લૉકડાઉનથી ગુજરાત સરકારની તિજોરીને 3-4 હજાર કરોડના નુકસાનની શક્યતા

29 March, 2020 06:34 PM IST  |  Mumbai Desk | GNS

લૉકડાઉનથી ગુજરાત સરકારની તિજોરીને 3-4 હજાર કરોડના નુકસાનની શક્યતા

કોવિદ-૧૯ને ફેલાતો અટકાવવા માટે લેવાયેલા લૉકડાઉનના નિર્ણયના કારણે રાજ્ય સરકારની તિજોરીને ૩થી ૪ હજાર કરોડ સુધીનું નુકસાન થઈ શકે છે, એમ સરકારના સૂત્રોએ જણાવ્યું હતું. મૅન્યુફૅક્ચરિંગથી લઈને સર્વિસ સૅક્ટર સંપૂર્ણ રીતે શટડાઉન છે, આ સિવાય ઇલેક્ટ્રિસિટી ડ્યૂટીની આવકમાં પણ ઘટાડો થયો છે, તેમ સૂત્રોએ જણાવ્યું.

નાણાકીય વર્ષનો અંતિમ મહિનો હોવાથી માર્ચમાં રેવન્યુ કલેક્શન વધે છે, પરંતુ આ વખતે જીએસટી કલેક્શનમાં તીવ્ર ઘટાડો થશે તેવી શક્યતા છે. શટડાઉનના કારણે રિયલ એસ્ટેટ તેમ જ અન્ય સૅક્ટર બંધ હોવાથી સ્ટેમ્પ ડ્યૂટી તેમ જ રજિસ્ટ્રેશન ફીની આવક પણ ઘટી છે એમ સરકારના વરિષ્ઠ અધિકારીએ કહ્યું. તેમણે કહ્યું કે સરકારને વેહિકલના વેચાણથી થતી આવકમાં પણ ઘટાડો થઈ રહ્યો છે.
અધિકારીએ કહ્યું કે સરકાર તરફથી મળતી સહાયમાં ઘટાડો થવાની શક્યતાને નકારી શકાય નહીં, કારણ કે કેન્દ્ર સરકારને પણ આવકમાં સમાન ઘટાડાનો સામનો કરવો પડશે. ‘લૉકડાઉન ખતમ થયા બાદ જ આ બાબતો સ્પષ્ટ થશે’ એમ અધિકારીએ કહ્યું.
સૂત્રોએ ઉમેર્યું હતું કે લૉકડાઉનની અસર લૉકડાઉનના સમયગાળા પછીના ૮ મહિના સુધી દેખાઈ શકે છે, તેથી થોડા સમય માટે રાજ્ય સરકારની આવકને ફટકો પડશે. રાજ્યના આયોજિત ખર્ચને ભંડોળ આપવા માટે રાજ્ય સરકારે વધુ નાણાંનું ઋણ લેવું પડી શકે છે કારણ કે બજેટની ફાળવણીની જાહેરાત થઈ ચૂકી છે એમ અધિકારીએ જણાવ્યું હતું.

gujarat covid19 coronavirus national news