આવવાના હતા 200 પણ હાજર રહેશે 30

27 November, 2020 09:15 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

આવવાના હતા 200 પણ હાજર રહેશે 30

મુંબઈની અનુભૂતિ માટા અને વડોદરાનો અમોલ પંડ્યા.

ગુજરાત અને મહારાષ્ટ્રમાં વધતી જતી કોરોનાની મહામારી વચ્ચે મુંબઈની અનુભૂતિ માટા અને વડોદરાના અમોલ પંડ્યાના લગ્નપ્રસંગે કોરોનાને કારણે અમોલના પપ્પા ડૉ. અતુલ પંડ્યા અને મમ્મી આરતી પંડ્યાએ સ્વજનો અને મિત્રોને આદર તથા સૌજન્ય સાથે લગ્નપ્રસંગમાં હાજર નહીં રાખવા બદલ અસમર્થતા દાખવતા ફીલ સાથે શુભ પ્રસંગનું ઈ-કાર્ડ વૉટ્સઍપ દ્વારા મોકલીને ક્ષમાયાચના માગવાની અનોખી અને આવકારદાયક પહેલ કરી છે. જોકે આવી જ હાલત ગુજરાતમાં યોજાઈ રહેલાં મોટા ભાગનાં લગ્નોની છે જેમાં અગાઉ બધાને કંકોતરી મોકલાઈ ગઈ છે, પણ હવે કોરોના વકરતાં આમંત્રિતોને ના પાડવી પડે છે લગ્નમાં આવવાની. અનુભૂતિ અને અમોલના જ લગ્નની વાત લઈએ તો અમોલ મુંબઈ ૯૦ જાનૈયા સાથે આવવાનો હતો અને પછી તેમના તરફથી વડોદારામાં રિસેપ્શનનું પણ આયોજન કરાયું હતું પણ હવે અંદાજે ૨૦૦ મહેમાનો (બંને પ્રસંગ મળીને)ની હાજરીમાં મેરેજની ઉજવણીને બદલે ટોટલ ૩૦ જ નજીકના લોકો વચ્ચે થશે સેલિબ્રેશન.

૩૦ નવેમ્બરે અમોલ અને અનુભૂતિનાં લગ્ન યોજાવાનાં છે ત્યારે વધતા જતા કોરોનાના કેસને લઈને કોઈ મુશ્કેલી ન સર્જાય એ માટે ઈ-કાર્ડ બનાવીને સ્વજનો તેમ જ મિત્રોને પંડ્યાપરિવારે મોકલી આપ્યાં છે. ૨.૫૫ મિનિટના આ ઈ-કાર્ડમાં ડૉ. અતુલ પંડ્યા અને આરતી પંડ્યાએ જણાવ્યું છે કે ‘સ્નેહી પરિવારજનો, આજે શુભ પ્રસંગે, ખાસ કારણસર અમે આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ. આપ સૌના આશીર્વાદથી અમારા પરિવારમાં શરણાઈના સૂર રેલાવાની તૈયારીઓ થઈ રહી છે. લગ્નનાં ઢોલ ઢબૂકવાની તૈયારીઓ થઈ રહી છે, પરંતુ આ વખતે પહેલી વાર એવું બનશે કે આપની હાજરી વિના આ પ્રસંગ સૂનો-સૂનો અને સાવ ફિક્કો લાગશે. શરણાઈના સૂરોમાં ફીકાશ લાગશે. લગ્નમાં ઢોલ પણ મીઠાં નહીં લાગે. આપ સ્નેહીજનોની અમે ક્ષમાયાચના કરીએ છીએ અને આ શુભ પ્રસંગમાં આપ બધાની અનુપસ્થિતિ અમને ચોક્કસથી ખલશે. આપ જ્યાં છો ત્યાંથી નવદંપતીને શુભેચ્છાઓ અને આશીર્વાદ આપો એવી નમ્ર વિનંતી છે. પેન્ડેમિક અને કોવિડના આ કપરા સંજોગોમાં આપણે ક્ષેમકુશળતાથી બહાર આવી જઈએ એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ.’

કોરોનાના વધતા જતા કેસ વચ્ચે જાન વડોદરાથી મુંબઈ નહીં આવે, પરંતુ વડોદરામાં વર અને કન્યા પક્ષના ૧૫–૧૫ સભ્યોની ઉપસ્થિતિમાં સાદાઈથી લગ્ન કરવાનો બન્ને પક્ષે સમજણપૂર્વકનો સ્તુત્ય નિર્ણય લીધો છે.

પોતાના એકના એક દીકરાનાં લગ્ન માટે ઉત્સાહી પિતા ડૉ. અતુલ પંડ્યાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લગ્ન આવતાં હોવાથી મુંબઈના અંધેરીના વર્સોવામાં રહેતી અમારી પુત્રવધૂ અનુભૂતિએ કહ્યું કે અત્યારે કોરોનાને કારણે પ્રૉબ્લેમ ઊભા થયા છે એટલે ઘરના ૧૦–૧૫ વ્યક્તિઓની ઉપસ્થિતિમાં મૅરેજ કરીએ. હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે પણ આ વાતને વધાવી લીધી અને ઓછા માણસોની હાજરીમાં સાદાઈથી વડોદરામાં જ મૅરેજ કરવાનું બન્ને પક્ષોએ સાથે મળીને નક્કી કર્યું. કેમ કે હાલની પરિસ્થિતિમાં સગાંઓ સહિત બધાની સિક્યૉરિટીનો સવાલ હતો. જાણ્યે-અજાણ્યે કોરોના ફેલાવવામાં આપણે નિમિત્ત બનીએ એવું કોઈ કાર્ય કરવું નહોતું એટલે લગ્ન સાદાઈથી યોજવા‍નું નક્કી કર્યું છે.’

mumbai mumbai news vadodara ahmedabad shailesh nayak lockdown