ગુજરાતમાં એક પણ કોરોના વાઇરસનો પૉઝિટિવ કેસ નથી : આરોગ્ય સચિવ

15 March, 2020 11:04 AM IST  |  Gandhinagar

ગુજરાતમાં એક પણ કોરોના વાઇરસનો પૉઝિટિવ કેસ નથી : આરોગ્ય સચિવ

ગુજરાતમાં એક પણ કોરોના વાઇરસનો પૉઝિટિવ કેસ નથી : આરોગ્ય સચિવ

દેશભરમાં હાલમાં કોરોના વાઇરસનો ફફડાટ ફેલાયો છે. કોરોનાને કારણે ભારતમાં બે વ્યક્તિઓનાં મોત પણ થયાં છે. એવામાં આ મામલે સરકાર વધારે ને વધારે સાવચેતીનાં પગલાં લઈ રહી છે. એવામાં ગુજરાતના આરોગ્ય સચિવ જયંતી રવિએ ગઈ કાલે કોરોના વાઇરસને લઈ એક પ્રેસ કૉન્ફરન્સ સંબોધી હતી જેમાં તેઓએ જણાવ્યું કે ગુજરાતમાં કોઈ કેસમાં દરદી મનાઈ કરે તો પણ કાયદાકીય રીતે તેને હૉસ્પિટલમાં રહેવાની ફરજ પાડવામાં આવશે.

કોરોના વાઇરસને લઈ આયોજિત પ્રેસ કૉન્ફરન્સમાં આરોગ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું કે ગુજરાતમાં અત્યાર સુધી એક પણ કોરોના વાઇરસનો પૉઝિટિવ કેસ સામે આવ્યો નથી. ૭૭ સૅમ્પલમાંથી ૭૨ના નેગેટિવ તો પાંચ લોકોના રિપોર્ટ આવવાના હજી બાકી છે. જયંતી રવિએ જણાવ્યું કે કોરોના વાઇરસને લઈ સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું છે. દરદીને કાયદાકીય રીતે હૉસ્પિટલમાં રહેવાની ફરજ પડાશે. કોઈ કેસમાં દરદી મનાઈ કરે તો પણ ફરજ પાડી શકાય છે.

આ ઉપરાંત જયંતી રવિએ જણાવ્યું કે ચીન બાદ હવે યુરોપ કોરોનાનું એપી સેન્ટર બની ગયું છે. ગુજરાતનું આરોગ્ય વિભાગ ૨૪ કલાક કાર્યરત છે. રાજ્યમાં ૧૧૧૭ બેડ તૈયાર કરવામાં આવ્યા છે. ૪૦૦થી વધુ વેન્ટિલેટર તૈયાર કરવામાં આવ્યા છે. કોરોના અંગે તકેદારી રાખવી જરૂરી છે. તમામ વ્યક્તિએ માસ્ક, હૅન્ડ સેનિટાઇઝરની જરૂર નથી. બીમારીના લક્ષણ હોય તો જ માસ્કની જરૂરિયાત છે. આ સાથે જયંતી રવિએ જણાવ્યું કે કોરોના વાઇરસ માટે જાહેર કરાયેલી ૧૦૪ હેલ્પલાઇન નંબર પર દૈનિક ૫૦૦ કૉલ આવે છે.

બનાસકાંઠામાં કોરોના વાઇરસના ચાર શંકાસ્પદ કેસ સામે આવતાં ફફડાટ
બનાસકાંઠામાં શંકાસ્પદ કોરોના વાઇરસના ચાર કેસ હોવાની વાતથી ખળભળાટ મચી ગયો છે. આ ચાર કેસ ઑસ્ટ્રેલિયાથી આવેલા તાલીમાર્થીના છે જેમને કોરોના વાઇરસના શંકાસ્પદ લક્ષણો દેખાતાં હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની વિગત એવી છે કે રાજ્યમાં તાજેતરમાં જ ધુળેટીનું પર્વ ધામધૂમથી ઊજવાયું હતું ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ઑસ્ટ્રેલિયાના ચાર તાલીમાર્થીઓ આવ્યા હતા. આ ચાર યુવક-યુવતીઓએ ધુળેટીના કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. આ ચાર યુવક-યુવતીઓને ખાંસી, શરદી થતાં તેમને આઇસોલેશન વૉર્ડમાં ખેસડવામાં આવ્યાં છે. ચારેય વ્યક્તિઓએ નૃત્યુના કાર્યક્રમમાં ભાગ લીધો હોવાથી આરોગ્ય વિભાગમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઇન્ટર્નશિપ કરવા માટે આવેલાં આ ઑસ્ટ્રેલિયન યુવક-યુવતીઓએ માળી સમાજના હોળી-ધુળેટીના કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ભરપૂર સેલ્ફીઓ ક્લિક કરાવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત અનેક લોકો પણ આ ઘટનાના કારણે ચિંતામાં મુકાયા છે.

લાખો લોકોએ અમદાવાદ-મુંબઈની ટ્રેનની ટિકિટો રદ કરાવી
કોરોના વાઇરસના કેર સામે ભારત સરકાર પણ હવે સતર્ક થઈ ગઈ છે ત્યારે અમદાવાદ અને મુંબઈ સહિતનાં તમામ રેલવે સ્ટેશન પર મુસાફરોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે આ વાઇરસના ભયના કારણે લાખો લોકોએ પોતાની ટ્રેનની ટિકિટો પણ રદ કરી દીધી છે જેથી ટ્રેનવ્યવહાર પર માઠી અસર જોવા મળી રહી છે.

કોરોના વાઇરસના ભયના કારણે લાંબા અંતરના ઘણા યાત્રીઓએ પોતાની ટિકિટો રદ કરી દેવામાં આવી છે. અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી પુણે જતી ટ્રેનોમાં મુસાફરી કરતા લાખો લોકોએ પોતાની ટિકિટ રદ કરી હોવાનું સામે આવી રહ્યું છે. ૧૨ માર્ચની વચ્ચે મધ્ય રેલવેએ ૧,૩૯,૧૩૭થી પણ વધારે ટિકિટો રદ કરી હોવાનું સામે આવી રહ્યું છે જે ગયા વર્ષના સમયગાળાની સરખામણીમાં ૩૩ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જોકે ગયા વર્ષની વાત કરીએ તો ૯૯,૩૬૨ જેટલી ટિકિટો રદ થઈ હતી.
પશ્ચિમ રેલવેમાં પણ ટિકિટ રદ કરવાના કેસમાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે. જોકે ૧.૭૩ લાખથી પણ વધારે ટિકિટ કન્ફર્મ થઈ હતી જે લોકોએ ૧થી ૧૧ માર્ચની વચ્ચે કોરોના વાઇરસના ભયના કારણે રદ કરી દીધી છે, જ્યારે ગયા વર્ષની સરખામણી કરતાં આ વર્ષે વેસ્ટર્ન રેલવેમાં ૩.૯૮ લાખ લોકોએ ટિકિટ રદ કરાવી હતી.

રેલવે સૂત્રોએ જણાવ્યું હતું કે રાજધાની, શતાબ્દી અને ડુરન્ટો જેવી પ્રીમિયમ ટ્રેનોમાં પણ મોટા પાયે ટિકિટો રદ થઈ છે. ૧૫ એપ્રિલથી ૧૫ જૂન દરમિયાન મુંબઈ સેન્ટ્રલ-દિલ્હી રાજધાની એક્સપ્રેસ પર ૨૦૦૦થી વધુ પુષ્ટિવાળી ટિકિટ રદ કરવામાં આવી છે, જ્યારે એ જ સમયગાળા માટે ઑગસ્ટ ક્રાંતિ રાજધાનીની રદ કરવાની સંખ્યા ૧૨૨૧ છે.

gujarat coronavirus