોટો સાથેની અને કોરોના, માસ્ક, રક્તદાન, બેટી બચાવો, વ્યસનમુક્તિના સંદેશા સાથેની પતંગો વેપારીઓએ બનાવી છે અને માર્કેટમાં ઠલવાઈ હતી. 
ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં ઉત્તરાયણ પર્વમાં પતંગના શોખીનો મન મૂકીને પતંગો ચગાવતા હોય છે ત્યારે આ વર્ષે ઉત્તરાયણના પર્વના દિવસો પહેલાં જ અમદાવાદના પતંગ બજારમાં સળવળાટ શરૂ થઈ ગયો હતો અને જાતભાતની પતંગો બજારમાં ઠલવાઈ હતી. આ વર્ષે માર્કેટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના ફોટો અને તેમના મેસેજ સાથેની પતંગો વેપારીઓએ બનાવી હતી. અમદાવાદમાં છેલ્લા ચાર દાયકાથી ભાગીદારીમાં પતંગ બનાવવાનો બિઝનેસ કરતા ઇકબાલ પતંગવાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આયુષ્યમાન કાર્ડ સહિતની સરકારની વિવિધ યોજનાઓ તેમ જ નેતાઓના સારા સંદેશા સાથે તેમના ફોટો મૂકીને અમે પતંગ બનાવીએ છીએ. આ વખતે નરેન્દ્ર મોદી, અરવિંદ કેજરીવાલ, ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓના સંદેશા સાથેની પતંગો બનાવી. આ ઉપરાંત અમે બેટી બચાવો, વ્યસનમુક્તિ, શિક્ષણ, રક્તદાન સહિતના મુદ્દાઓને આવરી લઈને એના સ્લોગન સાથેની પતંગ બનાવીએ છીએ અને સામાજિક સંદેશાઓ વહેતા કરીએ છીએ. પતંગ બનાવવાનાં મુખ્ય મથકો અમદાવાદ, ખંભાત અને નડિયાદ છે, જ્યાં મોટી માત્રામાં પતંગો બને છે. પતંગના ઉદ્યોગમાં સમગ્ર ગુજરાતમાં અંદાજે એક લાખ લોકોને રોજગારી મળી રહી છે.’ 

gujarat news makar sankranti arvind kejriwal narendra modi