ગુજરાતની સ્કૂલોમાં કોરોના પૉઝિટિવનો પ્રથમ કેસ

14 January, 2021 04:19 PM IST  |  Mumbai | Shailesh Nayak

ગુજરાતની સ્કૂલોમાં કોરોના પૉઝિટિવનો પ્રથમ કેસ

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં હજી તો ઑફલાઇન સ્કૂલો માંડ ત્રણ દિવસ પહેલાં શરૂ થઈ છે ત્યાં ગઈ કાલે જામનગર જિલ્લાના જોડિયામાં આવેલી સ્ત્રી ઉદ્યોગ હુન્નર શાળાની ધો.૧૨માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની હોસ્ટેલમાં પ્રવેશ મેળવે તે પહેલાં તેની કોરોના ટેસ્ટ થતાં તે પૉઝિટિવ આવતાં શાળાને તાત્કાલિક અસરથી એક અઠવાડિયા માટે બંધ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ જામનગર જિલ્લામાં આવેલી તમામ શાળાઓની હોસ્ટેલોમાં તેમ જ સમાજની હોસ્ટેલોમાં રહેવા આવનાર વિદ્યાર્થીઓની કોરોના ટેસ્ટનું ચુસ્ત રીતે પાલન કરાવવાનું જામનગર જિલ્લા શિક્ષણાધિકારીએ ફરજિયાત બનાવ્યું છે.
જોડિયામાં આવેલી સ્ત્રી ઉદ્યોગ હુન્નર શાળાના ટ્રસ્ટી અશોક વર્માએ ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘અમારી શાળામાં સરકારની ગાઇડલાઇન પ્રમાણે અભ્યાસ શરૂ કરીએ તે પહેલાં જે વિદ્યાર્થિનીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે તેવી પાંચ - પાંચ વિદ્યાર્થિનીઓને ગઈ કાલથી હોસ્ટેલમાં બોલાવવાનું નક્કી કર્યું હતું. એકસાથે નહીં પરંતુ રોજેરોજ પાંચ – પાંચ વિદ્યાર્થિનીઓ હોસ્ટેલમાં આવે તે રીતે આયોજન કરાયું હતું જેથી કોઈ મુશ્કેલી ન સર્જાય. ગઈ કાલે પાંચ છોકરીઓ આવી, તેમને હોસ્ટેલમાં પ્રવેશ અપાય તે પહેલાં બ્લોક હેલ્થ હૉસ્પિટલમાં તેમની કોરોના ટેસ્ટ થઈ હતી. જેમાં ચાર છોકરીઓની ટેસ્ટ નેગેટિવ આવી હતી, પરંતુ ધો.૧૨માં અભ્યાસ કરતી રામપર ગામની છોકરીનો ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. જામનગર જિલ્લા શિક્ષણાધિકારી એસ. એલ. ડોડિયાએ ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘શાળા દ્વારા હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને આવવા જાણ કરવામાં આવી હતી અને હોસ્ટેલમાં પ્રવેશ પહેલાં કોરોના ટેસ્ટ ફરજિયાત કરાઈ હતી. જેમાં એક વિદ્યાર્થિની પૉઝિટિવ આવતાં તેના વાલી સાથે ઘરે પાછી મોકલીને હોમ ક્વૉરન્ટીન કરાઈ છે. તેને બીજા કોઈ લક્ષણો નહોતા. વિદ્યાર્થીઓની સલામતી માટે થઈને આ શાળા સાત દિવસ માટે બંધ કરી દેવાઈ છે.’

shailesh nayak gujarat coronavirus covid19