GUJCET 2019: કેવી રીતે કરશો તૈયારી, આ રહી ટિપ્સ

25 March, 2019 06:19 PM IST  | 

GUJCET 2019: કેવી રીતે કરશો તૈયારી, આ રહી ટિપ્સ

ગુજસેટ

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના મુખ્ય પેપર લેવાઈ ગયા છે. હવે બસ ગુજકેટ બાકી છે. એન્જિનીયરિંગ, ફાર્મસી, ડિપ્લોમામાં પ્રવેશ મેળવવા માટે ગુજકેટ આપવી પડે છે. ગુજકેટ અઘરી પરીક્ષા નથી પરંતુ તેમાં સ્પર્ધા વધુ હોય છે. જેથી સારી કૉલેજ અને વિદ્યાશાખામાં પ્રવેશ મેળવવા માટે ગુજકેટમાં સારો સ્કોર કરવો જરૂરી છે.

ગુજકેટની પરીક્ષા ચાર વિષયો માટે લેવામાં આવે છે. ભૌતિક વિજ્ઞાન, રસયાણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ગણિત. એ ગ્રુપ માટે આ પરીક્ષા ગણિત, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનની હોય છે. જ્યારે બી ગ્રુપ માટે આ પરીક્ષામાં ગણિતના બદલે જીવ વિજ્ઞાન આવે છે. આ તમામ વિષયોને ગંભીરતાથી લેવા જરૂરી છે અને તેમના અભ્યાસક્રમો પૂર્ણ કરવા જોઈએ.

તૈયારી કરતા સમયે ધ્યાનમાં રાખવા જેવી બાબતોઃ

1. એકાગ્ર રહો
ધારેલો ટાર્ગેટ મેળવવા માટે એકાગ્ર રહો. તમારા લક્ષ્યથી ભટકો નહીં. તમારું લક્ષ્ય મગજમાં રાખો અને મહેનત કરતા રહો.

2. સ્ટડી પ્લાન બનાવો
સૌથી પહેલા તો ગુજકેટના ફોર્મેટની માહિતી મેળવી લો. પેપરની પેટર્ન જાણી લો અને તેના પ્રમાણે બરાબર પ્લાન બનાવો. ક્યા વિષયને કેટલો સમય આપવો અને કેટલી ઝડપથી ક્યો વિષય પૂરો કરવો તે જોઈ લો.

3. કન્સેપ્ટ ક્લીઅર રાખો
જો તમારા કન્સેપ્ટ જ ક્લીઅર નહીં હોય તો તમને તૈયારીમાં તકલીફ પડશે. કોઈ પણ ટૉપિકને તમામ દ્રષ્ટિકોણથી સમજો. અને તમામ સવાલોના જવાબ આપવા માટે તૈયાર રહો.

4. નોટ્સ તૈયાર કરો
કોઈ પણ વિષય કે ટૉપિકની તૈયાર કરો ત્યારે તેની નોટ્સ તૈયાર કરો. જે તમને છેલ્લી ઘડીએ રિવિઝન કરવામાં મદદ કરશે. સાથે તમે આંકડાઓ, સત્ય વગેરે સારી રીતે યાદ રાખી શકશો.

5. મહાવરો જરૂરી છે
કોઈ પણ ટૉપિક વાંચ્યા પછી તેની પ્રેક્ટિસ જરૂરી છે. જે સવાલો અઘરા લાગે તેની યાદી કરી રાખો અને બાદમાં જો જરૂર લાગે તો તેમને ફરી એકવાર સોલ્વ કરો.

6. ઓનલાઈન ટેસ્ટ આપો, જૂના પેપર સોલ્વ કરો
ગુજકેટની તૈયારી માટે ઓનલાઈન અને ટેસ્ટ ઉપલબ્ધ છે. અભ્યાસક્રમ તૈયાર થઈ જાય એટલે આ ઓનલાઈન ટેસ્ટ આપો. સાથે જૂના પેપર પણ સોલ્વ કરો. જેથી તમને કેવા કેવા પ્રકારના સવાલો પેપરમાં આવી શકે તેનો ખ્યાલ આવશે.

-ભૌતિક વિજ્ઞાનના પેપર માટે ટિપ્સ
1. દરેક કન્સેપ્ટને સમજો અને તેને વિઝ્યુઅલાઈઝ કરતા શીખો.
2. તમામ ફોર્મ્યૂલા અને ઈક્વેશન્સ(સમીકરણો) યાદ કરી લો.
3. MCQ સોલ્વ કરવાનું રાખો, સાથે સ્પીડ અને સમયનું પણ ધ્યાન રાખો.

-રસાયણ વિજ્ઞાનના પેપર માટે ટિપ્સ
1. દરેક રાસાયણિક પ્રક્રિયા, તેનું રિએક્શન, ફોર્મ્યૂલાની રેગ્યુલર પ્રેક્ટિસ કરો.
2. તમામ ટોપિક માટે બને એટલા વધુ સવાલો સોલ્વ કરવાનો પ્રયાસ કરો.

-ગણિતના પેપર માટે ટિપ્સ
1. કોઈ પણ દાખલાના સ્ટેપ્સને ગોખશો નહીં. તેમને સમજો. શોર્ટકર્ટ માટે પણ આ જ રીત અપનાવો.
2. ફોર્મ્યૂલાને લખીને યાદ રાખો. તેની નિયમિત પ્રેક્ટિસ કરો.
3. દાખલાઓ રોજ ગણો.

-જીવવિજ્ઞાનના પેપર માટે ટિપ્સ
1. ટેક્સ્ટ બુકના એકપણ ચેપ્ટરને છોડો નહીં.
2. તમામ રચનાઓને કંઠસ્થ કરી લો.
3. નિયમિત પ્રેક્ટિસ કરો.

ગુજકેટ 2019ની તૈયારીઓ માટે ટિપ્સ આપતા રાજકોટની મોદી સ્કૂલના અધ્યાપક દિશા કહે છે કે, "ગુજકેટની પરીક્ષામાં સારો સ્કોર કરવા માટે પાઠ્યપુસ્તકો સૌથી વધુ મહત્વના છે. તમારે ધોરણ 12ના બંને સેમેસ્ટરના પાઠ્ય પુસ્તકો કંઠસ્થ કરી લેવા જોઈએ. સાથે જ સ્વ અધ્યયનપોથીના MCQ મહત્વના હોય છે. તેનો મહાવરો કરવો જરૂરી છે. છેલ્લા કેટલાક વર્ષોના પેપર જોઈએ તો તેમાં પાઠ્ય પુસ્તક અને સ્વ અધ્યયનના જ સવાલો પુછાય છે. જો આટલી તૈયારી સારી રીતે કરો તો 120માંથી 80 થી 90 ગુણ આરામથી આવી જશે."

બસ, નિયમિતતા અને રોજની પ્રેક્ટિસ તમને આ પરીક્ષામાં જરૂરથી સફળતા અપાવશે. તો લાગી જાઓ તૈયારીમાં અને gujaratimidday.com તરફથી All The Best!

gujarat