અમદાવાદની L G હૉસ્પિટલમાં ૧૨ સગર્ભાઓ કોરોનાગ્રસ્ત થતાં તંત્ર ચિંતામાં

22 May, 2020 10:08 AM IST  |  Mumbai Desk | Agencies

અમદાવાદની L G હૉસ્પિટલમાં ૧૨ સગર્ભાઓ કોરોનાગ્રસ્ત થતાં તંત્ર ચિંતામાં

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદ ઃ (જી.એન.એસ.) શહેરમાં દિન-પ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે શહેરની એલ. જી. હૉસ્પિટલમાં ૧૨ સગર્ભાઓને કોરોના થયો છે. હૉસ્પિટલમાં સારવાર માટે આવેલા ૧૭ લોકોને કોરોના થયો છે. જેમાં ૧૭માંથી ૧૨ સગર્ભા મહિલાઓ કોરોનાની ચપેટમાં આવી ગઈ છે. આ સગર્ભાઓને હૉસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાઇ છે. આ પહેલાં પણ એલ. જી. હૉસ્પિટલના ડૉક્ટરો અને તેમનો સ્ટાફ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યો છે,
એના કારણે એક અઠવાડિયું હૉસ્પિટલ બંધ પણ રખાઇ હતી. ત્યારે એલ.જી. હૉસ્પિટલમાં કોરોનાનો સિલસિલો ફરી શરૂ થયો છે. અમદાવાદની એલ.જી. હૉસ્પિટલમાં ૧૨ સગર્ભા મહિલાઓનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. શહેરમાં વધુ ૨૭૧ નવા દરદીઓ સારવાર માટે જુદી-જુદી હૉસ્પિટલોમાં દાખલ થયા છે, જ્યારે ૨૬ દરદીઓનાં સારવાર દરમિયાન કરુણ મૃત્યુ થયાં છે જેમાં ૨૨ પુરુષો અને ૪ મહિલાઓ છે. ગ્રામ્ય વિસ્તાર સાથે જિલ્લામાં દરદીઓની સંખ્યા ૯૨૧૬, જ્યારે મૃત્યુઆંક ૬૦૨ પહોંચ્યો છે. તેમ જ વધુ ૧૦૭ દરદીઓ સ્વસ્થ થતાં કુલ ૩૧૩૦ દરદીઓ ડિસ્ચાર્જ થયા છે. તેમ જ ૫૪૮૪ દરદીઓ સારવાર હેઠળ છે. શહેરમાં રેડ ઝોનના જમાલપુર, શાહપુર, દરિયાપુર, અસારવા, ખાડિયા, બહેરામપુરા, દાણીલીમડા, મણિનગર, સરસપુર, ગોમતીપુર સહિત તમામ વિસ્તારોમાં દરદીઓ નોંધાયા છે.

coronavirus covid19 ahmedabad gujarat